એકસ્ટ્રા અફેર

પર્સનલ લો આસામમાં કેમ લાગુ ના પડે?

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

આપણે ત્યાં છેલ્લા કેટલાક સમયથી બંધારણને અતિક્રમીને જાતજાતના ફતવા બહાર પાડવાનું પ્રમાણ વધ્યું છે. બંધારણની જોગવાઈઓની ઐસીતૈસી કરીને બહાર પડાતા આવા ફતવાઓનું કોઈ મૂલ્ય હોતું નથી ને કોર્ટમાં આ ફતવા ટકી ના શકે પણ રાજકીય સ્વાર્થ અને વધારે તો પોતાને બધાથી ઉપર સાબિત કરવા માટે આવા ફતવા બહાર પડાય છે. આસામની હિમંતા બિસ્વા સરમા સરકારે પોતાના કર્મચારીઓ માટે લગ્ન કરવા અંગેનો નવો ફતવો બહાર પાડ્યો એ તેનો તાજો નમૂનો છે.

હિંમત બિસ્વ સરમાની સરકારે આ ફતવા દ્વારા સરકારી કર્મચારીઓ પર જીવનસાથી જીવિત હોય તો બીજા લગ્ન કરવા પર પ્રતિબંધ મૂકાયો હોવાનું એલાન કર્યું છે. બીજા લગ્ન કરનાર સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ અપાઈ છે. આ પત્રમાં કહેવાયું છે કે, જેની પત્ની જીવિત હોય એવો કોઈ પણ સરકારી કર્મચારી સરકારની મંજૂરી વગર બીજા લગ્ન કરી શકશે નહીં. એ જ રીતે કોઈ પણ મહિલા સરકારી કર્મચારીનો પતિ જીવિત હોય તો સરકારની મંજૂરી વગર બીજા લગ્ન કરી શકશે નહીં.

આ પત્રમાં એવું પણ કહેવાયું છે કે, કર્મચારીને તેના ધર્મ કે સમુદાયના આધારે અપાયેલ પર્સનલ લો હેઠળ બીજા લગ્નની મંજૂરી હોય તો પણ સ્ત્રી કે પુરૂષ સરકારની મંજૂરી વિના લગ્ન નહીં કરી શકે. આ ફતવામાં સ્પષ્ટ રીતે લખાયું છે કે, પર્સોનલ લોમાં ભલે બીજા લગ્નની મંજૂરી હોય તો પણ બીજા લગ્ન કરવાની મંજૂરી નહીં મળે. આસામ સરકારના પર્સનલ વિભાગે બહાર પાડેલા પરિપત્રમાં આ નિયમ તમામ કર્મચારીઓને લાગુ પડશે અને તાત્કાલિક અસરથી તેનો અમલ થશે એવો પણ ઉલ્લેખ છે.

પર્સેનલ ડિપાર્ટમેન્ટના ચીફ સેક્રેટરી સચિવ નીરજ વર્માએ ૨૦ ઑક્ટોબરે આ પરપિત્ર બહાર પાડેલો પણ હમણાં સૌના ધ્યાનમાં આવતાં તેની ચર્ચા શરૂ થઈ છે. આ પત્રમાં દાવો કરાયો છે કે, અસમ સિવિલ સેવા (કોડ ઓફ કટક્ટ) નિયમાવલી ૧૯૬૫ના નિયમ ૨૬ની જોગવાઈના આધારે આ આદેશ અપાયો છે અને તેનો ભંગ કરનાર સામે તાત્કાલિક અસરથી નિવૃત્ત કરી દેવા એટલે કે નોકરીમાંથી કાઢી મૂકવા અને દંડ લગાવવા સહિતની કાર્યવાહી કરાશે. બીજું શું શું કરાશે તેની વિગતો પણ અપાઈ છે ને તેની વાત નથી માંડતા પણ આ દેશમાં ધીરે ધીરે પોપાબાઈનું રાજ લાવવાની મથામણ થઈ રહી છે તેનો આ પુરાવો છે.

આસામ સરકારે આ ફતવો મુસ્લિમોને ધ્યાનમાં રાખીને બહાર પાડ્યો છે એ કહેવાની જરૂર નથી પણ આ દેશમાં માત્ર મુસ્લિમોને જ બીજા લગ્નની છૂટ છે એવું નથી. દેશમાં આદિવાસીઓ અને બીજા સમુદાયો માટે પણ પર્સનલ લો છે ને તેમાં એક કરતાં વધારે લગ્ન કરવાની છૂટ છે. એ બધાંની વાત નથી કરવી કેમ કે ટાર્ગેટ મુસ્લિમો છે. મુસ્લિમોને એક સાથે ચાર લગ્નની છૂટ બંધારણે આપેલી છે.
મુસ્લિમ પર્સનલ લો બંધારણીય જોગવાઈ છે ને એ આખા દેશના તમામ મુસ્લિમોને એક સમાન રીતે લાગુ પડે છે. આ જોગવાઈ પ્રમાણે મુસ્લિમે એક પત્નિ હયાત હોય તો બીજા લગ્ન કરવા માટે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. આ બંધારણે મુસ્લિમોને આપેલો અધિકાર છે ને બંધારણીય જોગવાઈથી ઉપર કશું ના હોઈ શકે. આસામ પણ ભારતમાં જ આવેલું રાજ્ય છે તેથી આસામમાં પણ આ જોગવાઈ લાગુ પડે જ ને આસામના મુસ્લિમ કર્મચારીઓએ પણ બીજા લગ્ન કરવાં હોય તો કોઈની મંજૂરીની જરૂર નથી જ.

હિંમત બિસ્વ સરમાની સરકાર એ મંજૂરીની ફરજ પાડી રહી છે. હિંમત બિસ્વ સરમા સરકાર કર્મચારીઓના વ્યવહાર અંગેના એક નિયમને બંધારણીય જોગવાઈથી ઉપર ગણાવીને ફતવો બહાર પાડી રહી છે એ વાસ્તવમાં બંધારણનું અપમાન કહેવાય.

આસામની સરકારે બહાર પાડેલો આ ફતવો બંધારણના મૂળભૂત અધિકારના પણ ભંગ સમાન છે. આ દેશના નાગરિકોને દેશના બંધારણે કેટલાક મૂળભૂત અધિકારો, મૂળભૂત આઝાદી આપી છે તેમાં લગ્ન અંગે નિર્ણય લેવાની આઝાદી પણ છે. કોઈ પણ વ્યક્તિ પુખ્ત વયની થાય એટલે એ પોતાની મરજી પ્રમાણે લગ્ન કરી શકે છે. એ માટે તેણે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. છોકરાઓ માટે લગ્નની ઉંમર ૨૧ વર્ષ અને છોકરીઓ માટે ૧૮ વર્ષ નક્કી કરાઈ છે તેથી એ ઉંમર વટાવ્યા પછી છોકરો ને છોકરી પોતાની રીતે લગ્ન કરવા માટે આઝાદ છે. ના તેમને મા-બાપ રોકી શકે, ના સમાજ રોકી શકે કે ના કાયદો રોકી શકે. આ લગ્ન માટે તેમણે ના મા-બાપની મંજૂરી લેવાની જરૂર છે કે ના સરકારની મંજૂરી લેવાની જરૂર છે કે ના કોર્ટની મંજૂરી લેવાની જરૂર છે.

આસામ સરકારના કર્મચારીઓ પણ આ દેશના નાગરિકો છે તેથી તેમણે પણ લગ્ન માટે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. હિંદુ મેરીજ એક્ટ પ્રમાણે કોઈ વ્યક્તિ ડિવોર્સ લીધા વિના બીજા લગ્ન કરે તો એ અપરાધ છે. આ અપરાધ માટે સજાની જોગવાઈ આઈપીસીમાં છે જ એ જોતાં એ અંગે કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર નથી. કોઈ હિંદુ જીવનસાથી હયાત હોય છતાં બીજાં લગ્ન કરે એ કિસ્સામાં તેના જીવનસાથીને તેની સામે કેસ કરવાનો અધિકાર આપેલો જ છે. પોલીસને એવા કેસમાં કાર્યવાહી કરવાની સત્તા પણ આપેલી છે એ જોતાં સરકારે વચ્ચે ડબડબ કરવાની જરૂર ક્યાં છે ?
સરમા સહિતનાં લોકોને વાસ્તવમાં દુ:ખે છે પેટ અને કૂટે છે માથું. મુસ્લિમોને ચાર પત્નિ રાખવાની છૂટ યોગ્ય નથી. આ છૂટ નાબૂદ થવી જોઈએ કેમ કે તેના કારણે સમાનતાના અધિકારનો ભંગ થાય છે. સ્ત્રી અને પુરુષ આ દેશમાં સમાન છે પણ મુસ્લિમ પુરુષોને વધારે લગ્નની છૂટ મુસ્લિમ મહિલાઓનો સમાનતાનો અધિકાર છિનવે છે. આ અસમાનતા દૂર કરવી જ જોઈએ પણ તેના માટે બંધારણ સુધારવું પડે, સમાન સિવિલ કોડ લાવવો પડે. ભાજપ આ અન્યાય દૂર કરવા માગતો જ હોય તો તેમણે સમાન સિવિલ કોડ લાવી બતાવવો જોઈએ, આવાં નાનાં નાનાં પગલાંથી કશું ના થાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button