આમચી મુંબઈ

ફેશન સ્ટ્રીટ નવા રૂપ રંગ સજશે: પાલિકાએ નીમ્યો સલાહકાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા જ નહીં પણ મુંબઈ ફરવા આવતા પર્યટકોમાં કપડા ખરીદવા માટેના મનપસંદ સ્થળ ગણાતા ફેશન સ્ટ્રીટની કાયાપલટ કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. અહીં રહેલી દુકાનોની ડિઝાઈનમાં ફેરફાર કરવાની સાથે જ લોકોને ચાલવા માટે રહેલી જગ્યાની અછતને દૂર કરવાની સાથે જ વિવિધ સુવિધા ઊભી કરીને આખો નવો લુક આપવામાં આવવાનો છે. તે માટે પાલિકાએ ક્ધસલ્ટન્ટની નિમણૂક કરી છે અને તેણે બજારનો કાયાપલટ કેવી રીતે કરવો તેનું પ્રેઝેન્ટેશન પણ રજૂ કર્યું હોવાનું કહેવાય છે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ચર્ચગેટ સ્ટેશનની દસેક મિનિટના અંતર પર ફેશન સ્ટ્રીટ આવેલી છે. ફૂટપાથ પર અહીં ૧૧૨ દુકાનો આવેલી છે. મુંબઈગરા જ નહીં દેશ-વિદેશના પર્યટકો પણ અહીં મોટી સંખ્યામાં કપડાની ખરીદી કરતા હોય છે. ફેશન સ્ટ્રીટ પરની દુકાનોએ જોકે ફૂટપાથ પર પણ કબજો જમાવી લીધો છે, તેથી લોકોને અહીં ચાલવા માટે જગ્યા રહી નથી. તેમ જ કલાકોને કલાકો અહીં ખરીદી માટે ફરતા લોકો માટે બેસવાની કે શૌચાલયની પણ વ્યવસ્થા નથી. પાલિકાએ તેથી ફેશન સ્ટ્રીટની કાયાપલટ કરવાનો નિર્ણય લીધો છે, જે હેઠળ તેનો કાયાપલટ કેવી રીતે કરવો? તેમાં કયા ફેરફાર કરવા, ખરીદદારોને કઈ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તેની સલાહ માટે ક્ધસલ્ટન્ટની નિમણૂક કરી છે. આ ક્ધસલ્ટન્ટ દ્વારા પાલિકા સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જે હેઠળ ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. ફૂટપાથ પર દુકાનો હોવાથી આ દુકાનોના લેઆઉટમાં ફેરફાર કરવામાં આવશે. બેથી ત્રણ દુકાનો વચ્ચે થોડું અંતર રાખવામાં આવશે. તેમ જ ફૂટપાથ પરની દુકાનો આગળની બાજુએ અમુક હદ સુધી લંબાવવામાં આવી છે તો તેનું અંતર ઘટાડી શકાય અને ખરીદી માટે આવનારા માટે લોકોને ચાલવા માટે જગ્યા ઉપલબ્ધ કરી શકાશે. લોકોને અહીં બેસવા માટે જગ્યા પણ ઉપલબ્ધ ખરી આપવામાં આવવાની છે. શૌચાલય પણ ઊભા કરાશે. તેમ જ ફેશન સ્ટ્રીટ પર આકર્ષન લાઈટિંગ પણ કરવામાં આવશે.

નોંધનીય છે કે નવેમ્બર ૨૦૨૨માં ફેશન સ્ટ્રીટમાં આગ લાગી હતી, જેમાં ૨૦થઈ ૨૨ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. તેથી આવા બનાવ ફરી ના બને તે માટે પણ આવશ્યક પગલા પાલિકા લેવાની છે. વિદેશની માફક ફેશન સ્ટ્રીટમાં પણ સાંજે ફૂડ ટ્રક જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button