બિહારની વરવી વાસ્તવિકતાનો વીડિયો વાયરલઃ રાહુલ ગાંધીએ ઝાટકી નીતિશ સરકારને

ગયાઃ બિહારની ચૂંટણી વર્ષના અંતમાં છે એટલે રાજકારણીઓ રાજકારણ કરશે, પરંતુ જે વીડિયો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે તે બિહાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની શું સ્થિતિ છે, તે સમજવા પૂરતો છે.
આ વીડિયો પહેલા તેજસ્વી યાદવે અને ત્યારબાદ રાહુલ ગાંધીએ શેર કર્યો છે અને નીતિશ સરકારને ઝાટકી છે. વીડિયો ગયા વિસ્તારનો છે, જ્યાં એક ગેંગરેપ પીડિતાની માતાની સારવાર કરવા ગયેલા ડોક્ટરને અમુક લોકોએ આવીને માર મારી લોહીલુહાણ કર્યા હતા અને ત્યારબાદ તેમને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: બિહારમાં ડૉક્ટરને ઝાડ સાથે બાંધીને માર મરાયો; તેજસ્વી યાદવે ‘તાલિબાન રાજ’ ગણાવ્યું
અહેવાલ દ્વારા મળતી માહિતી અનુસાર આ ગેંગરેપની ઘટના 2021માં બની હતી, પરંતુ પરિવાર હમણાં થોડા દિવસ પહેલા તેમનું નિવેદન આપવા ગયો હતો. પીડિતાની માતાએ આક્ષેપ કર્યો હતો કે બળાત્કારીના પરિવારજનોએ જ હુમલો કર્યો હતો. ત્રણ મહિલા અને બે પુરુષો તેમના ઘરે આવી ચડ્યા હતા અને ડોકટરને બહાર ધસડી માર માર્યો હતો. પોલીસના કહેવા અનુસાર ત્રણ મહિલાને આ કેસમાં અટકમાં લીધી છે અને બાકીના શોધખોળ ચાલી રહી છે.
દરમિયાન તેજસ્વીએ આ ઘટના બાદ નીતિશની સરકારને ઝાટકા બિહારમાં તાલિબાની શાસન હોવાનો આક્ષેપ મૂક્યો હતો. આ વીડિયો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રિપોસ્ટ કર્યો હતો અને નીતિશ સરકારને ઝાટકતા લખ્યું હતું કે 20 વર્ષથી બિહારમાં શાસન કરતી નીતિશ સરકાર ન સુરક્ષા આપી શકી, ન સન્માન કે ન રોજગાર. અપરાધ, બેરોજગારી અને પલાયન. આ જ નીતિશ સરકારની ઓળખ બની ચૂકી છે. તેમણે લોકોને બિહારમાં અન્યાયના આ ચક્રને તોડવાનું આહ્વાન પણ કર્યું છે.