ઇન્ટરનેશનલ

યુએન જનરલ એસેમ્બલીમાં ગાઝામાં માનવતાના આધાર પર યુદ્ધવિરામનો ઠરાવ પસાર,120 દેશોએ સમર્થન આપ્યું

નવી દિલ્હી: ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં માનવીય આધાર પર યુદ્ધવિરામ માટે જોર્ડન દ્વારા રજૂ કરવામાં આવેલો ઠરાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પસાર કરવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ)એ પ્રચંડ બહુમતી સાથે ઠરાવ પસાર કર્યો હતો. પ્રસ્તાવની તરફેણમાં 120 વોટ પડ્યા હતા, જ્યારે વિરુદ્ધમાં 14 વોટ પડ્યા હતા. જ્યારે ભારત સહીત 45 દેશોએ વોટિંગ કરવાનું ટાળ્યું હતું.

ઠરાવમાં માનવતાના આધાર પર ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરવામાં આવી હતી. ઠરાવમાં ગાઝામાં પાણી, વીજળી અને જીવન જરૂરીયાતના સામાનનું વિતરણ ફરી શરૂ કરવા સહિત માનવતાવાદી સહાય કોઈ વિક્ષેપ વિના ગાઝા સુધી પહોંચવા માટે પણ હાકલ કરવામાં આવી છે.

ભારત, બ્રિટન, જર્મની, કેનેડા સહિત 45 દેશો મતદાનથી દૂર રહ્યા હતા. કેનેડાએ ઇઝરાયેલ પર હમાસના હુમલાની નિંદા કરવાના ઠરાવમાં સુધારાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો, જેને નકારી કાઢવામાં આવ્યો હતો. બ્રિટન અને જર્મની જેવા દેશો જે હમાસ સાથેના યુદ્ધમાં ઇઝરાયેલને મજબૂત સમર્થન આપી ચુક્યા છે, તે મતદાનમાં ગેરહાજર હતા.

યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયેલ, ઑસ્ટ્રિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ફિજી, ગ્વાટેમાલા, હંગેરી, માર્શલ આઇલેન્ડ્સ, માઇક્રોનેશિયા, નૌરુ, પાપુઆ ન્યુ ગિની, પેરાગ્વે અને ટોંગાએ જોર્ડન દ્વારા રજૂ કરાયેલા ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઈનના રાજદૂત રિયાદ મન્સૂરે જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધને રોકવા માટે, બાળકો અને નાગરિકોની હત્યા સાથે વધુ વિનાશને રોકવા માટે થઇ શકે એ બધું જ કરવાની જરૂર છે. મન્સૂરે કહ્યું કે પેલેસ્ટિનિયન પ્રતિનિધિમંડળ યુએન સુરક્ષા પરિષદને યુદ્ધવિરામ માટેનો ઠરાવ અપનાવવા માટે પ્રયાસ કરવાનું ચાલુ રાખશે.

સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ગિલાદ એર્ડને કહ્યું કે અમે નિષ્ક્રિય બેસી નહિ રહીએ. ઇઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. હમાસના આતંકવાદીઓ દ્વારા આવો અત્યાચાર ફરી ક્યારેય ન થાય તેની ખાતરી કરવાની જવાબદારી આવે. આની ખાતરી કરવાનો એકમાત્ર રસ્તો હમાસનો સંપૂર્ણ નાશ કરવાનો છે.

કેનેડા અને યુ.એસ. દ્વારા સમર્થિત સુધારા પ્રસ્તાવ પસાર થઇ શક્યો ન હતો, જેમાં હમાસના આતંકવાદી હુમલાઓ અને બંધક બનાવવાની નિંદા કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button