દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્ય પ્રધાન બનશે?: ભાજપે રાજકીય ભૂકંપના સ્પષ્ટ સંકેત આપ્યા
મુંબઈ: એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે બે દિવસ પહેલા જ દિલ્હીની ઓચિંતી મુલાકાત લીધા બાદ મહારાષ્ટ્ર ભાજપમાંથી દેવેન્દ્ર ફડણવીસ “હું પાછો આવીશ” કહેતો એક વિડિયો સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આને પગલે ફરી એકવાર રાજ્ય માં રાજકીય ભૂકંપના એંધાણ વર્તાઇ રહ્યા છે. બે દિવસ પહેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તરત જ દિલ્હી પહોંચ્યા હતા . અત્યારે શિવસેનાના ધારાસભ્યો પર અપાત્રતા ની તલવાર લટકી રહી છે ત્યારે તેમની મુલાકાતને લઈને અનેક રાજકીય ચર્ચાઓ થઈ હતી. આ બધા વચ્ચે આજે મહારાષ્ટ્ર ભાજપ તરફથી વહેતા કરવામાં આવેલા દેવેન્દ્ર ફડણવીસના ’મી પુન્હા યેણાર’ કહેતા વીડિયોએ ઘણા લોકોની ભ્રમર ઉંચી કરી છે. ભાજપ દ્વારા વહેતા કરાયેલા આ વીડિયોએ રાજકીય વર્તુળોમાં સનસનાટી મચાવી છે ત્યારે વિપક્ષી પાર્ટીના નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે વિધાનસભ્યની સભ્યની અપાત્રતાના કેસને કારણે એકનાથ શિંદેને મુખ્યપ્રધાન પદ છોડવું પડશે.જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન બનશે. ૨૦૧૯ની ચૂંટણી પહેલા, તેમણે વિધાનસભા સત્ર દરમિયાન “મી પુન્હા યેણાર” કહ્યું હતું. આજે આ જ ઘટનાનો વિડીયો ભાજપ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો છે.