લાડકી

જાત સાથે જીવવાનો અનેરો આનંદ

  • નીલા સંઘવી

આખી જિંદગી સંસારની જવાબદારી વેંઢારીને જીવન સંધ્યાએ ઊભેલા માણસને શાંતિ ગમે છે. આખી જિંદગી તો હાયવોય કરી હોય, કામધંધો કરે, સ્ત્રી હોય તો ઘર – પરિવાર – બાળકોની સંભાળ રાખે પછી જીવન સંધ્યાના પડાવે માણસને શાંતિ જોઈએ, પોતાની જાત સાથે રહેવું ગમે. બહુબધી દોડાદોડ કે ધમાલ ન ગમે. આવી જ કંઈક પ્રતીતિ માલતીબહેનને પણ થોડા સમયથી થતી હતી.

78 વર્ષીય માલતીબહેનને ચાર દીકરી.. પતિ કામધંધો કરવામાં ઢીલા. ઘણાં વર્ષો તો સમાજ શું કહેશે એના ડરથી માલતીબહેને સમય પસાર કર્યો. ચાર દીકરી થઈ પછી માલતીબહેને આકરો નિર્ણય લીધો. પોતાની દીકરીઓને લઈને છૂટા પડી ગયાં. એકલે હાથે છોકરીઓને ઉછેરી, ભણાવી. ચારે ચાર દીકરીએ ઉચ્ચ શિક્ષણ લીધું. માલતીબહેનના માથે મોટી જવાબદારી. ઘણી ચિંતા, ઘણો સંઘર્ષ એમના જીવનમાં હતો. પ્રોપર્ટી ડિલિંગનો બિઝનેસ કરીને માલતીબહેને ગુજરાન ચલાવ્યું. ચાર યુવાન દીકરીને ભણાવવાની, સંભાળવાની જવાબદારી સિંગલ પેરેન્ટે સંભાળવી કેટલી મુશ્કેલ હોય તે તો જેને માથે વીતી હોય તે જ જાણે.

માલતીબહેને મહેનત કરીને દીકરીઓને ભણાવી અને પછી સારું ઘર અને સારા વર જોઈને પરણાવી દીધી. આમ કરતા કરતા માલતીબહેનની ઉંમર થતી ગઈ. દીકરીઓનાં બાળક થયાં. જરૂર પડયે એમની સંભાળ પણ એ લેતાં. માલતીબહેનનો બધા સાથે સંબંધ સારો. સાસરિયાં સાથે પણ સ્નેહભર્યા સંબંધ સાચવ્યો.

સિંગલ હોવાને કારણે કેટલાંયે લોકોની વાતો, મહેણાંટોણાં સાંભળવા પડે. આ બધાંથી માલતીબહેન થાકી ગયાં હતાં. થોડા સમયથી માલતીબહેનને મનમાં થતું હતું કે ક્યાંક દૂર રહેવા ચાલી જાઉં. બધાંથી દૂર જાઉં અને જાત સાથે જીવું. મુંબઈના ઘરમાં એકલા તો હતાં, પણ ત્યાં એકાંત ન હતું. માલતીબહેનને એકાંત જોઈતું હતું. ક્યાં જવું? વળી મુંબઈની ભેજવાળી હવા માલતીબહેનને માફક આવતી ન હતી. ભેજવાળા હવામાનને કારણે શરદી – તાવની સમસ્યા રહેતી હતી. આ બે કારણોસર મુંબઈ છોડવાનો નિર્ણય માલતીબહેને લીધો. પોતાના નિણય વિષે દીકરી – જમાઈઓ સાથે ચર્ચા કર્યાં પછી મુંબઈથી નજીકના હીલ સ્ટેશન લોનાવલામાં વસવાટ કરવાનો નિર્ણય એમણે લીધો.

થોડી શોધખોળ પછી ત્રણ બેડરૂમનો એક સરસ બંગલો ભાડે મળી ગયો. બંગલાને અપટુડેટ કર્યા પછી માલતીબહેન લોનાવલા રહેવા ગયાં.

માલતીબહેન આ મોટા બંગલામાં એકલાં રહે છે, પણ મોજથી રહે છે. ઘેર કામ કરવા એક બાઈ અને એક બાઈ રસોઈ કરવા. લેન્ડલોર્ડનો માળી જ બગીચામાં ફૂલછોડને પાણી પાઈ જાય છે અને જરૂરી કામ કરી જાય છે.

માલતીબહેન પોતાના દિવસથી શરૂઆત શાંતિમાં પ્રવેશીને કરે છે. આપણને સવાલ થાય કે શાંતિમાં પ્રવેશીને એટલે શું? મેડિટેશન? ધ્યાન?

આજ સવાલ મેં માલતીબહેનને પૂછ્યો. જવાબમાં એ કહે :

‘શાંતિમાં પ્રવેશવું એટલે આંખ બંધ કરીને પોતાની અંદર ડોકિયું કરવું હા, આને તમે ધ્યાન પણ કહી શકો. સવારમાં ઊઠીને હું મારું પ્રાત: કર્મ પતાવીને આંખ બંધ કરીને બેસી જાઉં. લોનાવલાની સવાર તો એટલી આલ્હાદક હોય કે ન પૂછો વાત.
પક્ષીઓનો કલરવ હોય, રંગબેરંગી ફૂલ ખીલ્યાં હોય, સૂર્યનારાયણ પોતાનાં કિરણો ધરતી પર પાથરીને પ્રકાશ પ્રસરાવી રહ્યા હોય. એટલું સારું લાગે. ઊઠીને બંગલાના ફળિયામાં રાખેલા ઝૂલા પર બેસીને પગની ઠેસ મારીને ધીમે ધીમે ઝૂલવાની મઝા અનેરી જ છે. શાંતિથી આવી રીતે બેસીને કુદરતનો નઝારો નીરખવાનો સમય આજ સુધી મુંબઈમાં ક્યાં મળ્યો હતો? સવારમાં જ મન આનંદિત થઈ જાય. અહીં શાંતિ જ શાંતિ છે. કોઈ ઉતાવળ નથી. ક્યાંય જવાનું નથી.. મેં અહીં એવું જ નક્કી કર્યું છે કે ગમે તો કરવું, ન ગમે તો કાંઈ નહીં. કોઈ કામ ન થાય તો કાંઈ વાંધો નહીં. આખી જિંદગી બહુ કામ કર્યું છે. કુદરતને ખોળે તરબતર થયા પછી શાંતિમાં સરી જાઉં. આ શાંતિના સમયે મને જાત સાથે જીવવાનો અનુભવ થાય છે. ક્યારેક અવનવા અનુભવ થાય છે. ક્યારેક સાવ વિચાર વિહીન અવસ્થામાં પહોંચી જાઉં છું. જીવનમાં આનંદ જ આનંદનો અનુભવ થાય છે. જીવનમાં જે કડવા – ખાટા – મીઠા અનુભવો થયા છે તેને ભૂલવાનો આ પ્રયત્ન છે. બસ, હવે ફકત મારી સારી યાદોને સ્મરણ – સ્મૃતિમાં સાચવી રાખવી છે. સૌને માફ કરી દેવાં છે. કોઈ પ્રત્યે દ્વેષ નથી રાખવાનો. આવી બધી સમજણને સજાગતાથી જીવવાનો પ્રયાસ કરું છું….મુંબઈની ધમાલભરી જિંદગી, પ્રદૂષણ યુક્ત વાતાવરણથી મુક્તિ મળી છે. વળી લોનાવલા મુંબઈથી નજીક હોવાને કારણે દીકરી – જમાઈ – બાળકો વીકઍન્ડમાં આવી શકે છે. ઘણીવાર તો સવારથી લોન્ગ ડ્રાઈવ પર નીકળીને મને મળીને સાંજે પાછા નીકળી જાય છે. એ લોકોને પણ અહીં આવવું બહુ ગમે છે.’

આપણ વાંચો:  ભાભી, તમે થોડાં થોડાં થાવ વરણાગી…

માલતીબહેન આવી રીતે કુદરત સાથે અને પોતાની જાત સાથે સમય વીતાવે, ઘરની સારસંભાળમાં થોડો સમય વીતાવે. એ ઉપરાંત આજુબાજુના બંગલામાં રહેતી મહિલાઓ સાથે તેમણે દોસ્તી કરી છે. તેમાં એક કોઈ રાજકારણ અને સામાજિક ક્ષેત્રે પ્રવૃત્ત છે ક્યારેક એમની પ્રવૃત્તિમાં જોડાય છે.

આજે ઈઠ્ઠોતેર વર્ષની ઉંમરે પોતાનું કામ પોતાની મેળે કરી શકવાની એમની શક્તિ અને એકલા રહેવાની હિંમત બિરદાવવા લાયક છે. પોતાની જાત સાથે જીવતા માલતીબહેન બહુ ખુશખુશાલ છે.

કાશ… આપણે સૌ આવી ખુશખુશાલ જિંદગી જીવી શકીએ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button