વાત ગ્રીનની થાય છે

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
અન્ય ક્ષેત્રોની જેમ સ્થાપત્યમાં પણ દંભ જોવા મળે છે. અહીં વાત તો ગ્રીનની થાય – પર્યાવરણની થાય – ઊર્જાની થાય પણ અંતે તો સગવડતા ખાતર આ બધાનો ભોગ લેવાય. એક સમજ પ્રમાણે ૧૯મી સદીના બુદ્ધિજીવીઓએ કામ વધારે કર્યું છે અને વાતો ઓછી. આજના સમયમાં આનાથી ઊંધું થઈ રહ્યું છે. આજે વાતો વધારે થાય છે અને તે પણ પોતાની જાતને સારી અને સાચી સાબિત કરવા માટે. સ્થાપત્યમાં પ્રશ્ર્નો પૂછી શકાય તેવી રચના કર્યા પછી જુદાં જુદાં ધોરણો પ્રમાણે તે ગ્રીન આર્કિટેક્ચર છે તેમ સાબિત કરવાનો પ્રયત્ન કરાય છે. હકીકત એ છે કે જે મકાનોમાં વ્યયની સંભાવના વધુ હોય તેવાં મકાનો માટે જ ગ્રીન હોવાની દલીલ કરવામાં આવે છે. આમ પણ ડાયટિંગ કરવાની જરૂર એ વ્યક્તિને પડે કે જે વધારે ભોજન લેતું હોય.
વાતાનૂકુલ મકાન બનાવી તેમાં ઊર્જા બચાવવાની વાત થાય. ઘરમાં વ્યક્તિગત સ્વિમિંગ પૂલ બનાવી તેમાં પાણીની બચત કેવી રીતના થાય તે માટે ચર્ચા કરાય. અગાસી પર સ્વિમિંગ પૂલ બનાવીને ત્યાં સુધી પાણી ચઢાવવાનો ખર્ચ કેવી રીતના ઓછો થઈ શકે તેવી ગણતરી જ અસ્થાને છે. મકાનની ચારે બાજુ ગ્લાસ જડી દઈ મકાનમાં ઓછી ગરમી કેવી રીતે પ્રવેશે તેની તકનીક ગોતવામાં આવે છે. ઘોંઘાટ ભરેલો માહોલ બનાવ્યા બાદ શાંતિ પામવા એકોસ્ટિક પેનલ લગાડવામાં આવે છે. મકાનની રચનામાં શક્ય તેટલી જટિલતા લાવીને પછી તેમાં સાદગી ઉમેરવાનો પ્રયત્ન થાય છે. માનવીની સંવેદનાઓની અવગણના કરી માનવી સાથે ભાવાત્મક સંબંધ જોડવાના પ્રયત્ન થાય છે. નાની વાત માટે પણ પાંચ છ લિટર પાણીનો વ્યય કરતા નળની રચનામાં પાણીના બચાવ માટેના તર્ક ઉમેરાય છે. દંભ ચારે તરફ છે. અહીં તો વીસ મીટરની સાડીની જગ્યાએ ઓગણીસ મીટરની સાડી ખરીદી એમ સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે આમાં વસ્ત્રની બચત થઈ છે. અમદાવાદથી મુંબઈ જવું હોય તો વાયા શ્રીનગર કરતાં વાયા જયપુરને કરકસરયુક્ત ગણવા જેવી વાત છે; જ્યારે અમદાવાદથી તો સીધા જ મુંબઈ જવાય છે.
માત્ર ઉપયોગિતા માટે બનાવાતાં મકાનો માટે પણ જુદા જ સ્તરની વાતો કરાય છે. ખોખા જેવા મકાનમાં પણ માનવીની લાગણીમય જરૂરિયાતો ધ્યાનમાં રાખવામાં આવી છે તેવું સાબિત કરવાના પ્રયત્નો કરાય છે. સાવ જ અસાંદર્ભિક ગણી શકાય તેવી પશ્ર્ચિમની સ્થાપત્ય શૈલીનું આંધળું અનુકરણ કરવામાં આવે છે અને ભારતની પરંપરા તથા ભારતીય સ્થાપત્ય મૂલ્યોની વાતો થાય છે. વાતો તો પરંપરાની થાય પણ વાસ્તવમાં કોઈ વિચિત્ર નવી ઘટના જ આકાર લે.
એમ કહેવાય છે કે સમાજ એ વસ્તુ પામે છે કે જેને તે લાયક હોય અથવા જે માટે તેની માગણી હોય. નીતિમતાનો આગ્રહ રાખતા સમાજમાં અનીતિને સ્થાન ન હોય. જો સમાજ અદંભી સ્થાપત્યની માગણી કરે – સમાજ જો ‘ગ્રીન’ની માગણી કરે – સમાજ જો પરંપરાગતાની માગણી કરે તો સ્થપતિએ તે પ્રમાણે સેવા આપવી જ રહી. એમ લાગે છે કે સમાજ ચલાવી લેવાના મૂડમાં છે. મૂળભૂત કામ થઈ જતું હોય અને જો વ્યક્તિની ખરીદ ક્ષમતાની અંદર આવી જતું હોય અને જો તેનાથી પાશ્ર્ચાત્ય પ્રકારનો વટ પડતો હોય, તો સમાજ ચલાવી લેવા તૈયાર છે. કદાચ સમાજને જ આવો દંભ જોઈએ છે. રિયાલિટી શૉના નામે જે નાટક કરવામાં આવે છે તેવી ક્રિયા લગભગ દરેક ક્ષેત્રમાં ચાલુ છે. અહીં દેખાડાને જ જરૂરી માની લેવાય છે. રિયાલિટી હોવી જરૂરી નથી, દેખાડો જરૂરી છે – તેવી જ રીતે ગ્રીન હોવું જરૂરી નથી, ગ્રીનનો દેખાડો જરૂરી છે. આ એક ભયજનક વલણ સ્થાપત્યમાં પ્રવર્તમાન થતું જાય છે, અને આ પરિસ્થિતિ સમગ્ર વિશ્ર્વની છે.
જાગ્રતતા એ એક જ ઉકેલ છે. ગ્રાહક જ્યારે વ્યવસ્થિત માગણી કરતો થાય ત્યારે બજારમાં સારી ગુણવત્તાનો માલ આવે. ગ્રાહકને જ્યારે ખબર હોય કે તેને ચોક્કસ શું જોઈએ છે તો તે પ્રમાણેની તે માગણી કરી શકે અને તેવા માલનું ઉત્પાદન થાય. ગ્રાહક જો મજબૂરીમાં જ રહે તો વેચાણકર્તાને ફાયદો જ છે. એક તો ગ્રાહક સંગઠિત નથી, તેની પહોંચ કરતાં અપેક્ષાઓ વધુ છે અને તેના અગ્રતાક્રમમાં સ્પષ્ટતા નથી. ગ્રાહક ક્યાંક લાચાર દેખાય છે. અહીં ગ્રાહક એટલે એ વ્યક્તિ નહીં કે જે તૈયાર એપાર્ટમેન્ટ ખરીદી લે છે, ગ્રાહક એટલે જે સ્થપતિની સેવાઓ લે છે. જો તે જાગૃત થાય, અને સ્થપતિ પાસે જવાબદેહીપણું માગે તો સ્થપતિએ તે પ્રમાણેની વ્યવસાયિક સેવાઓ આપવી પડે.
એક વ્યક્તિ પણ જો પોતાના હક માટે જાગ્રત બને તો પણ તેના લાભ લાંબા ગાળાના બને. બીજા બધા જ ક્ષેત્રમાં વ્યવસાયિકોની જવાબદેહી હોય છે. ગ્રાહક દ્વારા જે માગવામાં આવે છે તે તેમણે પૂરું કરવું પડે, અને તે પૂરું થયું છે કે નહીં તે જાણવાના ધારા-ધોરણ હોય છે. સ્થાપત્યમાં આનો અભાવ છે. સારી રીતે દલીલ કરી શકનાર સ્થપતિ ગ્રીનની વાતો કરી સાવ સુકા મકાનની પહેરામણી કરી દે છે. જોકે ક્યાંક આશાનું કિરણ પણ દેખાય છે. ભારતના કોઈક ખૂણે સ્થાપત્યને સાંદર્ભિક અને જીવંત બનાવવાનો પ્રયત્ન થતો જોવા મળે છે.
બજારનાં પરિબળો પણ ક્યાંક વિચિત્ર થતા જાય છે. બજાર હવે જરૂરિયાત મુજબ નથી ચાલતું, બજારમાં જરૂરિયાતો ઊભી કરાય છે. હવે જીવનમાં જ દંભ આવી ગયો છે. બજાર એમ માને છે કે, જો ગ્રીન નામના લેબલથી માલ વધુ વેચાતો હોય તો એ લેબલ વાપરવામાં શું વાંધો છે.