મુંબઈ શહેર જિલ્લાની મતદારયાદીઓ પ્રસિદ્ધ, નામ તપાસી લેવું: ચૂંટણી અધિકારી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ શહેર જિલ્લામાં આવતા ૧૦ વિધાનસભા મતદારસંઘની ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને મતદાતાઓએ આ યાદીની ચકાસણી કરીને તેમના વાંધા-વિરોધ નવ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં નોંધાવવા એવી અપીલ મુંબઈ શહેરના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્ર ક્ષીરસાગરે મુંબઈગરાને કરી હતી.
૧ જાન્યુઆરી, ૨૦૨૪ની પાત્ર તારીખને આધારે મુંબઈ શહેર જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકના ૨૫૦૯ કેન્દ્રો પરની મતદારયાદીનાં સૂત્રીકરણના કામને મંજૂરી આપવામાં આવી હતી અને તેને આધારે મતદારયાદીની સમીક્ષા કરવામાં આવી હતી. આ મતદાનકેન્દ્રોની યાદીનો ડ્રાફ્ટ મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીમાં તેમ જ સીઈઓ.મહારાષ્ટ્ર.જીઓવી.ઈન વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમ જ બધા જ મતદારસંઘની કચેરીમાં બોર્ડ પર લગાવવામાં આવી છે. મતદારોએ તેમના નામની ચકાસણી કરીને વાંધા વિરોધ હોય તો અરજી નમૂના પત્ર છ, સાત અને આઠ ભરીને ૯, ડિસેમ્બર, ૨૦૨૩ પહેલાં નોંધાવવા.
આ યાદીમાં કુલ ૨૪,૫૦,૩૫૫ મતદારો છે. ૮૯૨૦ નવા મતદાર છે. જ્યારે મૃત, બેવડાયેલા અને કાયમી ધોરણે સ્થળાંતરિત થયેલા ૬,૧૦૭ મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે. પુરુષ મતદારની સંખ્યા ૧૩,૨૭,૧૩૧ છે જ્યારે સ્ત્રી મતદારો ૧૧,૨૩,૦૧૮ છે. તૃતીય પંથી મતદારોની સંખ્યા ૨૦૬ છે.
વસ્તીમાં ૧૮૧૯ વર્ષના યુવાનોની સંખ્યા ત્રણ ટકા હોવા છતાં મતદારયાદીમાં તેમનું પ્રમાણ ફક્ત અડધો ટકો છે. આ બાબતને ધ્યાનમાં લેતાં કોલેજોમાં વિશેષ મતદારનોંધણી શિબિરનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ પણ તેમણે કહ્યું હતું.