વીક એન્ડ

અનોખી રીતે ધાર મારતા જીવ: ધોળ

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

પેલો તો સાવ કૂતરા જેવો છે, કે કૂતરા જેવી છે… આ વાક્ય બાળપણથી અનેક વ્યક્તિઓના સંદર્ભે આપણા કાને પડ્યું હોય છે, પરંતુ આપણું સદ્દનસીબ છે કે લોકો આપણા માટે પણ આવી વાતો પીઠ પાછળ જ કરતા હોય છે, પરંતુ જો કોઈ આપણને મોઢામોઢ એવું કહી દે તો કેટલું ખરાબ લાગે? માનવ અને શ્ર્વાનની કહાની સૈકાઓથી પરસ્પર જોડાયેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે આપણે જે પ્રાણીને કૂતરા તરીકે ઓળખીએ છીએ તે શિકારી પ્રાણી વરુમાંથી ઊતરી આવેલી અને માનવ સમાજમાં ભળી ગયેલી જાતિ છે. આજે વિશ્ર્વના તમામ દેશોમાં પાળતું શ્ર્વાન પ્રેમીઓની એક મોટી જમાત છે, અને એટલી જ મોટી જમાત જીવદયાપ્રેમીઓની છે, જેઓ શ્ર્વાનના ‘કૂતરત્વ’ માટે બાકીના સમાજ સામે બાંયો ચડાવે છે. જીવદયા અને વન્યજીવન બે અલગ વસ્તુ છે. શ્ર્વાન પર અત્યાચારના નામે થતી કાગારોળ વચ્ચે તાજેતરમાં આવેલા આઘાતજનક સમાચાર આપણને વિચારતા કરી મૂકે તેવા છે. અમદાવાદના એક અરબોપતિ શેરીના શ્ર્વાનના હુમલાના કારણે મૃત્યુ પામ્યા. આવું નુકસાન રખડું શ્ર્વાનો દ્વારા પર્યાવરણને પણ થઈ રહ્યું છે, પણ આજનો આપણો વિષય શ્ર્વાનને સાચા કે ખોટા ઠેરવાવનો નથી કે નથી જીવદયાપ્રેમીઓની સામે પર્યાવરણપ્રેમીઓને સાચા ઠેરવવાનો.

આજે આપણે શ્ર્વાનની એક જાતિનો પરિચય મેળવવાનો છે. વિશ્ર્વમાં બિલાડી, શ્ર્વાન, ગધેડા અને ઘોડાના બે પ્રકાર એટલે કે ફાંટા જોવા મળે છે. એક તો સામાજિક બની ગયેલા પાળતું બિલાડી, શ્ર્વાન, ગધેડા અને ઘોડા અને બીજા જંગલી બિલાડી, શ્ર્વાન, ગધેડા અને ઘોડા! હા, જે પ્રાણીઓ પોતાની ઈચ્છાથી અથવા અનિચ્છાએ પણ માનવ સાથે સહજીવનના આદિ બન્યા તે સર્વે પાળતું બન્યા, અને એ જ જાતિઓ જે માનવ સમાજ સાથે ન ભળી અને જંગલમાં જ રહી તેઓ આજે પણ વન્યપ્રાણી બની રહ્યા છે. જંગલી ઘોડા ભારતમાં નથી, પરંતુ વિશ્ર્વમાં અન્યત્ર છે, જંગલી બિલાડીઓની અનેક જાતો પ્રવર્તમાન છે, જંગલી ગધેડો પણ ગુજરાતમાં છે જેને આપણે ઘૂડખર તરીકે ઓળખીએ છીએ. તો પછી શ્ર્વાન તો વરુમાંથી બન્યા છે તો એ જંગલી ક્યાંથી થયા? હા છે, જંગલી શ્ર્વાન પણ છે જેને પ્રકૃતિપ્રેમીઓ વાઈલ્ડ ડોગના નામે ઓળખે છે. તો ચાલો આજે આપણે ભારતના જંગલી શ્ર્વાન ઉર્ફ વાઈલ્ડ ડોગ્સ ઉર્ફ ‘ધોળ’નો પરિચય કેળવીએ.

વિશ્ર્વમાં વાઈલ્ડ ડોગ્સ એટલે કે જંગલી શ્ર્વાનોમાં લગભગ ૩૫ જેટલી જાતિઓ છે, જેમાં વરુ અને જુદી જુદી લોંકડીઓ અને શિયાળવાઓનો પણ સમાવેશ થાય છે. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે વાઈલ્ડ ડોગ્સનું કુળ ‘કેનાઈડા’ છે, પરંતુ આપણે ઓળખીએ છીએ તે શ્ર્વાનની સાથે સીધી જ જોડી શકાય આને શ્ર્વાનની સાવ નજીકની કહી શકાય તેવી કુલ ત્રણેક જાતિઓ છે જેમાં ઓસ્ટ્રેલિયન ડીંગો, આફ્રિકન વાઈલ્ડ ડોગ અને ભારતીય ધોળ. મજાની વાત એ છે કે આપણે સૌ ભારતીયો ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન જંગલી શ્ર્વાનો વિશે જાણી છીએ, પરંતુ ભારતના જંગલી શ્ર્વાનો વિશે ખાસ જ્ઞાન ધરાવતા નથી. જેમની પાસે આ જ્ઞાન છે તેની પાછળ પણ કોઈ ને કોઈ કારણ જરૂર હશે.

ઈન્ડિયન વાઈલ્ડ ડોંગનું પ્રચલિત નામ છે ‘ધોળ’. સદીઓનો ઈતિહાસ જોઈએ તો સૈકાઓ પૂર્વે આપણા ધોળ એટલે કે વાઈલ્ડ ડોગ્સની જાતિ સમગ્ર એશિયા ખંડ, ઉત્તર અમેરિકા અને યુરોપમાં જોવા મળતી હતી, પરંતુ આ શિકારી પ્રાણીઓ માનવના પાલતું પ્રાણીઓનો પણ શિકાર કરતી હોવાથી પોતાને આ પૃથ્વીના મહાનાયક માનતા માનવ નામના જાનવરે અન્ય પ્રાણીઓની સાથે સાથે ધોળનો પણ એટલો શિકાર કર્યો કે હવે ધોળ માત્ર ભારતમાં જ બચ્યા છે! હા જસ્ટ ઈમેજીન, એક પ્રાણીનો એટલી હદે સફાયો કર્યો આપણે કે અમેરિકા, યુરોપ અને સમગ્ર એશિયામાં પણ માત્ર ભારતમાં જ બચ્યા છે. હવે કલ્પના કરો કે ભારતમાં પણ તેની સંખ્યા કેટલી હશે? આટલા મોટા ભારતમાં પચાસ હજાર, ચાલીસ હજાર, અરે… ઓછામાં ઓછા ત્રીસેક હજાર તો હશે જ ને? યુ આર રોંગ ડયૂડ… અનેક રાષ્ટ્રો સમાઈ જાય એવા આપણા ભારતમાં કુલ મળીને લગભગ ૪૦૦૦થી લઈને મહત્તમ ૧૦,૦૦૦ ‘ધોળ’ બચ્યા છે. અને ધોળની છેલ્લી વસતી ગણતરી મુજબ આ તમામ વસતીમાં પુખ્ત ધોળની સંખ્યા તો માત્ર ૨,૨૦૦ જેટલી જ છે!

આપણા ધોળભાઈ આમ તો અન્ય શ્ર્વાનની માફક ટોળાના જીવ છે. તેઓ લગભગ દસથી બારની ટોળીમાં રહે છે, એકલ દોકલ પણ શિકાર કરે છે. શિકારી પ્રાણીઓના સમૂહમાં એક આલ્ફા મેલ હોય છે, પરંતુ અન્ય શિકારી પ્રાણીઓની માફક ધોળમાં આલ્ફા મેલ બનવા માટે આંતરિક સંઘર્ષ જોવા મળતો નથી. હવે જોઈએ તેની શિકાર કરવાની રીત. અન્ય વાઈલ્ડ ડોગની માફક ભારતીય ધોળ પણ ટોળામાં યોજના બનાવીને શિકારને લાંબા અંતર સુધી દોડાવી, થકાવી દઈને બાદમાં તેનો સામૂહિક શિકાર કરે છે. ધોળ કલાકના ૪૫ કિલોમીટરની એકધારી ઝડપે કેટલાય કિલોમીટર્સ દોડી શકે છે. પ્રકૃતિમાં ધોળનું આયુષ્ય લગભગ આઠેક વર્ષ અને કેદમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં તેઓ દસથી બાર વર્ષ જીવે છે. ધોળ એક વર્ષની ઉંમરે જાતીય રીતે પુખ્તતા ધારણ કરે છે અને લગભગ બે થી ત્રણ વર્ષની ઉંમરે માતા-પિતા બની જતાં હોય છે.

માદા ધોળ ગર્ભવતી થયા બાદ સાઈઠ દિવસ એટલે કે બે મહિનાના ગર્ભાધાન બાદ પાંચથી દસ બચોળિયાઓને જન્મ આપે છે. બચ્ચાં પોતાના જન્મ બાદ પહેલા બે મહિના માના દૂધ પર નિર્ભર હોય છે અને ત્યાર બાદ પોતાના ટોળાએ કરેલા શિકારમાંથી માંસ ખાવાનું ચાલુ કરી દે છે. મજાની વાત એ છે કે, સંયુક્ત કુટુંબની સાચી વિભાવના મુજબ માતા પોતાના જ બચ્ચાંને ધવડાવે કે ખવાડાવે એવી સ્વાર્થી વૃત્તિથી ઉપર ઊઠીને ધોળનું આખું જૂથ બચ્ચાઓના લાલન પાલનની જિમ્મેદારી ઉઠાવે છે!

ધોળના જૂથ બે નંગથી લઈને ત્રીસેક નંગનું બનેલું હોય છે. હવે એમની સામાજિક વ્યવસ્થા પણ જોઈ લઈએ. ધોળના બચ્ચાં મોટા થાય ત્યારે તેમને જૂથથી છૂટાં પડીને પોતાનું જૂથ ઊભું કરવાની અથવા અન્ય નાના એવા જૂથમાં જોડાઈ જવાની અથવા તો પોતાના જ જુથમાં રહીને શિકાર-કળા શીખવાની સ્વતંત્રતા હોય છે. આપણે માની લઈએ કે આ ધોળના જુથ નાના મોટા શિકાર કરી ખાતા હશે, પણ જી ના, એવા બનાવો પણ નોંધાયા છે કે ધોળના જૂથે સાથે મળીને ‘વાઘ’નો શિકાર પણ કર્યો છે. હવે વાત કરીએ આપણા ધોળની અત્યંત વિચિત્ર આદતની. શ્ર્વાન કહ્યું એટલે એક આદત કોમન જ હોય… સમજ ગયેના બીડું? શ્ર્વાન હોય એટલે એક ટાંટિયો ઊંચો કર્યા વગર ચાલે? તમામ કૂતરાઓની જેમ આપણા ધોળભાઈ પણ પોતાની ટેરિટરી માર્ક કરવા ટાંટિયો ઊંચો કરે જ છે, પરંતુ એની અદા કઈંક અનોખી અને વિચિત્ર છે. પોતાની ટેરિટરી માર્ક કરવા ધોળ જ્યારે પેશાબ કરે છે ત્યારે માત્ર એક ટાંટિયો ઊંચો કરીને ધાર મારવાને બદલે, પોતાના આગળના બંને પગ પર સંતુલન બનાવીને પાછળના બંને પગ ઊંચા કરીને ‘ધાર મારે છે!’ આ તો કેવી અજબ જેવી વાત છ… ચાલો ફીર મિલતે હૈ નેક્સ્ટ હપ્તે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button