શેર બજાર

સતત છ સત્રના ઘટાડા બાદ વૅલ્યુ બાઈંગને ટેકે સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાનું બાઉન્સબૅક

નિફ્ટીએ ૧૯૦ પૉઈન્ટની તેજી સાથે પુન: ૧૯,૦૦૦ની સપાટી અંકે કરી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સતત છ સત્ર સુધી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં એકતરફી નરમાઈ જોવા મળ્યા બાદ આજે સપ્તાહના અંતિમ સત્રમાં ખાસ કરીને ઑટો, આઈટી, ફાઈનાન્સિયલ અને એનર્જી સ્ટોક્સમાં વૅલ્યૂ બાઈંગ નીકળ્યું હતું. વધુમાં હાલ મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ હોવા છતાં તાજેતરમાં જાહેર થઈ રહેલા કોર્પોરેટ પરિણામો સારા આવતાં રોકાણકારોની લેવાલીનો ટેકો મળતાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૧.૦૧ ટકાની તેજી સાથે અનુક્રમે ૬૩૪.૬૫ પૉઈન્ટનું અને ૧૯૦ પૉઈન્ટનું બાઉન્સબૅક જોવા મળ્યું હતું જેમાં નિફ્ટીએ પુન: ૧૯,૦૦૦ની સપાટી અંકે કરી હતી.

જોકે આજે બજારમાં સુધારાનો માહોલ હોવા છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૯૩૬૦.૨૫ કરોડની ખરીદી સામે રૂ. ૧૦,૮૬૦.૩૮ કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. ૧૫૦૦.૧૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૭૧૩૫.૯૯ કરોડની ખરીદી સામે રૂ. ૬૮૨૨.૩૦ કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. ૩૧૩.૬૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે ગત ૨૬ ઑક્ટોબર સુધીના છ સત્રમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૩૨૭૯.૯૪ પૉઈન્ટનું ધોવાણ થયું હતું. જોકે, આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ થયેલી કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન જે ગઈકાલે ૩,૧૦,૪૫,૯૫૫.૦૭ કરોડની સપાટીએ હતું તેની સામે રૂ. ૪,૪૧,૧૫૨.૩૫ કરોડ વધીને ૩,૧૦,૪૫,૯૫૫.૦૭ કરોડની સપાટીએ રહ્યું હતું.

એકંદરે અત્યાર સુધીમાં જાહેર થયેલા કોર્પોરેટ પરિણામો બજારની અપેક્ષાનુસાર સારા આવ્યા છે. તેમ છતાં વૈશ્ર્વિક સ્તરે વ્યાજદરમાં વધારો થવાની સાથે આર્થિક મંદી પ્રવર્તી રહી હોવાથી કંપનીઓની આવકો પર થોડાઘણાં અંશે માઠી અસર પડી હોવાથી વિશ્ર્વ બજારને ધ્યાનમાં લેતા રોકાણકારોમાં પર્યાપ્ત ઉત્સાહનો અભાવ હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. ગઈકાલે અમેરિકન અર્થતંત્રમાં જોવા મળેલી અપેક્ષા કરતાં સારી વૃદ્ધિ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચા મથાળેથી પાછી ફરતાં આજે એશિયન બજારોમાં સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિકમાં સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, યુરોપના બજારોમાં નબળા કોર્પોરેટ પરિણામોને કારણે મિશ્ર વલણ જોવા મળ્યું હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ દિપક જસાણીએ જણાવ્યું હતું.

આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૩,૧૪૮.૧૫ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૬૩,૫૫૯.૩૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૩,૩૯૩.૩૭ અને ઉપરમાં ૬૩,૯૧૩.૧૩ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧.૦૧ ટકા અથવા તો ૬૩૪.૬૫ પૉઈન્ટ વધીને ૬૩,૭૮૨.૮૦ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૮૫૭.૨૫ના બંધ સામે સુધારાના ટોને ૧૮,૯૨૮.૭૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૮,૯૨૬.૬૫ અને ૧૯,૦૭૬.૧૫ની રેન્જમાં અથડાઈને અંતે ૧.૦૧ ટકા વધીને ૧૯,૦૭૬.૧૫ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં સત્ર દરમિયાન અનુક્રમે ૭૬૪.૯૮ પૉઈન્ટનો અને ૨૧૮.૦૯ પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો.

આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૬ શૅરના ભાવ વધીને અને ત્રણ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે એકમાત્ર ટાટા સ્ટીલના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં એક્સિસ બૅન્કમાં ૩.૦૭ ટકાનો, એચસીએલ ટૅક્નોલૉજિસમાં ૩.૦૧ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૨.૫૩ ટકાનો, ટાટા મોટર્સમાં ૨.૨૭ ટકાનો, એનટીપીસીમાં ૨.૧૨ ટકાનો અને નેસ્લેમાં ૨.૦૮ ટકાનો સુધારો આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button