અમદાવાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી! વ્યાજના રૂપિયા માટે છરી વડે કર્યો હુમલો, બેની ધરપકડ

અમદાવાદઃ અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. અમદવાદાના વાડજ વિસ્તારમાં ધોળા દિવસે એક વ્યક્તિને છરી બતાવીને ધમકાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. વેપાર માટે લીધેલા વ્યાજના રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વધુ ઉઘરાણી માટે વ્યાજખોરો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા વાડજ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય આરોપી બબુ ભટ્ટી સહિત અન્યને પકડવા તપાસ હાથ ધરી છે.
વ્યાજના રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વધુ ઉઘરાણી
ઘટનાની વાત કરવામાં આવે તો, વાડજમાં સૌરભજી કમ્પાઉન્ડ પાસે આવેલા જય અંબે માર્કેટિંગમાં મિનરલ વોટર વ્યવસાય કરતા હરેશ ગોસ્વામી પોતાના ગોડાઉન પાસે ભાઈ સાથે ઊભા હતા. આ દરમિયાન બબુ ભટ્ટી, તેનો પુત્ર કુલદીપસિંહ અને અન્ય 3 લોકો આવ્યાં અને અપશબ્દો બોલી વેપારી પાસે રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. એટલું જ નહીં પરંતુ કુલદીપસિંહે હરેશ ગોસ્વામીના ગળે છરી મૂકીને ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
મુખ્ય આરોપી બલદેવ અને રાહુલ સહિત ચાર લોકોની હજી ફરાર
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, મિનરલ વોટરનો વ્યવસાય કરતા હરેશ ગોસ્વામીએ કુલદીપના પિતા પાસેથી એક લાખ રૂપિયા ઉધાર લીધા હતા. જો કે, હરેશ ગોસ્વામીએ તેનું આખુ વ્યાજ ચૂકવી દીધું હતું, છતાં વ્યાજખોરો દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવી રહી હતી. વાડજ પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી અને કરણ સિંહ અને હરદયાલ સિંહની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી બલદેવ અને રાહુલ સહિત ચાર અન્ય લોકોની શોધ ચાલુ છે. અમદાવાદ શહેરમાં ધોળા દિવસે આવી રીતે કોઈ પણ હુમલો થવો અને ચિંતાજનક વાત છે. આ મામલે પોલીસે વધારે સતર્ક થવાની જરૂર છે. વ્યાજખોરોનો ત્રાસ અત્યારે ખૂબ જ વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકો વધારે પરેશાન થતાં હોય છે.
આ પણ વાંચો….સુરત સિટી બસમાં ડ્રગ્સનો નશો! યુવકની દાદાગીરીનો વીડિયો વાયરલ, પ્રવાસીઓ ભયભીત