એમએસઇડીસીએલનો અધિકારી 30 હજારની લાંચ લેતાં પકડાયો…

થાણે: પાલઘરમાં વીજળીના બિલની રકમ ઓછી કરવા માટે 30 હજાર રૂપિયાની લાંચ માગવા પ્રકરણે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (એમએસઇડીસીએલ)ના અધિકારીની એન્ટિ-કરપ્શન બ્યૂરોએ ધરપકડ કરી હતી.
ફરિયાદીનું ઇલેક્ટ્રિસિટી મીટર વર્ષ 2010થી બંધ હતું, જેને કારણે તેને 2.06 લાખ રૂપિયાનું બિલ આવ્યું હતું. આનો ઉકેલ લાવવા અને બિલની રકમ નિયમિત કરવા તેણે એમએસઇડીસીએલની ઓફિસનો સંપર્ક સાધ્યો હતો.
પાલઘર જિલ્લામાં એમએસઇડીસીએલ એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઓફિસમાં ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરતા 57 વર્ષના આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું કે જો તે 35 હજાર રૂપિયાની લાંચ આપે તો તેના બિલની રકમ 60 હજાર રૂપિયા કરી દેશે.
દરમિયાન ફરિયાદીએ થાણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને અધિકારીઓએ તપાસ કર્યા બાદ છટકું ગોઠવ્યું હતું. આરોપી સોમવારે સાંજે ફરિયાદી પાસેથી 30 હજાર રૂપિયા લેવા માટે તૈયાર થયો હતો અને તેને લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ પકડી પાડવામાં આવ્યો હતો. માણિકપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)
આપણ વાંચો : એમએસઇડીસીએલના વીજ દરમાં ફેરફાર કરવાના પ્રસ્તાવનો વિરોધઃ કંપનીએ કરી સ્પષ્ટતા