સ્ટાર-યાર-કલાકાર : ‘સુપર હીરો’ની ‘સુપર કથા’…

- સંજય છેલ
અદ્ભુત આસમાની ઉડાન ભરનારા અદાકારોને કુદરત કેમ અન્યાય કરે છે?
વેલ કિલ્મર, ક્રિસ્ટોફર રીવ
‘આખરે તો પ્રેમ જ દરેક વાતનો અંતિમ ઉત્તર છે.’
‘કલા એક જંગલી નદી છે, જે પોતાનો રસ્તો જાતે જ શોધે છે.’
‘હા, મેં સ્ટાર કે માણસ તરીકે ખરાબ વર્તન કર્યું છે, પણ હિંમતભેર કર્યું છે ને કેટલાક લોકો સાથે વિચિત્ર વર્તન પણ કર્યું છે. હું એમાંથી કોઈ વાતને નકારતો નથી ને મને કોઈ પસ્તાવો પણ નથી, કારણ કે મેં મારા જીવન ને શરીરના એવા હિસ્સાઓ ગુમાવ્યા છે ને મેળવ્યા છે, જેની મને અગાઉ કલ્પના પણ નહોતી’….
આ બધા શબ્દો છે ‘બેટમેન ફોરેવર’ ફિલ્મમાં ‘બેટમેન’નો રોલ કરનાર અભિનેતા વેલ કિલ્મરના.
થોડા વખત પહેલાં જ વેલ કિલ્મરનું 65 વરસે મૃત્યુ થયું. વેલ કિલ્મર 90ના દાયકામાં હોલિવૂડનો સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાંનો એક હતો. 1984માં આવેલી ફિલ્મ ‘ટોપ સિક્રેટ’ કિલ્મરની પહેલી ફિલ્મ હતી. વેલ કિલ્મર, ‘ટોપ ગન’ ફિલ્મમાં હેંડસમ હીરો ટોમ ક્રુઝ સામે ‘આઈસ મેન’ના પાત્રમાં ને ‘ધ ડોર્સ’ ફિલ્મમાં ગાયક ‘જીમ મોરિસન’ની ભૂમિકામાં છવાઇ ગયેલો. વેલ કિલ્મરે ‘વિલો’, ‘ધ ઘોસ્ટ ઍન્ડ ડાર્કનેસ’, ‘ધ સેન્ટ’, ‘ધ પ્રિન્સ ઓફ ઇજિપ્ત’ ‘એલેક્ઝાન્ડર’ અને ‘રિયલ જીનિયસ’ જેવી કોમેડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
અવાજનો જાદૂગર વિલ, 2014થી ગળાનાં કેન્સરથી પીડાતો હતો. વેલ જેને ખૂબ ચાહતો એવો પોતાનો અવાજ વરસો સુધી ગુમાવી બેસેલો! 2021માં ‘વેલ’ પરની ડોક્યુમેંટ્રીમાં એ કહે છે:
‘કેન્સર પછી મારો અવાજ સિમેંટ કોંક્રીટમાં રગદોળાયેલો હોય એવો લાગે છે પણ તોયે મને ગમે છે, કારણ કે એ મારો પોતાનો અવાજ છે.’
1995માં જાંબાઝ બેટમેન તરીકે મકાનો પર, દીવાલો પર, આસમાન પર ઉછળતો- કૂદનારો અભિનેતા 2014માં બીમારીથી ધડામ્ દઇને વાસ્તવિકતાની જમીન પર પટકાય છે.. જ્યાં સામે છે, કેવળ મોત! 10 જ વરસ પહેલાં ‘સુપરપાવર’ ધરાવતો એ ‘સુપરહીરો’ હતો ને આજે જીવનની ક્ષણભંગુરતા સામે નિ:સહાય! આખરે વરસોની બીમારી બાદ 2022ની ‘ટોપ ગન: મેવેરિક’ સિક્વલમાં ફરીથી ચમકેલો.
એવી જ રીતે બીજા એક ‘સુપરપાવર’વાળા પાત્ર, ‘સુપર-મેન’ બનેલા અભિનેતા અચાનક જ સાવ લકવાગ્રસ્ત બની ગયેલ. પણ એના અદ્ભુત વિચારો જુઓ:
‘એકવાર જીવનમાં તમે આશાવાદને અપનાવો છો ત્યારે કંઈપણ શક્ય છે.’
‘ભલે હું પર્સનલી કોઈ દેવતામાં માનતો નથી, પણ મને લાગે છે કે આપણા બધા પાસે જીવવાનો એક હેતુ, એક મિશન હોવા જોઇએ..એ જ ઇશ્વર છે… ’
‘આપણાં ઘણાં સપનાઓ શરૂઆતમાં અસંભવ લાગે, પછી આપણે ઇચ્છાશક્તિને વાપરીએ તો એ અસંભવ જ જીવનનો અનિવાર્ય હિસ્સો બની જાય.!’
આ વાત છે 1978થી 1987 સુધી ‘સુપર મેન’ બનનારા અદાકાર ક્રિસ્ટોફર રીવની… 1995માં ઘોડેસવારી કરતાં એ જમીન પર પટકાયો ને ગરદનથી નીચે સાવ લકવાગ્રસ્ત થઈ ગયેલો. છેક 2004 સુધી ખભા નીચે સાવ સુન્ન હોવા છતાં ખુદ્દાર ક્રિસ્ટોફર કહેતો: ‘હું મારા જીવનને કેવી રીતે જીવવું તે નક્કી કરવા મારી અપંગતાને અધિકાર આપવાથી ઇનકાર કરું છું.’
ડોકટરો સતત ક્રિસ્ટોફરની તબિયતનું નિરીક્ષણ કરતા કે શરીરમાં કોઇ ચેપ ના લાગે અને શ્વસનક્રિયામાં તકલીફ ના થાય. એની પત્ની ડાના, ક્રિસ્ટોફરની મેડિકલ બાબતો સંભાળતી અને બિસ્તરની બાણશૈયા પર સૂતેલા ક્રિસ્ટોફરને ઇમોશનલી પણ સાચવતી. આ બાજુ ક્રિસ્ટોફરનો સાવ નાનો પુત્ર એવી દુનિયામાં ઉછરી રહ્યો હતો જ્યાં ટી.વી.નાં પડદા પર એનો બાપ હવામાં ‘સુપર-મેન’ બની ઉછળતો કૂદતો પણ જીવનમાં વ્હિલચેર પર કે ઑક્સિજનના માસ્ક સાથે સતત હારતો લડતો તરફડતો!
‘સુપરપાવર’વાળા ‘સુપરમેન’ની આસમાની ઉડાનની જેમ ક્રિસ્ટોફરે પણ ‘વિલપાવર’ કે ઇચ્છા શક્તિ દ્વારા અનેક ઇલક્ટ્રિક શોક્સ સહીને જડવત્ શરીરમાં થોડીક સંવેદનાઓ પાછી મેળવી હતી, જે ડોક્ટરો માટેય ચમત્કાર હતો, પણ ક્રિસ્ટોફર, ખરો ‘સુપર-મેન’ તો ત્યારે સાબિત થયો કે જ્યારે વ્હિલચેર પરથી એણે 2002માં ટી.વી.ફિલ્મ ‘ધ બ્રુક
એલિસન સ્ટોરી’નું નિર્દેશન કર્યું. આનું નામ જીવલેણ બીમારીમાંય મનોબળના ‘સુપર પાવર’થી ‘સુપરમેન’ની જેમ મથવું.
(વળી એ ફિલ્મમાંયે ‘ચાર પગ’વાળી યુવતીની સંઘર્ષ યાત્રા હતી) એટલું જ નહીં, લકવાગ્રસ્ત ક્રિસ્ટોફરે 2003માં ‘સ્મોલવિલે’માં મહેમાન કલાકાર બન્યો, જેનાથી એ ‘સુપરમેન યુનિવર્સ’માં ફરીથી આવ્યો અને પ્રેક્ષકોએ એને ભીની આંખે આવકાર્યો પણ ખરો.
એ પછી તો ક્રિસ્ટોફરે અમેરિકામાં ‘કરોડરજ્જુની ઇજા’ વિશે જનજાગૃતિનું મિશન આદર્યું. ખંધા રાજકારણીઓ, બોરિંગ સંશોધકો ને દવા લોબીવાળા ડોક્ટરો સાથે સતત બાખડીને ‘ક્રિસ્ટોફર રીવ ફાઉન્ડેશન’ નામની સેવાભાવી સંસ્થા સ્થાપી. છેલ્લા શ્વાસ સુધી ‘સ્ટેમ સેલ’નાં સંશોધન માટે અને વિકલાંગોના અધિકારો વત્તા મેડકિલ રિસર્ચ માટે એણે વરસો સુધી લડત ચલાવી. છેવટે એનો ફેંફસાં પાસેનો ડાયાફ્રમ નબળો પડ્યો પણ આશાવાદમાં અડીખમ રહેતો ક્રિસ્ટોફર કહેતો : ‘હું મારી પંગુતા સાથે જીવન કઇ રીતે જીવીશ એ નક્કી કરવાનો અધિકાર હું બીજાઓને નહીં આપું!’
આખરે 9મી ઓક્ટો. 2004ના રોજ અપંગો માટેના ઘોડેસવારીના કાર્યક્રમમાં એણે ‘વિકલાંગોની સગવડો’ વિશે લેક્ચર આપ્યું અને બીજે જ દિવસે, હાર્ટએટેક બાદ કોમામાં સરી પડ્યો. ફિલ્મી અંદાઝમાં કહીએ તો:
‘આખિરકાર 10 અક્તૂબર 2004, ‘સુપરમેન’ ક્રિસ્ટોફર રીવ કી આાત્મા હંમેશાં હંમેશાં કે લિયે આસમાન પર ઉડ ગઇ!’
આપણ વાંચો: કવર સ્ટોરી: હોલિવૂડનો અખતરો હવે હિન્દીમાં…
અહીં એક વાત એ નોંધવા જેવી છે કે હોલિવૂડમાં પ્રચલિત ‘સુપરમેન કર્સ’ કે ‘સુપરમેન શ્રાપ’ થિયરી મુજબ સુપરમેન સિરીઝની ફિલ્મોનાં અનેક કલાકારો કોઇને કોઇ કમનસીબીનો ભોગ બનીને યા તો નાની ઉંમરે મૃત્યુ પામે યા અકસ્માત કે માંદગી ભોગવે છે.
શું ઇશ્વર કે કુદરતને ચેલેંજ આપીને ઉડનારા પાત્રને કુદરત, આ રીતે સજા આપતી હશે? બોલિવૂડમાં પણ ‘આસમાન’, ‘આકાશ’, ‘ઝમીન’, ‘અગ્નિ’ – ‘સમુંદર’, ‘દરિયા’, ‘કુદરત’ કે ‘કાયનાત’ જેવાં પચંતત્ત્વોનાં ગેબી ટાઇટલ્સવાળી ફિલ્મો અકસર ફ્લોપ થાય છે ને ઘણીવાર તો પૂરી બનતી પણ નથી!