નેશનલવેપાર

સોના-ચાંદીમાં વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીએ પીછેહઠ

ચાંદીમાં રૂ. 65નો ઘસરકો, શુદ્ધ સોનું રૂ. 805 ઘટીને રૂ. 98,000ની અંદર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને ચીનનાં પ્રમુખ શિ જિનપિંગ વચ્ચેની વેપાર અંગેની વાટાઘાટોનો આશાવાદ છતાં આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાનાં રોજગારીના ડેટા નબળા આવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 802થી 805નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 65નો સાધારણ ઘસરકો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે વૈશ્વિક બજારમાં ખાસ કરીને ચાંદીમાં આક્રમક લેવાલી રહેતાં ભાવ વધીને આૈંસદીઠ 36 ડૉલરની નજીક પહોંચ્યા હોવાથી આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની વેચવાલી છૂટીછવાઈ રહી હતી, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ.

65ના સાધારણ ઘસરકા સાથે રૂ. 1,04,610ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પાંખી રહેતા વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 802 ઘટીને રૂ. 96968ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 805 ઘટીને રૂ. રૂ. 98,000ની અંદર ઉતરીને રૂ. 97,358ના મથાળે રહ્યા હતા.

દરમિયાન ટ્રેડ વૉરની ચિંતા હેઠળ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 3363.33 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવમાં 2.3 ટકાનો ઉછાળો આવ્યો હતો. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ વધ્યા મથાળેથી ગઈકાલના બંધ સામે 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 35.92 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આ પણ વાંચો – વિશ્વ બજારથી વિપરીત શુદ્ધ સોનું રૂ. 5444 વધીને ફરી રૂ. 97,000ની પાર, ચાંદી રૂ. 318 વધી

ટ્રમ્પ અને શિ જિનપિંગની ફોન પર થયેલી વાતચીતમાં મહત્ત્વના ખનીજ બાબતના વેપારની વાટાઘાટોમાં વિવાદ થવાની સાથે અન્ય મુદ્દાઓ પર પણ કોઈ નિરાકરણ ન થયું હોવાના અહેવાલો સાથે ટ્રેડ વૉર વકરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે સોનાના ભાવમાં સુધારાને ટેકો મળ્યો હોવાનું કેસીએમ ટ્રેડનાં વિશ્લેષક ટીમ વૉટરરે જણાવ્યું હતું.

વધુમાં ગત સપ્તાહે અમેરિકા ખાતે રોજગારી ભથ્થું મેળવવા માટેના અરજદારોની સંખ્યા વધીને સાત મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. જોકે, હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ છે. રૉઈટર્સના સર્વેક્ષણમાં અર્થશાસ્ત્રીઓએ મે મહિનામાં નોન ફાર્મ પૅ રૉલમાં રોજગારોની સંખ્યામાં 1.30 લાખનો વધારો થવાનો અને બેરોજગારીનો દર 4.2 ટકાના સ્તરે રહેવાનો અંદાજ મૂક્યો છે.

અગાઉ અમેરિકી ફેડરલ રિઝર્વેના નીતિઘડવૈયાઓએ શ્રમ બજારમાં ફુગાવો મુખ્ય ચિંતાનો વિષ્ય રહેવાની શક્યતા વ્યક્ત કરવાની સાથે ઊંચા વ્યાજદર લાંબા સમયગાળા સુધી જળવાઈ રહે તેવો સંકેત આપ્યો હતો. જોકે, તાજેતરમાં સોનાના ભાવમાં ઉછાળા આવ્યા હોવાથી એશિયન મથકો પર સોનાની હાજર માગ નબળી પડી હોવાનાં તેમ જ ભારતમાં સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં એક મહિનાના ઊંચા ડિસ્કાઉન્ટમાં ડીલરો ઓફર કરી રહ્યાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button