આમચી મુંબઈ

પેટ્રોલ પંપની ડીલરશિપ અપાવવાને બહાને વેપારી સાથે 21 લાખની છેતરપિંડી આચરી

થાણે: નવી મુંબઈમાં પેટ્રોલ પંપની ડીલરશિપ અપાવવાને બહાને 48 વર્ષના વેપારી સાથે 21 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

કલ્યાણમાં રહેતો વેપારી ઉત્તર પ્રદેશમાં એલપીજી ડિસ્ટ્રિબ્યુશન એજન્સી ધરાવે છે. થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં રહેતા દંપતીએ જૂન, 2019થી નવેમ્બર, 2021 દરમિયાન નવી મુંબઈમાં પેટ્રોલ પંપની ડીલરશિપ અપાવવાની ઓફર સાથે વેપારીનો સંપર્ક સાધ્યો હતો અને આ માટે પચાસ લાખ રૂપિયાની માગણી કરી હતી.

આપણ વાંચો: ભળતા નામથી ભરમાશો નહીં: રામ મંદિરના પ્રસાદના નામે ઠગે કરી 3 કરોડથી વધુની છેતરપિંડી

દરમિયાન વેપારીએ તેમને કહ્યું હતું કે તે સંપૂર્ણ રકમની વ્યવસ્થા કરી શક્યો નથી. આથી દંપતીએ તેને શરૂઆતમાં 20 લાખ રૂપિયા અને બાકીની રકમ પેટ્રોલ પંપની ડીલરશિપ મળ્યા બાદ ચૂકવવા કહ્યું હતું.

વેપારીએ દંપતીને 21.02 લાખ રૂપિયા આપ્યા હતા, પણ તેને પેટ્રોલ પંપની ડીલરશિપ ન મળતાં તેણે દંપતીનો સંપર્ક સાધ્યો હતો. જોકે તેઓ વેપારીને વિવિધ કારણો આપીને ટાળવા લાગ્યા હતા.

પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં વેપારીએ 1 જૂને પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. વેપારીની ફરિયાદને આધારે પોલીસે દંપતી સામે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button