ગુજરાતમાં નકલીનો સિલસિલો યથાવત! અમદાવાદમાંથી વધુ 2 બોગસ અધિકારી ઝડપાયા

અમદાવાદઃ ગુજરાતમાં નકલી નકલીની ભરમાર વધી રહી છે. નકલી પોલીસ, નકલી આઈપીએસ, નકલી સરકારી કચેરી, નકલી જજ, નકલી કોર્ટ, નકલી વસ્તુઓ અને હવે ફરી બે નવા નકલી અધિકારી (Fake Officer) ઝડપાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આરોપીઓ અમદાવાદ ગ્રામ્પ એસપી કચેરી (Ahmedabad Rural SP office)માં અધિકારી બનીને તપાસ કરવા માટે પહોંચ્યાં હતા. અધિકારી બનીને આવેલા બન્ને વ્યક્તિ પર પોલીસને શંકા ગઈ હતી. જેથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેથી પોલીસે તે બન્ને વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી.
પોલીસને શંકા જતા પૂછપરછ કરી તો ભાંડો ફૂટ્યો
વિગતે વાત કરવામાં આવે તો, આ બન્ને વ્યક્તિ પાસે જે આઈડી કાર્ડ હતા તેમાં આરોપીઓએ ભારત સરકારના MSME મંત્રાલયમાં જોઈન્ટ ડિરેક્ટર, નેશનલ ડિરેક્ટર, વાઇસ પ્રેસિડેન્ટ નામની પોસ્ટનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આરોપીઓએ અશોક સ્તંભ અને રાષ્ટ્રીય ચિહ્નોનો ખોટો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળતા તે નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જેથી આ સમગ્ર કેસમાં સરખેજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેન્દ્ર સરકારમાં કામ કરતા હોવાની આઈડી કાર્ડ બનાવી દીધા!
આરોપીઓ અમદાવાદના સરખેજમાં નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કમિશન નામની સંસ્થાના નકલી અધિકારીઓ બનીને તપાસ કરવા માટે એસપી કચેરીએ પહોંચ્યાં હતાં. પરંતુ તેમની પાસે રહેલા આધાર પૂરાવા તપાસ કરવામાં આવ્યાં ત્યારે સમગ્ર વાતનો પર્દાફાશ થયો હતો. મહત્વની વાત એ છે કે, જો આવા લોકો નકલી અધિકારી બનીને પોલીસ સ્ટેશનમાં પણ પહોંચી જાય છે તો સામાન્ય લોકોનું શું થશે? આ બાબતે રાજ્ય સરકાર સતર્ક થવાની જરૂરી છે. આરોપીઓએ ભારત સરકારના MSME મંત્રાલયમાં કામ કરતા હોવાના આઈડી કાર્ડ બનાવી દીધા હતા. જેથી અત્યારે ક્યાં અધિકારી પર વિશ્વાસ કરવો તે પણ એક પ્રશ્ન બની ગયો છે.
આપણ વાંચો: સેવ અર્થ મિશનને 2040 સુધીમાં 3000 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો, તળાજાથી કરી શરૂઆત