આમચી મુંબઈ

ટિટવાલા-કસારા વચ્ચે શનિ-રવિ બ્લોક

મુંબઈ: પશ્ચિમ રેલવે પર તો ચાલી રહેલાં બ્લોકને કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી જ રહ્યા છે, પણ હવે મધ્ય રેલવેના પ્રવાસીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી શકે એવા સમાચાર મળી રહ્યા છે. શનિવાર અને રવિવારે મધ્ય રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આ સ્પેશિયલ પાવર અને ટ્રાફિક બ્લોકને કારણે પાંચ લોકલ રદ કરવામાં આવશે, જ્યારે મેલ-એક્સપ્રેસના ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની માહિતી મધ્ય રેલવે દ્વારા આપવામાં આવી છે. પરિણામે મોડી રાતે પ્રવાસ કરનારા પ્રવાસીઓને હાલાકી પડશે.

મધ્ય રેલવે પર ટિટવાલા-કસારા વચ્ચે અપ-ડાઉન લાઈન પર ફૂટઓવર બ્રિજ ઊભો કરવા માટે ગર્ડર લોન્ચ કરવામાં આવશે. પરિણામે શનિવારે અને રવિવારે મધ્ય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રાફિક અને પાવર બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પાંચ લોકલ ટ્રેન રદ કરવામાં આવશે.

શનિવારે સીએસએમટીથી છુટનારી છેલ્લી લોકલ રાતે ૯.૩૦ કલાકે રવાના કરવામાં આવશે અને રાતની કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવશે. ટિટવાલા-કસારા વચ્ચે શનિવારે રાતે ૧૨.૩૦ કલાકથી રવિવારે સવારે ૫.૩૦ કલાક દરમિયાન આ બ્લોક લેવામાં આવશે, એવી માહિતી મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી. આ બ્લોકને કારણે શનિવારે અને રવિવારે રદ કરવામાં આવેલી ટ્રેનો નીચે પ્રમાણે છે-

શનિવાર: સીએસએમટી-કસારા: રાતે ૧૦.૫૦ કલાક અને ૧૨.૧૫ કલાક
રવિવાર: કલ્યાણ-આસનગાંવ: સવારે ૫.૨૮ કલાક
કસારા-સીએસએમટી: સવારે ૩.૫૧ કલાક અને ૪.૫૯ કલાક
શનિવારે રાતે રવાના થનારી છેલ્લી લોકલની યાદી આ પ્રમાણે છે-
સીએસએમટી-કસારા-૯.૩૨ કલાક, કલ્યાણ-કસારા રાતે ૧૧.૦૩ કલાક, કસારા-કલ્યાણ રાતે ૧૦ કલાકના રવાના કરવામાં આવશે. જ્યારે રવિવારે કલ્યાણ-કસારા ટ્રેન ૫.૪૮ કલાકે અને કસારા-કલ્યાણ-૬.૧૦ કલાકે દોડાવવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button