UGC ની મોટી જાહેરાત: હવે એકસાથે કરેલી 2 ડિગ્રી ગણાશે માન્ય, લાખો વિદ્યાર્થીઓને ફાયદો!

નવી દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ લાખો વિદ્યાર્થીઓને મોટી રાહત આપતો ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે એક જ શૈક્ષણિક સત્રમાં પ્રાપ્ત કરાયેલી બે ડિગ્રીઓ સંપૂર્ણપણે માન્ય ગણાશે, ભલે તે રેગ્યુલર મોડમાં હોય કે ડિસ્ટન્સ મોડમાં. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ નિયમ 2022 પહેલાં પ્રાપ્ત કરાયેલી એક સાથેની ડિગ્રીઓ પર પણ લાગુ પડશે, જે અગાઉ માન્ય નહોતી ગણાતી.
એક જ શૈક્ષણિક સત્રમાં લીધેલી બે ડિગ્રીઓ માન્ય
UGC એ 2025 માં પોતાના દિશાનિર્દેશોમાં સુધારો કરીને જાહેરાત કરી છે કે, એક જ શૈક્ષણિક સત્રમાં લીધેલી બે ડિગ્રીઓ હવે સંપૂર્ણપણે માન્ય રહેશે. અગાઉ, એક રેગ્યુલર અને એક ડિસ્ટન્સ ડિગ્રીને એક સાથે લેવાની માન્યતા અંગે પણ મૂંઝવણ પ્રવર્તતી હતી અને ઘણા કિસ્સાઓમાં તેને માન્યતા આપવામાં આવતી નહોતી. આ નિર્ણય એવા વિદ્યાર્થીઓ માટે ખાસ ફાયદાકારક સાબિત થશે જેઓ એક સાથે બે શૈક્ષણિક કાર્યક્રમો પૂર્ણ કરવા ઈચ્છે છે.
આ પણ વાંચો - HDFC Bankના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, આવતીકાલે નહીં કરી શકાય આ કામ…
ડ્યુઅલ ડિગ્રીનો લાભ કોને મળશે?
UGCના નવા નિયમ અનુસાર, વિદ્યાર્થીઓ બંને ડિગ્રી રેગ્યુલર મોડમાં મેળવી શકે છે, જો કે, વર્ગના સમયમાં ટકરાવ ન થવી જોઈએ. આ ઉપરાંત, એક ડિગ્રી રેગ્યુલર મોડમાં અને બીજી ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL) અથવા ઓનલાઈન મોડમાં, અથવા બંને ડિગ્રીઓ ડિસ્ટન્સ કે ઓનલાઈન મોડમાં પણ મેળવી શકાય છે. જોકે, આ નિયમ ડિપ્લોમા, ગ્રેજ્યુએશન (UG) અને પોસ્ટ ગ્રેજ્યુએશન (PG) પર લાગુ પડે છે, પરંતુ પીએચ.ડી. અને એમ.ફિલ. કાર્યક્રમો પર લાગુ પડશે નહીં.
2022માં બે ડિગ્રીની છૂટ અંગે નહોતી સ્પષ્ટતા
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ડ્યુઅલ ડિગ્રી સંદર્ભે UGC ના નિયમો કડક હતા. 2012 માં, UGC એ એક સમિતિની રચના કરી હતી જેણે સૂચવ્યું હતું કે એક રેગ્યુલર ડિગ્રી સાથે માત્ર એક વધારાનો ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ ડિસ્ટન્સ મોડમાં લઈ શકાય છે. બે રેગ્યુલર ડિગ્રીઓને એક સાથે લેવાની મંજૂરી નહોતી. 2020 માં UGC એ સૌપ્રથમવાર એક રેગ્યુલર ડિગ્રી સાથે એક ડિગ્રી ડિસ્ટન્સ કે ઓનલાઈન મોડમાં લેવાની મંજૂરી આપી હતી. જોકે, ત્યારે પણ બંને ડિગ્રીઓને રેગ્યુલર મોડમાં લેવાની મંજૂરી નહોતી. ત્યારબાદ, 2022 માં UGC એ નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ નિયમોમાં છૂટ આપી અને વિદ્યાર્થીઓને બે રેગ્યુલર ડિગ્રીઓ એક સાથે લેવાની મંજૂરી આપી હતી, પરંતુ તે સમયે 2022 પહેલાં લીધેલી બે ડિગ્રીઓ માન્ય ગણાશે કે નહીં તે સ્પષ્ટ નહોતું.
નવા દિશાનિર્દેશોએ હવે 2022 પહેલાં એક રેગ્યુલર અને એક ડિસ્ટન્સ ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓની ડિગ્રીઓ માન્ય ગણાશે. આ નિર્ણય એવા વિદ્યાર્થીઓ માટે મોટી રાહત લઈને આવ્યો છે, જેમને નોકરી અથવા ઉચ્ચ અભ્યાસમાં માન્યતાને લઈને મુશ્કેલી થઈ રહી હતી.