સ્પોર્ટસ

બુમરાહ કઈ ત્રણ ટેસ્ટ રમશે? હેડ-કોચ ગૌતમ ગંભીર કહે છે કે…

મુંબઈઃ ભારતની ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચવાળી આગામી ટેસ્ટ-સિરીઝ (TEST SERIES) 20મી જૂને શરૂ થશે, પરંતુ ભારતનો સર્વોત્તમ બોલર અને ટેસ્ટ જગતનો નંબર-વન જસપ્રીત બુમરાહ આ પાંચમાંથી કઈ ત્રણ ટેસ્ટ રમશે એ હજી નક્કી નથી થયું.
બુમરાહ પાંચેય નહીં, પણ ત્રણ જ ટેસ્ટ રમશે એ ઘણા દિવસથી નક્કી છે, પરંતુ હેડ-કોચ ગૌતમ ગંભીરે (GAUTAM GAMBHIR) ઇંગ્લૅન્ડનો પ્રવાસ શરૂ થતાં પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું છે કે `ઇંગ્લૅન્ડ સામેની આગામી ટેસ્ટ-શ્રેણીમાં બુમરાહ (BUMRAH) કઈ ત્રણ ટેસ્ટ રમશે એ હજી નક્કી નથી. અમારી મીટિંગમાં એ વિશે હજી નિર્ણય નથી લેવાયો. અમે (ગંભીર અને કૅપ્ટન શુભમન ગિલ) આ બાબતમાં બુમરાહ સાથે ચર્ચા કરવાના છીએ. સિરીઝની પરિણામ કઈ દિશામાં જઈ શકે એને ધ્યાનમાં લઈને અમે અંતિમ નિર્ણય લઈશું. મને ખાતરી છે કે આ બાબત તેના ધ્યાનમાં હશે જ.’

ગયા મહિને ચીફ સિલેક્ટર અજિત આગરકરે ટીમની જાહેરાત કરતી વખતે પત્રકારોને જણાવ્યું હતું કે `બુમરાહ વિશે વર્ક-લૉડ મૅનેજમેન્ટને ધ્યાનમાં લેતાં તેને વધુપડતી ટેસ્ટ રમાડવાનું જોખમ ન લેવું જોઈએ એવી મેડિકલ સ્ટાફે સલાહ આપી છે.’
મુંબઈની ગુરુવારની પત્રકાર પરિષદમાં ગૌતમ ગંભીર સાથે કેપ્ટન શુભમન ગિલ પણ હાજર હતો.

બુમરાહને જાન્યુઆરીમાં સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં પીઠની ઈજા નડી હતી. ત્યાર પછી તે નહોતો રમી શક્યો અને છેક આઇપીએલની ચાર મૅચ બાદ ફરી મેદાન પર ઊતર્યો હતો.

ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝના બીજા ચાર સ્પેશિયલિસ્ટ પેસ બોલરમાં મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ અને અર્શદીપ સિંહનો સમાવેશ છે. નીતીશ કુમાર રેડ્ડી અને શાર્દુલ ઠાકુર ટીમમાં બીજા બે સીમ બોલિંગ ઑલરાઉન્ડર છે.

આ પણ વાંચો – ભારત-ઈંગ્લૅન્ડ ટેસ્ટ સિરીઝની ટ્રોફીને હવે મળ્યું આ ભારતીય લેજન્ડનું નામ…

ગંભીરે પત્રકારોને એવું પણ કહ્યું કે `મેં ચૅમ્પિયન્સ ટ્રોફી (જે ભારતે બુમરાહ વગર જીતી લીધી હતી) દરમ્યાન પણ કહ્યું હતું કે બુમરાહની ગેરહાજરીમાં જો કોઈ પેસ બોલરને રમવા મળે તો તેણે એ તકનો લાભ લઈ લેવો જોઈએ. બુમરાહ ઉત્કૃષ્ટ ફાસ્ટ બોલર છે, પણ ભારત પાસે પેસ ટૅલન્ટની તંગી નથી.’

રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર. અશ્વિનની નિવૃત્તિ પછી ભારતની આ પહેલી જ ટેસ્ટ-શ્રેણી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button