મહેન્દ્રસિંહ ધોનીએ આઇપીએલ ૨૦૨૪માં રમવાના આપ્યા સંકેત
નવી દિલ્હી: ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્ડિયન પ્રિમિયર લીગની આગામી સીઝનમાં રમવાના સંકેત આપ્યા હતા. એક કાર્યક્રમ દરમિયાન ધોનીએ આ અંગેના સંકેત આપ્યા હતા. વાસ્તવમાં ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિએ ધોનીને નિવૃત ક્રિકેટર ગણાવ્યો હતો. જેને અધવચ્ચે ટોકતા ધોનીએ કહ્યું હતું કે મેં ફક્ત ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે. ધોનીના આ જવાબથી ત્યાં હાજર સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. ધોનીએ ઇશારા ઇશારામાં આઇપીએલ ૨૦૨૪ રમવાના સંકેત આપ્યા હતા.
નોંધનીય છે કે ધોનીએ ભારતને ત્રણ આઇસીસી ટ્રોફી જીતાડી છે. તેની કેપ્ટનશિપમાં ભારતે ૨૦૦૭માં ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૧૧માં વન-ડે વર્લ્ડ કપ અને ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. જોકે, ધોનીએ ૨૦૨૦માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે બાદમાં તેણે આઇપીએલમાં રમવાનું ચાલુ રાખ્યું છે.
ગયા વર્ષે ધોનીને ઘૂંટણમાં ઇજાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેના આઇપીએલ ૨૦૨૪માં રમવા પર અંગે અનેક અટકળો હતી. જોકે ધોનીએ જવાબ આપીને તમામ અટકળોનો અંત લાવી દીધો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ધોનીએ વર્લ્ડ કપ ૨૦૨૩ વિશે નિવેદન આપ્યું છે. ધોનીએ કહ્યું હતું કે “આ ટીમ (ભારતીય ટીમ) ઘણી સારી છે. ટીમમાં ખૂબ જ સારું સંતુલન છે. તમામ ખેલાડીઓ સારું રમી રહ્યા છે. એટલા માટે બધું જ સારું લાગી રહ્યું છે. હું આનાથી વધુ કાંઈ કહી શકીશ નહીં, બાકી સમજદાર લોકોને તો એક ઇશારો પુરતો છે. ધોનીએ સ્પષ્ટપણે કહ્યું ન હતું કે, ભારત વર્લ્ડ કપ જીતશે, પરંતુ તેણે ચોક્કસ સંકેત આપ્યો કે આ વખતે ભારત વર્લ્ડ કપ જીતી
શકે છે.