ફિલ્મ એવોર્ડ ફંક્શનમાં વિવિધ ભવાડા!

- મહેશ નાણાવટી
શાહરુખ ખાન, કરીના કપૂર
ફિલ્મોના એવોર્ડઝ હોય અને એમાં કોન્ટ્રોવર્સી ના થાય એવું તો કદી બનતું હશે? એમાં પણ જ્યારે હિન્દી ફિલ્મોની વાત હોય તો તો અચૂક આવી કોઈ બબાલ થાય જ! એમાંથી અમુક કિસ્સાઓ ખટમીઠા છે તો અમુક સાવ કડવા!
વાત 1972માં આવેલી ફિલ્મ ‘બે-ઈમાન’ની છે. (દિગ્દર્શક સોહનલાલ કંવર અને હીરો મનોજ કુમાર) તે વખતે ‘ફિલ્મફેર’ એવોર્ડનું ઘણું માન હતું. અગાઉ તો એમાં જ્યુરી વડે એવોર્ડ નક્કી થતા હતા પણ પછી ‘ફિલ્મફેર’ મેગેઝિનમાં વાચકો માટે ફોર્મ છાપવાનાં શરૂ થયાં, જેમાં દરેક કેટેગરીમાં વાચકોએ પોતાની ચોઈસ-પસંદગી લખીને મોકલી આપવાની રહેતી.
‘બે-ઈમાન’ વખતે આખા મુંબઈમાં એવી ચર્ચા હતી કે ‘બે-ઈમાન’ના પ્રોડ્યુસરે ‘ફિલ્મફેર’ મેગેઝિનની હજારો કોપી એક સામટી ખરીદી લીધી હતી! એટલું જ નહીં જ્યારે એવોર્ડો જાહેર થયા ત્યારે ‘બે-ઈમાન’ને સાત-સાત એવોર્ડો મળ્યા હતા! (તે વખતે એવોર્ડ સમારંભમાં ખોટાં સસ્પેન્સો ઊભાં કરીને જીતનારનાં નામો બોલવાનો રિવાજ નહોતો). આ સાત એવોર્ડ હતા: બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ સંગીતકાર, બેસ્ટ ગીતકાર, બેસ્ટ ગાયક અને બાકી હતું તે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસમાં નોમિની પણ ખરી! આમ તો મનોજકુમારની પોતાની પ્રોડ્યુસ કરેલી ફિલ્મમાં તો પોતે ક્રેડિટ પણ એવી જ લેતા હતા કે ‘સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ, પ્રોડ્યુસ્ડ એન્ડ ડિરેક્ટેડ બાય… મનોજકુમાર!’
જોકે, આમાં બે કેટેગરીમાં સોહનલાલ કુંવરનું નામ હતું! એવોર્ડ ફંક્શન વખતે સૌથી મોટી ચર્ચા એ વાતની હતી કે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ લેવાની પ્રાણ સાહેબે ઘસીને ના પાડી દીધી હતી!
આ સિવાય આવા ‘બલ્ક’માં લીધેલા એવોર્ડઝની વાત કરીએ તો ‘દિલ તો પાગલ હૈ’ને કેમ ભૂલાય? ‘યશરાજ પ્રોડક્શન’ની એ ફિલ્મને કુલ 19 (જી હા, દોઢ ડઝન વત્તા એક) એવોર્ડ મળ્યા હતા, જેમાંથી ‘ફિલ્મફેર’નો ફાળો ‘માત્ર’ સાત એવોર્ડઝનો હતો!
આના ફંક્શન વખતે ખરેખર જોવા જેવો સીન હતો. એ ફંક્શન પહેલાં ‘યશ રાજ ફિલ્મ્સ’ ને ‘ફિલ્મફેર’ સાથે કંઈ વાંકું પડ્યું હશે, કે પછી જરા વધારે પડતા જ એવોર્ડ જીતાઈ ગયા હોવાથી એવોર્ડ લેવાની શરમ આવતી હશે, જે હોય તે, પણ એ ફંક્શનમાં ફિલ્મના સંગીતકાર ઉત્તમ સિંહ સિવાય કોઈ હાજર જ નહોતું!
બિચારા ઉત્તમ સિંહ કોઈના વતી એક એવોર્ડ લઈને સ્ટેજ પરથી નીચે ઊતરે ત્યાં તો બીજા એવોર્ડ માટે એમને ફરી સ્ટેજનાં પગથિયાં ચડવા પડતાં હતાં! અસલી જોવાલાયક ફિયાસ્કો ત્યારે થયો હતો જ્યારે ઉત્તમ સિંહ બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો એવોર્ડ લેવા સ્ટેજ પર ચડ્યા ત્યાં સુધીમાં ઓડિયન્સ એટલું કંટાળી ગયેલું કે સરખી તાળીઓ પણ ના પાડી. અડધો અડધ ઓડિયન્સ રીતસર હસતું હતું!
જોકે જ્યાં ઓડિયન્સને હસવાની ખરેખર મનાઈ છે એવા પ્રતિષ્ઠાભર્યા ‘નેશનલ એવોર્ડ ફંક્શન’ માં જઈને કરીશ્મા કપૂર એજ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ લઈ આવી હતી! યશ ચોપરા સાહેબ પણ ‘હોલસમ (હોલસેલ નહીં, ભાઈ) એન્ટરટેઈનમેન્ટ મુવી માટેનો નેશનલ એવોર્ડ જીત્યા હતા… આપણને થાય કે યાર, આવી ફિલ્મને આપણે ‘ઓસ્કાર’ માટે મોકલવાનું શી રીતે ચૂકી ગયા હતા?
દેશમાં સેટેલાઈટ ચેનલોનો દૌર શરૂ થયો એ પછી આ બધા ફિલ્મી એવોર્ડઝ એક જાતના કોમર્શિયલ શો બની ગયા છે. તોતિંગ વ્યુઅરશિપ મળે એટલે જાહેરાતો અને સ્પોન્સશિપમાં પણ બેફામ ભાવ મળવા લાગ્યા. અગાઉ તો લોકો એમના સ્ટાર્સને માત્ર ‘જોવા’ માટે ઉત્સુક હતા, પણ પછી તો એમના સ્ટાર્સને ‘નાચતા જોવા’ની મજા લેવા લાગ્યા.
આમાં કહે છે કે ફિલ્મી કલાકારોને રીતસર ‘બાર્ટર-ઓફર’ થતી હતી કે ‘તમને એવોર્ડ મળી રહ્યો છે, તો તમે બે ત્રણ ડાન્સ રજૂ કરશો ને?’ પછી તો અમુક એવોર્ડ ઈન્ડસ્ટ્રીના અમુક જૂથનો જ હોય એવું થવા લાગ્યું હતું. એ જ કારણસર એવોર્ડ ફંક્શનોમાં ભવાડા પણ શરૂ થઈ ગયા.
આમાં ‘સૌથી પહેલા ચકચારી ભવાડા’નો એવોર્ડ શાહરુખ ખાનને નામે ગયો હતો. તે વખતે ‘આઈસ’ એવોર્ડઝ નવા શરૂ થયા હતા, જે લંડન, મેલબર્ન, સિંગાપોર, એમ્સ્ટર્ડેમ વગેરે પ્રખ્યાત શહેરોમાં યોજાતા હતા, જેમાં વર્ચસ્વ અમિતાભ બચ્ચનના ફેમિલીનું રહેતું હતું, પરંતુ ચોથા જ એવોર્ડ વખતે શાહરુખ ખાને પોતાને બેસવા માટેની જે સીટ ફાળવાઈ હતી તેને લઈને વાંધો પાડીને મોટો તમાશો કર્યો હતો!
એ પછીનાં વારસોમાં શાહરુખ ખાને ‘ફિલ્મફેર’ એવોર્ડ ફંક્શનોમાં ઉપર રીતસરનો કબજો જમાવ્યો હતો. એ પોતે એન્કર તરીકે આવીને પોતાની ઓરિજિનલ જોક્સ અને સ્પોન્ટેનિટી વડે ઓડિયન્સને મજા તો કરાવતો જ હતો પણ સાથે સાથે જેને કહેવાય ને, કે ‘દાવ લેવાની’ કોશિશો પણ વારંવાર કરવા જતાં આખું ફંક્શન ભવાડાનો ભોગ બની જતું હતું.
આપણ વાંચો: ક્યારેક તળેટી તો ક્યારેક શિખર…
આવા જ એક એવોર્ડ ફંકશન વખતે અભિનેતા નીલ નીતિન મુકેશને એમ પૂછે કે આમાં તારી ‘સરનેમ’ ક્યાં છે, સુશાંત સિંહ રાજપૂતને કહ્યું કે તારી ‘બબ્બે સરનેમ’ કેમ છે… વગેરે. જોકે હવે આ એવોર્ડ ફંક્શનો પણ એટલા બધા બીબાઢાળ બનતાં જાય છે કે કદાચ એના આયોજકો પણ જાણી જોઈને આવા ‘ભવાડા’ની સ્ક્રિપ્ટ બનાવતા હશે.
જોકે એક ચોક્કસ સ્ટારથી છુટકારો મળ્યાનો દરેક પ્રેક્ષકને આનંદ છે. યાદ છે? વચ્ચે એક સમય એવો હતો કે લગભગ દરેક ફંક્શનમાં રેખાની ‘પધરામણી’ એ રીતે થતી હતી કે જાણે શું મોટી અભિનયની મહારાણીએ એન્ટ્રી મારી છે!