ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 310 અને નિફ્ટીમાં 150 પોઈન્ટનો વધારો

મુંબઇ : ભારતીય શેરબજાર આજે સપ્તાહના પ્રથમ દિવસે વધારા સાથે ખૂલ્યું હતું. જેમાં સેન્સેક્સ 310. 88ના વધારા સાથે 82,499.87 પોઈન્ટ પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 150 પોઈન્ટના વધારા સાથે 25,160.10 પોઈન્ટ પર પહોંચ્યો છે. બજારના શરૂઆતના કારોબારમાં બેંકિંગ-ઓટો શેરોમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. કોટક બેંક, ટાટા મોટર્સ, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, ટીસીએસ જેવા હેવીવેઇટ શેરો સારી મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.
એશિયન બજારોમાં તેજી
યુએસ શેરબજારોમાં થયેલા વધારાનો પ્રભાવ સોમવારે એશિયન બજારોમાં વધારો જોવા મળી રહ્યો છે સોમવારે મોટાભાગના એશિયન શેરબજારોમાં ટ્રેડિંગમાં વધારો જોવા મળ્યો હતો. ગિફ્ટ નિફ્ટી શરૂઆતના વેપારમાં 50 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. તો જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 378.67 પોઈન્ટ વધારા સાથે 38,120.28 પર ટ્રેડિંગ કરતો જોવા મળ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ 288.51 પોઈન્ટના વધારા સાથે 24,081.06 પર ટ્રેડિંગ કરતો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પી 54.27 પોઈન્ટ ના ઉછાળા સાથે 2864.89 પર ટ્રેડ કરી રહ્યો હતો.
રેપો રેટમાં અડધા ટકાનો ઘટાડો કરતાં બજારમાં વધારો
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં અડધા ટકાનો ઘટાડો કર્યો હતો. જેના પગલે બેંકોને ધિરાણ આપવા માટે વધારાના ભંડોળ ઉપલબ્ધ થયું છે. જેના લીધે શુક્રવારે સેન્સેક્સ 747 પોઈન્ટ ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી ફરી એકવાર 25,000 ના સ્તરને પાર કરી ગયો હતો.