બીજી ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો ચાર વિકેટથી પરાજય, ઈગ્લેન્ડે સીરિઝ જીતી
બ્રિસ્ટલ (ઇંગ્લેન્ડ)

ઇંગ્લેન્ડે ત્રણ મેચની સીરિઝની બીજી ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને ચાર વિકેટથી હરાવ્યું અને સીરિઝમાં 2-0 થી અજેય લીડ મેળવી હતી. ટીમે અગાઉ ત્રણ મેચની વનડે શ્રેણીમાં પણ વ્હાઇટવોશ કર્યો હતો, જેના કારણે નવા કેપ્ટન હેરી બ્રુકને 11 દિવસમાં બીજી શ્રેણી જીત અપાવી હતી. પાંચ મેચમાં ઇગ્લેન્ડનો આ પાંચમો વિજય છે, જેમણે જોસ બટલર પછી ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.
બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ વેસ્ટ ઇન્ડીઝે છ વિકેટે 196 રન કર્યા હતા. ઇંગ્લેન્ડે 18.3 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 199 રન કરીને મેચ અને શ્રેણી જીતી લીધી હતી. ઇંગ્લેન્ડે નવ બોલ બાકી રહેતા જીત મેળવી હતી પરંતુ વેસ્ટ ઇન્ડીઝના લક્ષ્યનો પીછો કરવો તેમના માટે સરળ નહોતો. એક સમયે જરૂરી રનરેટ પ્રતિ ઓવર 11 રનથી વધુ હતો. જોકે, ટોચના ક્રમના છમાંથી પાંચ બેટ્સમેનોના શાનદાર પ્રયાસોને કારણે ટીમ જીતવામાં સફળ રહી હતી.
જેકબ બેથેલ (10 બોલમાં 26) અને ટોમ બેન્ટન (11 બોલમાં 30 અણનમ) એ પાંચમી વિકેટ માટે માત્ર 21 બોલમાં 56 રનની ભાગીદારી કરીને વેસ્ટ ઈન્ડિઝની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. શ્રેણીની શરૂઆતની મેચમાં 96 રન કરનાર બટલરે ફરી એકવાર ટીમ માટે 36 બોલમાં 47 રન કરીને સૌથી વધુ રન ફટકાર્યા હતા.
આ પણ વાંચો - BCCI એ પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમના શેડ્યુલમાં કર્યા ફેરફાર: જાણો કઈ મેચ ક્યાં રમાશે
અગાઉ વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી બે ઓવરમાં 47 રન કરીને શાનદાર સ્કોર કર્યો હતો. 19મી ઓવરમાં આદિલ રશીદ સામે ટીમે પાંચ છગ્ગાની મદદથી 31 રન કર્યા હતા. ભૂતપૂર્વ કેપ્ટન જેસન હોલ્ડર (29 અણનમ) એ પહેલા ત્રણ બોલમાં છગ્ગા ફટકાર્યા હતા જ્યારે રોમારિયો શેફર્ડ (19) એ છેલ્લા બે બોલમાં સિક્સ ફટકારી હતી.
વેસ્ટ ઈન્ડિઝ માટે કેપ્ટન શાઈ હોપે સૌથી વધુ રન કર્યા હતા. જેણે 38 બોલમાં ચાર છગ્ગાની મદદથી 49 રન ફટકાર્યા હતા. ઓપનર એવિન લુઇસ પહેલા બોલ પર ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા બાદ તેણે જોહ્ન્સન ચાર્લ્સ સાથે બીજી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. ચાર્લ્સે 39 બોલમાં 47 રનની પોતાની ઇનિંગમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. મેચના પહેલા બોલ પર વિકેટ લેનાર લ્યુક વુડે પણ ચાર્લ્સને આઉટ કર્યો હતો. તેણે પોતાની ચાર ઓવરમાં માત્ર 25 રન આપીને બે વિકેટ લીધી અને તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો. શ્રેણીની ત્રીજી મેચ મંગળવારે સાઉથેમ્પ્ટનમાં રમાશે.