દૂધપૌઆ ખાવાથી આરોગ્યને મળતા આ લાભ વિશે જાણો છો…
આવતીકાલે એટલે કે શનિવારે શરદ પૂનમની ઉજવણી થઈ રહી છે. આસો મહિનાની પૂનમનું ખાસ મહત્ત્વ છે. આજે લોકો દૂધપૌઆ ખાસ આરોગે છે ત્યારે તેના લાભ વિશે તમને જણાવી દઈએ. આપણા દરેક તહેવારો અને પરંપરાઓ પાછળ ભૂગોળીય પરિસ્થિતિઓ અને વૈજ્ઞાનિક કારણો જોડાયેલા છે.
ભાદરવો મહિનો શરીરમાં પિત્ત ઉભો કરતો મહિનો છે. ભાદરવામાં સખત તાપ પડે છે તો ઋતુ બે ઋતુ પણ થાય છે. આ દિવસો દરમિયાન પિત્ત થવાની સંભાવના વધારે છે. તેની અસર આસો માસ સુધી રહે છે. શરદ ઋતુમાં શરદ પૂનમ આવતી હોવાને કારણે દરેક જીવોમાં કફ-વાત અને પિત્તનો સર્જાય છે. દૂધપૌઆ આ પિત્તને મારવાનું કામ કરે છે.
દૂધ- પૌઆ ખાવાની આ પરંપરા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બન્ને મહત્વ છે. શરદ પૂનમની રાતે વિશેષ કરીને દૂધ-પૌઆ ખાવાની પરંપરા સંકળાયેલી છે. શરદ પૂર્ણિમાની રાતે ચંદ્ર પૂર્ણ સ્વરુપમાં ખીલેલો હોય છે. આ રાતે ચંદ્રમાંથી નીકળનારી શીતળ કિરણો આપણી તંદુરસ્તી માટે ઘણી જ ફાયદાકારક રહે છે. આયુર્વેદમાં શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રનો પ્રકાશ અમૃત સમાન હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ રાત્રે ચંદ્ર જોવાથી આંખના વિકારો દૂર થાય છે અને આ રાત્રે ચંદ્રના પ્રકાશમાં રાખેલ દૂધ-પૌંઆ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ અને આરોગ્ય સારું રહે છે.
આ રાતે ચંદ્રમાંથી અમૃત વરસે છે. આ રાતે ખુલ્લા આકાશની નીચે દૂધ- પૌઆ બનાવવામાં આવે છે. ચંદ્રમાંથી નીકળનારી કિરણો સીધી દૂધ- પૌઆ પર પડે છે. ચંદ્રની કિરણોના પ્રભાવથી દૂધ- પૌઆ ઔષધીય ગુણો મળે છે. આ દૂધ- પૌઆ ખાવાથી શ્વાસ સંબંધિત બીમારીઓમાં રાહત મળે છે. દમના રોગીઓ માટે આ ખીર અમૃત સમાન હોય છે. એટલા માટે જ આપણા વડીલો દ્વારા આને પ્રથા તરીકે વિકસાવવામાં આવી છે. માન્યતા મુજબ ધાબા ઉપર રાખેલા આ દુધ પૌંઆ દમના દર્દીઓ માટે એક ઔષધિ જેવું પુરવાર થાય છે. દુધ-પૌંઆ એ પિત્તનાશક છે.
વળી, દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, જે ચંદ્રના કિરણોમાંથી જંતુનાશક શક્તિ મેળવે છે. ચોખાના સ્ટાર્ચના ઉમેરાવવાથી આ પ્રક્રિયાને વધુ વેગ મળે છે. આ ખીર ખાવાથી અસ્થમા, ચામડીના રોગો અને શ્વસન રોગોમાં વિશેષ લાભ મળે છે.
તો આવતીકાલે શક્ય હોય તો ચાંદીના બાકી સ્ટીલના વાસણમાં દૂધપૌઆ બનાવી તેને મુલાયમ રેશમી સફેદ કપડું બાંધી અથવા ચારણી કે કાણાવાળું ઢાંકણ ઢાકી થોડાક સમય માટે ચંદ્રમાના પ્રકાશ હેઠળ ધાબા પર મૂકજો ને પછી નિરાંતે પરિવાર સાથે બેસી તેની મજા માણજો.