એકસ્ટ્રા અફેર: મસ્કનો ટ્રમ્પ સામે ખુલ્લો મોરચો, દોસ્ત દોસ્ત ના રહા…

- ભરત ભારદ્વાજ
રાજકારણ અને સત્તા ગાઢ સાથીઓને પણ એકબીજાના દુશ્મન બનાવી દે છે. ભારતમાં તો આપણે એવા સંખ્યાબંધ કિસ્સા જોયા છે પણ દુનિયાના બીજા દેશોમાં પણ એવું થાય જ છે કેમ કે માણસો બધે લગભગ સરખા જ હોય છે. અમેરિકામાં અત્યારે એવું જ થઈ રહ્યું છે અને હજુ મહિના પહેલાં જ ગાઢ સાથી મનાતા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એવા એલન મસ્ક સામસામે આવી ગયા છે. ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા પછી વાઈટ હાઉસમાં રહેવા જતા રહેલા. મસ્કે ગયા મહિને વાઈટ હાઉસ છોડીને ટ્રમ્પથી છેડો ફાડેલો અને હવે ખુલ્લેઆમ ટ્રમ્પની સામે આવી ગયા છે.
ટેસ્લાના માલિક એવા એલન મસ્કે ડોનલ્ડ ટ્રમ્પના નવા ફંડિંગ બિલની આકરી ઝાટકણી કાઢીને તેને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘૃણાસ્પદ અને શરમજનક ગણાવ્યું છે. મસ્કે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, વન બિગ બ્યૂટીફુલ બિલ એક્ટ બિલ એકદમ હાસ્યાસ્પદ છે અને તેમાં નકામા ખર્ચા સિવાય બીજું કંઈ નથી. યુએસ કૉંગ્રેસ એટલે કે સંસદ અમેરિકાને કંગાળ બનાવી રહી છે કેમ કે આ બિલથી યુએસની બજેટ ખાધમાં 2.5 ટ્રિલ્યન ડૉલર સુધીનો વધારો થશે.
અમેરિકામાં કૉંગ્રેસ એટલે કે સંસદનાં યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ એમ બે ગૃહ છે. યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની કુલ 435 બેઠકો છે જ્યારે સેનેટની 100 બેઠકો છે. અમેરિકામાં પ્રમુખની ચૂંટણી ચાર વરસે થાય છે પણ કૉંગ્રેસ એટલે કે સંસદનાં બંને ગૃહો માટે બે વર્ષે ચૂંટણી થાય છે. એક ચૂંટણી પ્રમુખની ચૂંટણીની સાથે અને બીજી પ્રમુખપદની ચૂંટણીના બે વર્ષ પછી મધ્યસત્ર ચૂંટણી થાય છે.
આ ચૂંટણીઓમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના તમામ 435 સભ્યો જ્યારે સેનેટના ત્રીજા ભાગના એટલે કે 33 સભ્યોની ચૂંટણી થાય છે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન 2026ની મધ્યસત્ર ચૂંટણી 3 નવેમ્બર, 2026 ના રોજ યોજાવાની છે. મસ્કે આ ચૂંટણીમાં હાલના સાંસદોમાંથી ટ્રમ્પને ટેકો આપનારા સાંસદોને ઘરભેગા કરવાનો હુંકાર કર્યો છે.
મસ્કના આક્રમક વલણે સૌને આંચકો આપી દીધો છે કેમ કે મસ્કે સીધી ટ્રમ્પ સામે જ તલવાર તાણી દીધી છે. મસ્કે ગયા મહિને ટ્રમ્પ સરકારને છોડી દીધી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ડિઓજીઈ)માં સલાહકાર મસ્કે ટ્રમ્પના નવા બિલ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને બિલ રજૂ થાય તેના એક દિવસ પહેલાં જ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. એ વખતે મસ્કે સીબીએસ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ડિઓજીઈ)ની સ્થાપના સરકારી ખર્ચ ઘટાડવા કરાઈ છે અને વન બિગ બ્યૂટીફુલ બિલ તેની વિરુદ્ધ છે કેમ કે તેમાં ખર્ચ વધારવાની વાત છે.
મસ્કે પોતાનો વાંધો જાહેરમાં મૂકીને રાજીનામું ધરેલું તેથી તેમના વલણની સૌને ખબર હતી પણ મસ્ક આવું આક્રમક રિએક્શન આપશે તેની કોઈને કલ્પના નહોતી. હવે તો મસ્ક સીધા જંગની જ વાત કરી રહ્યા છે અને ટ્રમ્પના સાથીઓને હરાવીને ઘરભેગા કરવાનો હુંકાર કરી રહ્યા છે. મસ્ક બિઝનેસમેન છે તેથી ટ્રમ્પ સાથે મતભેદ પછી પણ એ ફૂંકી ફૂંકીને આગળ વધશે ને સંબંધો નહીં બગાડે એવું સૌને લાગતું હતું પણ મસ્કે સીધો મોરચો જ માંડી દીધો છે.
મસ્કના હુંકાર પરથી લાગે છે કે, મસ્કે ટ્રમ્પને ભલે છોડ્યા પણ રાજકારણ છોડવાની તેમની ઈચ્છા નથી. 2026માં મધ્યસત્ર ચૂંટણીને હજુ સવા વરસની વાર છે પણ મસ્કે અત્યારથી 2026ની ચૂંટણીમાં ટ્રમ્પના બિલને સાથ આપનારાને હરાવવાની વાત કરી નાખી છે એ જોતાં મસ્કે તેના માટે અત્યારથી મથવું પડે. મતલબ કે, રાજકીય સક્રિયતા બતાવવી પડે. અમેરિકામાં એકાદ વર્ષ પહેલાંથી ચૂંટણીનો માહોલ જામી જતો હોય છે એ જોતાં મસ્ક પણ બે-ત્રણ મહિનામાં સક્રિય થઈ જશે.
મસ્ક રાજકારણીઓની જેમ કદાચ જાહેર સભાઓ ના કરે પણ પોતાના પાવરફુલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સનો રાજકીય ફાયદા માટે ઉપયોગ કરીને એ સક્રિય રહી શકે. અમેરિકામાં ચૂંટણીના ઉમેદવાર બનવા માટે પણ પોતાના જ પક્ષમાં આંતરિક ચૂંટણી જીતવી પડે છે એ જોતાં મસ્ક ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટી ના છોડે પણ રીપબ્લિકન પાર્ટીમાં જ રહીને ટ્રમ્પને સાથ આપનારાને પછાડવા મથે એ શક્ય છે. જો કે મૂળ મુદ્દે વાત એ જ છે કે, મસ્ક ટ્રમ્પની સામે પડવાની તૈયારીમાં છે.
મસ્કને ટ્રમ્પના વન બિગ બ્યૂટીફુલ એક્ટ સામે શું વાંધો છે એ પણ સમજવાની જરૂર છે. ટ્રમ્પે 2017માં પોતાના પહેલા કાર્યકાળ વખતે ટેક્સ કટ બિલ પસાર કરાવીને વ્યક્તિગત અને કંપનીઓ પરના ઈન્કમ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. આ બિલની મુદત આ વર્ષે પૂરી થાય છે. વન બિગ બ્યૂટીફુલ બિલ એક્ટ ટ્રમ્પના 2017ના ટેક્સ કટ બિલને લંબાવે છે.
આ બિલ દ્વારા ટ્રમ્પ લશ્કર અને સીમા સુરક્ષા પરના ખર્ચમાં લગભગ 150 અબજ ડોલરનો વધારો કરશે જ્યારે સામાન્ય નાગરિકોને પૂરી પાડવામાં આવતી આરોગ્ય સેવાઓ, ખાદ્ય-પોષણ સહાય અને અન્ય યોજનાઓના ખર્ચમાં કાપ મૂકાશે જ્યારે ઓવરટાઇમ અને સોશિયલ સિકયુરિટી ઈન્કમ પર ટેક્સ ઘટશે.
આપણ વાંચો: એકસ્ટ્રા અફેર: ‘ઑપરેશન સિંદૂર’ મુદ્દે રાજકારણ બંધ થવું જોઈએ
ટ્રમ્પનો દાવો છે કે, વાર્ષિક 30 હજારથી 80 હજાર ડૉલર કમાતા લોકોએ આવતા વર્ષે 15 ટકા ઓછો ટેક્સ ચૂકવવો પડશે તેથી સામાન્ય લોકોને ફાયદો થશે. જો કે સરકારી ડેટા પ્રમાણે જ આ બિલમાં આર્મી અને સરહદી સુરક્ષા પરના વધતા ખર્ચનાં કારણે આગામી 10 વર્ષમાં અમેરિકાના દેવામાં લગભગ 3.8 ટ્રિલ્યન ડૉલરનો વધારો થશે. હાલમાં અમેરિકા પર કુલ 36.2 ટ્રિલ્યન ડૉલરનું દેવું છે એ 10 વર્ષમાં વધીને 40 ટ્રિલ્યન થઈ જશે. મસ્ક દર વર્ષે સરકારી ખર્ચમાં 2 ટ્રિલ્યનનો ઘટાડો કરીને ધીરે ધીરે અમેરિકાનું દેવું ઝીરો કરી દેવાની વાત કરતો હતો ત્યારે ટ્રમ્પ દેવું વધારે એવું બિલ લઈ આવ્યા તેથી મસ્કનો વાંધો વાજબી છે.
મસ્કની યોજના શું છે એ ખબર નથી પણ ટ્રમ્પને બહુ ફરક પડતો નથી. અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ બે ટર્મ માટે જ પ્રેસિડેન્ટ બની શકે છે ને ટ્રમ્પની આ બીજી ટર્મ છે તેથી તેણે ફરી ચૂંટણી લડવાની નથી. આ સંજોગોમાં મસ્ક ગમે તેટલા ઉધામા કરે, ટ્રમ્પનું કશું બગાડી નહીં શકે.