વીક એન્ડ

અઢ્યાસી વરસના સદાબહાર હીરોનું અંડરરેટેડ રહેલું યોગદાન

ફોકસ -નરેશ શાહ

આપણી વચ્ચેથી એકઝિટ લઈ ગયેલાં ધરમદેવ પિશોરીમલ આનંદ ઉર્ફે દેવઆનંદસાહેબ આજે હયાત હોત તો સોમા વરસમાં પ્રવેશ્યા હોત. તેમના માટે એવરગ્રીન યા સદાબહાર વિશેષ્ાણ વપરાતું રહ્યું છે અને એ સર્વથા યોગ્ય છે કારણકે ૮૮ વરસની ઉંમરે, ર૦૧૧માં, દેવસાહેબે વિદાય લીધી તે વરસે પણ તેમણે પ્રોડ્યુસ અને ડિરેકટ કરેલી ફિલ્મ ચાર્જશીટ થિયેટરમાં રિલીઝ થઈ હતી અને તેમની છેલ્લી ડઝન ફિલ્મો (મ઼િ પ્રાઈમ મિનિસ્ટર, લવ એટ ટાઈમ સ્ક્વેર, જાના ન હમ સે દૂર, સેન્સર, મેં સોલહ બરસ કી, રિટર્ન ઓફ જ્વેલથીફ, ગેંગસ્ટર, સો કરોડ, અવ્વલ નંબર, લશ્કર, સચ્ચે કા બોલબાલા, હમ નૌજવાન) ની જેમ ચાર્જશીટને પણ કોઈએ સિરિયસલી લીધી નહોતી. તાજ્જુબની વાત તો એ છે કે દેવસાબના અવસાનના પાંચ વરસ પછી ર૦૧૬માં કાદર કાશ્મીરીની ફિલ્મ અમન કે ફરિશ્તે રિલીઝ થઈ હતી, તેમાં પણ (અનુપ જલોટાની સાથે) તેમણે એકટિંગ કરી હતી. આમ જુઓ તો ૧૯૪૬ થી દેવસાહેબે હિન્દી ફિલ્મોમાં અભિનય (હમ એક હૈ) કરવાનું શરૂ કરેલું એટલે સ્વયંસ્પષ્ટ છે કે દેવસાહેબની ફિલ્મ કેરિયર સાઈઠ વરસ લાંબી હતી, જે અપનેઆપમાં રેકોર્ડ છે. અમિતાભદાદા હજુ બીજા આઠ વરસ કામ કરતાં રહેશે ત્યારે તેઓ દેવસાબ જેવી પ્રલંબ ફિલ્મી કેરિયર ધરાવતાં ગણાશે અને છતાં –

દેવસાબનો રેકોર્ડ તૂટવાનો નથી કારણકે દેવસાહેબે છેલ્લે સુધી ફિલ્મના હીરો તરીકેનું પાત્ર ભજવ્યું હતું. લોકો તેમને, તેમની નવી ફિલ્મોને ગંભીરતાથી લેતા નહોતા છતાં આ બંદો સતત પોતાની મનમરજી મુજબની ફિલ્મો બનાવતો રહ્યો અને આ વાત જ કદાચ, દેવસાબની જિંદગીમાંથી મળતું સૌથી મોટું મોટિવેશન છે. સાઈઠ વરસની કેરિયરમાં પણ દેવસાહેબે ચાર-ચાર જુવાનિયા કરે એટલું કામ એકલપંડે અથવા તો જાતમહેનતે ર્ક્યું. અભિનેતા તરીકે તેમણે એક્સો અઢાર ફિલ્મો કરી તો રાઈટર તરીકે સોળ ફિલ્મો લખી. ઓગણીસ ફિલ્મો ડિરેકટ કરી. (પ્રથમ ડિરેકટ કરેલી ફિલ્મ પ્રેમપૂજારી ૧૯૭૦માં રિલીઝ થઈ હતી. છેલ્લી ર૦૧૧માં) એક્તાલીસ વરસ સુધી ડિરેકશન (વત્તા એકટિંગ) કરનારા દેવસાહેબે ત્રણ ફિલ્મોમાં – પ્યાર મહૌબ્બત (૧૯૬૬), મહલ (૧૯૭૦), મિસ્ટર પ્રાઈમ મિનિટર (ર૦૦પ) – ગીત પણ ગાયાનું આઈએમડીબી કહે છે. તેમણે બનાવેલાં નવકેતન ફિલ્મ્સના બેનર હેઠળ તેમણે છત્રીસ ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી અને ટીના મુનિમ, ઝિન્નત અમાન જેવી અભિનેત્રીઓ હિન્દી સિનેમાને આપી. બાય ધી વે, જેકી શ્રોફની ઓફિશ્યિલી પ્રથમ ફિલ્મ પણ દેવસાબની જ સ્વામીદાદા જ છે. …પણ દેવસાબ તરફથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને જે અનમોલ ભેટ મળી, તેના તરફ બહુ ઓછાં લોકોનું ધ્યાન ગયું છે. ધ્યાન ગયું છે તો તેને નેપોટિઝમ ગણી લેવાયું છે, પરંતુ હિન્દી સિનેમાને અનેક કલાસિક તેમજ લાજવાબ ફિલ્મો આપનારા વિજય આનંદ પણ દેવસાબની બદલૌત હિન્દી ફિલ્મોને મળ્યા છે. વિજય આનંદનો કાંકરો આપણે દેવસાબના નાના ભાઈ તરીકે કાઢી ન શકીએ કારણકે નાનો ભાઈ જિનિયસ છે, તેનો સૌથી પહેલાં અહેસાસ તેમને જ થયો હતો. વિજય આનંદ દેવઆનંદથી અગિયાર વરસ નાના. દેવઆનંદથી બે વરસ મોટા ચેતન આનંદે (રાજેશ ખન્નાની પ્રથમ ફિલ્મ આખરી ખત ઉપરાંત હકીકત, હસતે ઝખ્મ, હીર રાંઝા) વીસ ફિલ્મો ડિરેકટ કરી તેમાં નવકેતન ફિલ્મ્સની શરૂઆતની ફિલ્મોના તેઓ ડિરેકટર રહેતા. દેવસાહેબે વિજય આનંદે લખેલી નૌ દો ગ્યારહ ફિલ્મથી તેમને ચાન્સ આપ્યો ત્યારે નાના ભાઈની ઉંમર માત્ર ર૩ વરસની હતી અને પછી તો દેવઆનંદ, વિજય આનંદ અને નવકેતન ફિલ્મ્સની તિકડીએ તહેલકો મચાવી દીધો હતો. દેવઆનંદની આંતરરાષ્ટ્રીય ઓળખ બની ગયેલી ગાઈડ (હિન્દી વર્ઝન, અંગે્રજી તો સંપૂર્ણ નિષ્ફળ ગયેલી) ફિલ્મના ડિરેકટર લઘુબંધુ વિજય આનંદ હતા. તેમણે જીદ કરીને (અંગે્રજી કરતાં) હિન્દી ગાઈડમાં ફેરફાર કરેલા અને એ ગાઈડ દેવસાબ માટે – સો સુનાર કી, એક લુહાર કી – જેવી સાબિત થઈ. દેવઆનંદ-વિજય આનંદની બંધુ બેલડીએ ૧૯ વરસ (બંનેની છેલ્લી સહિયારી ફિલ્મ ‘બુલેટ’ ૧૯૭૬માં આવી હતી) સાથે કામ ર્ક્યું પણ એ દરમિયાન બન્નેએ એવી એવી ફિલ્મો આપી, જેણે દેવઆનંદને વધુ સફળ અને સ્વીકાર્ય બનાવી દીધા. લિસ્ટ જોઈ લો : નૌ દો ગ્યારહ ઉપરાંત કાલા બાઝાર, તેરે ઘર કે સામને, ગાઈડ, જ્વેલથીફ, જોની મેરા નામ, તેરે મેરે સપને, છૂપા રૂસ્તમ અને બુલેટ. ‘બુલેટ’ ફિલ્મ પછી બન્નેએ સાથે કામ ન ર્ક્યું અને તેનાં પારિવારિક કારણો હતાં. એ પછી નવકેતન ફિલ્મ્સના બેનર હેઠળ દેવસાહેબે જ ફિલ્મો બનાવી. એ ય હકીકત છે કે એકટર તરીકે ઓગણીસ અને ડિરેકટર તરીકે સત્તર ફિલ્મ બનાવનારા વિજય આનંદ પણ દેવસાહેબ વગર મહત્ત્વનું કંઈ ઉકાળી શક્યા નહોતા. ડિરેકટર-એકટર તરીકે દેવસાહેબની ‘લૂંટમાર’ અને ‘મનપસંદ’ (૧૯૮૦) ફિલ્મ સુધી જ તેમનો ક્રેઝ બરકરાર રહ્યો. ‘મનપસંદ’ ફિલ્મ વખતે તેમની ઉંમર સડસઠ વરસની હતી. એ પછી તેમને સૂઝ્યું કે હવે દીકરા સુનૈલ આનંદને લોન્ચ કરવો જોઈએ એટલે ‘આનંદ ઔર આનંદ’ (૧૯૮૪ માં) ફિલ્મ બનાવી, ત્યારે તેઓ બોંતેર વરસના સદાબહાર યુવાન હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે