નેશનલ

બેંક કર્મચારીએ FD માંથી કરોડો સેરવ્યા, શેરબજારમાં રોક્યા અને… આ રીતે પકડાઈ ચોરી!

કોટા: લોકો મહેનતથી કમાયેલા નાણા બેંક ખાતામાં જમા કરાવતા હોય છે, જેથી નાણા સુરક્ષિત રહે. રાજસ્થાનના કોટામાં એક એવો ચોંકાવનારો કિસ્સો બન્યો છે, જેનાથી બેંકોની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા છે. કોટામાં બેંકની એક મહિલા કર્મચારીએ શેરબજારમાં રોકાણ કરીને ટૂંકા ગાળામાં વધુ પૈસા કમાવવાની લાલચે તેણે 41 થી વધુ ગ્રાહકોના ખાતામાં રહેલા પૈસાનો દુરુપયોગ (Bank Fraud in Kota) કર્યો. આ છેતરપિંડી બે વર્ષ સુધી ચાલુ રહી, આ વર્ષની શરૂઆતમાં કૌભાંડ ખૂલું પડ્યું અને ગઈ કાલે કર્મચારીની ધરપકડ કરવામાં આવી.

એક અહેવાલ મુજબ, એક ખાનગી બેંકના રિલેશનશિપ મેનેજર સાક્ષી ગુપ્તાએ ‘યુઝર એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ)’ લિંકનો દુરુપયોગ કર્યો હતો અને 2020 થી 2023 દરમિયાન 41 ગ્રાહકોના 110 ખાતામાંથી ગેરકાયદેસર રીતે 4.58 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા.

આ રીતે પકડાઈ ચોરી:

તપાસમાં જાણવા મળ્યું કે સાક્ષી ગુપ્તાએ આ નાણા શેરબજારમાં રોક્યા હતાં. તેણે ખાતા સાથે લિંક થયેલા ગ્રાહકોના મોબાઇલ નંબર પણ બદલી નાખ્યા જેથી તેમને આ ટ્રાન્ઝેક્શનના મેસેજ ના મળે. જોકે, શેરબજારમાં ભારે નુકસાન થયું હતું, જેના કારણે તે ગ્રાહકોના ખાતામાં પૈસા પાછા જમા કરાવી શકી નહીં. એક ગ્રાહક તેની FD વિશે પૂછપરછ કરવા બેંકમાં આવ્યો, ત્યારે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. બેંકે 18 ફેબ્રુઆરીએ પોલીસમાં કેસ દાખલ કર્યો હતો.

આરોપી કર્મચારીની ધરપકડ:

હવે બેંક કર્મચારી સાક્ષી ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે અને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. પોલીસે ગઈકાલે મોડી રાત્રે તેની બહેનના લગ્ન સમરોહમાંથી તેની ધરપકડ કરી હતી. બેંકે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

તપાસ અધિકારી જણાવ્યું,”આરોપી કર્મચારીએ તેના પરિવારના સભ્યોના ફોન નંબરોને આ ખાતાઓ સાથે લિંક કર્યા અને 4 કરોડ વધુ રૂપિયા ઉપાડી લીધા. તેણીએ એક સિસ્ટમ પણ વિકસાવી જેનો ઉપયોગ તેણે સિસ્ટમ પર OTP મેળવવા માટે કરતી હતી જેથી ખાતાધારકોને છેતરપિંડીનો ખ્યાલ ન આવે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button