કોઇ પૂછેગા જિસ દિન વાકઇ યે ઝિન્દગી ક્યા હૈ? ઝમીં સે એક મુઠ્ઠી ખાક લે કર હમ ઉડા દેંગે
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
ચાહો તો મિરી આંખોં કો આઇના બના લો,
દેખો તુમ્હેં ઐસા કોઇ દર્પન ન મિલેગા.
*
યહાં મરને કા મતલબ સિર્ફ પૈરાહન બદલ દેના,
યહાં ઇસ પાર જો ડૂબે, વહી ઉસ પાર ઝિન્દા હૈ.
*
તુમ જાગ રહે હો મુઝ કો અચ્છા નહીં લગતા,
ચુપ કે સે મેરી નીંદ ચુરા ક્યૂં નહીં લેતે.
*
મેરી જુદાઇ તેરે દિલ કી આજમાઇશ હૈ,
ઇસ આઇને કો કભી શર્મસાર મત કરના.
-અનવર જલાલપુરી
ઉત્તર પ્રદેશના આંબેડકર જિલ્લાના જલાલપુરમાં છ જુલાઇ ૧૯૪૭ના રોજ અનવર જલાલપુરી નામનું ખુશ્બૂદાર ગુલાબ ખીલ્યું હતું. જેણે ઉર્દૂ શાયરીમાં ઉચ્ચ કોટિનું પ્રદાન ર્ક્યું આ શાયરનું મૂળ નામ અનવર અહમદ હતું. તેમણે અંગ્રેજી સાથે એમ. એ. કર્યું હતું. તેમણે જલાલપુરની એન.ડી. કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.
આ પ્રતિભાવાન, વિદ્વાન શાયરે મહાન ધાર્મિક ગ્રંથ ‘ભગવદ્ ગીતા’ના ૧૮ અધ્યાયના ૭૦૧ શ્ર્લોકનું કુલ ૧૭૬૧ શે’રમાં ‘ઉર્દૂ શાયરી મેં ગીતા’ નામે ભાષાંતર ર્ક્યું હતું. આ પુસ્તક માટે તેમને ઉત્તર પ્રદેશની સરકારે ‘યશ ભારતી સમ્માન’ એનાયત ર્ક્યું હતું. નામી શાયર -ફિલ્મી ગીતકાર ડૉ. ગોપાલદાસ ‘નીરજે’ આ કૃતિને મીઠો આવકાર આપ્યો હતો. બંગાળી ભાષાના વિશ્ર્વ વિખ્યાત મહા કવિ શ્રી રવીન્દ્ગનાથ ટાગોરની પ્રખ્યાત કૃતિ ‘ગીતાંજલી’નો શ્રી અનવર જલાલપુરીએ કરેલો ઉર્દૂ અનુવાદ તેમની યશકલગીમાં ઉમદા ઉમેરો કરી આપે છે.
આ શાયરે હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા સંજય ખાનની લોકપ્રિય ટી.વી. સિરિયલ ‘અકબર ધ ગ્રેટ’ માટે ૧૦-૧૨ હપ્તા લખી આપ્યા હતા. ‘દેઢ ઇસિયા’ નામથી ચર્ચાસ્પદ હિન્દી ફિલ્મમાં તેમણે નાનકડી છતાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
“ખારે પાનિયોં કા સિલસિલા, “રોશનાઇ કે સફીર, “જાગતી આંખેં અને “ખુશ્બૂ કી રિશ્તેદારી નામનાં પુસ્તકોમાં તેમની ગઝલો અને કાવ્યો સંકલિત કરાયાં છે. તેમના લેખો અને ધાર્મિક કાવ્યોનાં પુસ્તકોમાં “અપની ધરતી, અપને લોગ, “ઝર્બે લાઇલાહ, “જમાલે મોહમ્મદ (સ.અ.), “ખાદ અઝ ખુદા, “હર્ફે અબજદ તેમજ “રાહ રૌ સે રહનુમા તકનો સમાવેશ થાય છે.
અનવર. સાહેબની ગઝલોમાં સર્જકતાના ઝબકારા, ઘેરા ચિંતનના ચમકારા, અનુભૂતિના ઊંડાણનું ગુંજન અને માનવહૈયાને હલબલાવી નાખતી વેદનાના પડછાયા જોવા-સાંભળવા -અનુભવવા મળે છે. આ યથાર્થવાદી શાયરની શે’ર સૃષ્ટિમાં સામાન્ય અને સરેરાશ માણસનાં સ્મિત અને આંસુ-ઉભયનું ચોટદાર આલેખન થયેલું છે. આજના માણસની વિવશતા, એકલતા અને પીડાનું સાહજિક ઢબે આલેખન કરતા આ શાયરના કેટલાક શે‘રનું રસદર્શન કરીએ.
- ‘મેરા હર શે‘ર હકીકત કે હૈ ઝિંદા તસ્વીર,
અપને અશઆર મેં કિસ્સા નહીં લિખ્ખા મૈંને.
મારો પ્રત્યેક શે‘ર વાસ્તવિક્તાની જીવતી તસવીરો છે. મેં મારા શે‘રમાં કેવળ (કાલ્પનિક) વાર્તાના રંગો ભર્યા નથી. આ શાયરના શે‘રને સમજવા માટેનું પગેરું આ શે’રમાંથી મળી રહે છે.
- અબ ગરઝ ચારોં તરફ પાંવ પસારે હૈ ખડી,
અબ કિસી કા કોઇ મહબૂબ નહીં હોતા હૈ.
હવે તો ચોતરફ મતલબે પગપેસારો કર્યો છે, પોતાના નાપાક ઇરાદાઓ ફેલાવ્યા છે. હવે તો કોઇ કોઇને પ્રેમ કરતું નથી કે કોઇને કોઇનું પ્રિય પાત્ર પણ હોતું નથી. આજના જમાનાનો માણસ સ્વાર્થથી નખશિખ સભર હોય છે. તેનાથી ચેતી જવાની અત્રે શાયરાના શિખામણ આપવામાં આવી છે.
- સભી કે અપને મસાઇલ, સભી કી અપની અના,
પુકારું કિસ કો જો દે સાથ ઉમ્રભર મેરા.
દરેક મનુષ્ય પાસે પોતાની સમસ્યાઓ છે, કષ્ટ છે, તકલીફ છે. આવી ગંભીર પ્રવર્તમાન પરિસ્થિતિમાં મને જીવનભર સાથ સહકાર આપે તે માટે હવે હું કોને બોલાવું!
- મુસલસલ ધૂપ મેં ચલના, ચરાગોં કી તરહ જલના,
યે હંગામે તો મુઝ કો વક્ત સે પહલે થકા દેંગે.
તડકામાં સતત ચાલવું અને દીપકોની જેમ બળતા રહેવું. આ બંને ઉપદ્રવ-ફસાદ મને સમયની પહેલાં થકવી દેશે, એવું મને લાગી રહ્યું છે. માનવજીવન દુ:ખ-સંતાપથી ક્યાં વેગળું હોય છે તે સચ્ચાઇ આ શે‘રમાં દર્શાવવામાં આવી છે.
*અભી સે નબ્ઝે આલમ રૂક રહી હૈ જાને ક્યોં ‘અનવર’,
અભી તો મેરે અફસાને કી સારી રાત બાકી હૈ.
હજુ તો મારી વ્યથા-કથા કહેવા માટે આખી રાત્રિનો સમય મારી પાસે છે. આવી કફોડી હાલતમાં મારી પરિસ્થિતિની નાડી કોણ જાણે કેમ અટકી રહી છે! શાયરના દિલ-દિમાગની કશ્મકશ આ બે મિફરામાં રજૂ થયેલી છે.
- મેં દુનિયા કો સમઝને કે લિયે ક્યા કુછ નહીં કરતા,
બરે લોગોં સે ભી રહતા હૈ અકસર રાબ્તા મેરા.
આ વિશ્ર્વને સમજવા માટે હું બધું જ કરી છૃટું છું. તમે જુઓ તો ખરા, હું ખરાબ લોકોની સાથે પણ સંબંધ-મૈત્રી રાખું છું. દુનિયાના લોકોને જાણવા-સમજવા હોય તો શું કરવું તે પ્રશ્ર્નનો ઉત્તર શાયરે અહીં જણાવી દીધો છે.
*વહ શખસ મેરા સાથ ન દે પાએગા જિસ કા,
દિલ સાફ નહીં, ઝેહન કુશાદા ભી નહીં હૈ.
જેનું હદય ચોખ્ખું નથી અને જેના મન-હદયની દક્ષતા ઉદાર નથી તેવો માણસ મને કેવી રીતે સાથ-સહકાર આપશે! માનવજીવનમાં હદય અને મનની ભૂમિકાનું મહત્ત્વ કેવું હોવું જોઇએ તેની અનુભૂતિ અહીં શાયરે સરળ રીતે ઉતારી આપી છે.
- અબ નામ નહીં, કામ કા કાએલ હૈ ઝમાના;
અબ નામ કિસી શખ્સ કા રાવન ન મિલેગા.
હાલનો યુગ નામનો નહીં પણ કામનો મહિમા કરે છે. આજના સમયમાં રાવણ નામનો કોઇ માણસ તમને મળશે નહીં. નામમાં વળી શું બળ્યું છે,. એ જૂની-જાણીતી કહેવતનો પડઘો આ શે‘રમાંથી સાંભળવા મળે છે.
- મૈંને લિખ્ખા હૈ ઉસે મરયમ-ઓ-સીતા
કી તરહ,
જિસ્મ કો ઉસ કે અજંતા નહીં લિખ્ખા મૈંં ને.
મેં તો તેઓનો (માતા, પુત્રી, પ્રિયતમાનો) મરિયમ અને સીતાજીની જેમ સત્કાર કર્યો છે. મેં તેઓના શરીરને અજંતાનું નામ આપ્યું નથી. (અહીં અજંતાનો ઉલ્લેખ મૂર્તિના રૂપમાં કરાયો છે) ઇશુ ખ્રિસ્તની માતા મરિયમ અને સીતાજી-બંને મહાન નારી વિશેની શાયરની લાગણી અહીં સાહજિક ભાવે રજૂ થયેલી છે.
- કોઇ પૂછેગા જિસ દિન વાકઇ યે ઝિન્દગી ક્યા હૈ,
ઝમીં સે એક મુઠ્ઠી ખાક લે કર હમ ઉડા દેંગે.
જે દિવસે મને કોઇ પૂછી બેસશે કે જીવન ખરેખર શું છે?
તે વખતે હું જમીનમાંથી મુઠ્ઠી ધૂળ લઇને તેને (આકાશ તરફ) ઉડાવી દઇશ. જીવનના તત્ત્વજ્ઞાન વિશેની એક ઝલક અહીં પામી શકાય છે.
- જો મઝહબ, ઓઢ કર બાઝાર નિકલેં,
હમેશા ઉન અદાકારોં સે બચના.
ધર્મનો અંચળૉ ઓઢીને જે બજારમાં નીકળે છે તેવા કલાકારોથી હંમેશાં બચીને રહેવાની સલાહ અત્રે આપવામાં આવી છે. રાજકારણીઓ, ભ્રષ્ટાચારીઓ અને બની બેઠેલા બાબાઓ પર નામ આપ્યાં વગર અહીં શાયરે પ્રહાર કર્યો છે તે કેટલો સમયસરનો છે!
- મેરી બસ્તી કે લોગો અબ ન રોકો રાસ્તા મેરા,
ર્મૈં સબ કુછ છોડકર જાતા હૂં દેખો હૌસલા મેરા
મારી વસ્તીનાં લોકો! તમે બધા હવે મારો રસ્તો રોકશો નહીં. હવે હું તમારી વચ્ચેથી મારો ઉત્સાહ, મારી હિંમત – એ બધું જ છોડીને (દૂર) જઇ રહ્યો છું. આ શે’રની વર્ણનકળામાં રહસ્યના તાણાવાણા ગૂંથાયા છે તેને પામવા-ઉકેલવા માટે ભાવકો-વાચકોએ જાતે જ મથામણ કરવાની રહેશે.
- ચાહો તો મિરી આંખોં કો આઇના બના લો,
દેખો તુમ્હેં ઐસા કોઇ દર્પન ન મિલેગા.
તમારી ઇચ્છા હોય તો તમે મારી આંખોને તમારો અરીસો બનાવી દો. જુઓ, તમને આવો અરીસો ક્યાંય મળશે નહીં. પ્રેમની ભાષામાં લખાયેલો આ શે‘ર લાજવાબ છે.
- ન જાને કયૂં અધૂરી હી મુઝે તસ્વીર જચતી હૈ,
મૈં કાગઝ, હાથ મેં લે કર ફક્ત ચહેરા બનાતા હૂં.
હું તો કાગળને હાથમાં લઇને તેમાં માત્ર ચ્હેરાઓ જ દોરું છું. છતાં કોણ જાણે કેમ મને તો (હરહંમેશ) અધૂરી તસવીર જ પસંદ પડે છે. માણસનું જીવન પણ કોરા કાગળ જેવું હોય છે. જીવનની પૂરેપૂરી તસવીર માણસ ક્યાં બનાવી શક્તો હોય છે! તેના હાથ તો સંજોગોથી બંધાયેલા હોય છે. તે તેમાંથી ક્યારેય આઝાદ થઇ શક્તો નથી.
*ગુલોં કે બીચ મેં માનિન્દ ખાર મૈં ભી થા.
ફકીર હી થા મગર શાનદાર મૈં ભી થા.
ફૂલોની વચ્ચે કટક જેવો હું પણ હતો. હું ભલે ફકીર હતો ક્ધિતુ હું શાનદાર પણ હતો. ફકીરની મસ્તાના અને બેપરવા જિંદગી વિશે આ શે‘ર કેવો ઉઘાડ કરી આપે છે!