કડી-વિસાવદર પેટાચૂંટણી માટે કોંગ્રેસ કમર કસી: 40 સ્ટાર પ્રચારકો પ્રચાર કરશે

અમદાવાદ: ગુજરાતમાં આગામી 19 જૂને કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં બાજી કોંગ્રેસે પણ કમર કસી છે. કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની 24-કડી (અજા) અને 87-વિસાવદર બેઠકો પરની પેટાચૂંટણી માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જાહેર કરાયેલી સ્ટાર પ્રચારકોની આ યાદીમાં 40 દિગ્ગજ નેતાઓને કોંગ્રેસના ઉમેદવારોની પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે.
કોને સોંપાઈ જવાબદારી
કોંગ્રેસના આ સ્ટાર પ્રચારકોમાં રાષ્ટ્રીય સ્તરના નેતાઓથી માંડીને ગુજરાતના પ્રદેશ નેતાઓ અને યુવા ચહેરાઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલ જેવા દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાતના જાણીતા ચહેરાઓ જેવા કે મધુસૂદન મિસ્ત્રી, અમી યાજ્ઞિક, લાલજી દેસાઈ, ગેનીબેન ઠાકોર, શૈલેષ પરમાર, પરેશ ધાનાણી, જીગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા અને ઇમરાન ખેડાવાલા પણ પ્રચારની ધૂરા સંભાળશે.

મહિલા નેતાઓને પણ સ્થાન
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ આ યાદીમાં મહિલા નેતાઓને પણ પૂરતું સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ઉષા નાયડુ, સુભાષિની યાદવ, જેનીબેન ઠુમ્મર, પ્રગતિબેન આહીર અને ગીતાબેન પટેલ જેવા નામો શામેલ છે. આ સ્ટાર પ્રચારકોની ટીમ કડી અને વિસાવદર બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો માટે સભાઓ, રેલીઓ અને જનસંપર્ક કાર્યક્રમો દ્વારા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો - ગુજરાતના આ ગામમાં સરપંચની પસંદગી ચિઠ્ઠી ઉછાળીને થઈ, જાણો વિગત
આપ, કોંગ્રેસ અને ભાજપના 40 સ્ટાર પ્રચારકો મેદાનમાં
વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 19 જૂને મતદાન થવાનું છે અને આ પેટાચૂંટણીનું પરિણામ 23 જૂને જાહેર થશે. કોંબંને બેઠકો જીતવા માટે રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બંને બેઠક પરના ઉમેદવારોના પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.