સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવો છબરડો: પરીક્ષા આપી હોવા છતાં ૬ વિદ્યાર્થી ‘ગેરહાજર’ દર્શાવાયા, NSUI લાલઘૂમ!

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદોના કેન્દ્રમાં રહેતી હોય છે, ત્યારે વધુ એકવાર યુનિવર્સિટી વિવાદમાં ઘેરાઈ છે. આ વખતે યુનિવર્સિટીએ પરીક્ષામાં હાજર રહેલા છ વિદ્યાર્થીને પરિણામમાં ‘ગેરહાજર’ દર્શાવીને તેમને નાપાસ કર્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા દ્વારા આ છ વિદ્યાર્થીના પુરાવા સાથે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અને કુલપતિ સહિતના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવાયા
આ અંગે એનએસયુઆઈ નેતા અંકિત સોંદરવાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે લેવાયેલી વિવિધ વિષયોની પરીક્ષા આપનારા છાત્રોને પરીક્ષા આપવા છતાં ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે. આશ્ચર્યજનક રીતે પરીક્ષા આપનાર અને ખરેખર હાજર રહેલા છાત્રો સામે આવ્યા છે, અને તેમની હોલ ટિકિટમાં સુપરવાઈઝરની સહી હોવા છતાં તેમને ગેરહાજર બતાવવામાં આવેલા છે. એનએસયુઆઈએ આક્ષેપ આક્ષેપ કરતાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ વારંવાર આવા છબરડા કરે છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સીધી અસર પડી રહી છે. આ બેદરકારીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ રીએસેસમેન્ટ કરાવી રહ્યા હોવા છતાં કોઈ નક્કર પરિણામ આવી રહ્યું નથી.
કુલ છ જેટલા વિદ્યાર્થીઓ આવ્યા સામે
જે છ વિદ્યાર્થીઓની માહિતી પણ રજૂ કરવામાં આવી છે, તેમાં બી.કોમ. સેમેસ્ટર 6ના અભિષેક ચાવડા, બી.એ. સેમેસ્ટર 3ના અસ્મિતા ઢોલરિયા, એમ.એ. સેમેસ્ટર 3ના દેવયાની પરમાર, એમ.એસ.સી. નર્સિંગ બીજા વર્ષના મૈત્રા માધવીબેન, બી.એડ. સેમેસ્ટર 2ના અશોક ચાવડા અને બી.એ. સેમેસ્ટર 1ના જિજ્ઞાસા સરવૈયાનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓએ પોતપોતાની પરીક્ષાઓ આપી હોવા છતાં તેમને ગેરહાજર દર્શાવવામાં આવ્યા હતા.
તપાસ બાદ પરિણામમાં સુધારો કરવામાં આવશે
આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહે જણાવ્યું હતું કે, હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવવા બાબતની રજૂઆત આવી છે અને આ બાબતે તપાસ કર્યા બાદ વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો કરવામાં આવશે. જોકે, વિદ્યાર્થી સંગઠનો અને પીડિત વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીની આ બેદરકારી સામે તાત્કાલિક અને કડક પગલાં ભરવાની માગણી કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવા છબરડાઓનું પુનરાવર્તન ન થાય.
આપણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનોખી પહેલઃ હનીટ્રેપ – ડિજિટલ એરેસ્ટ પર થશે રિસર્ચ