એરપોર્ટ પર ‘ફિલ્મી સ્ટાઈલ’માં મારામારીઃ પાર્કિંગ સ્ટાફ અને ડ્રાઈવર વચ્ચે મારપીટ

મુંબઈઃ અહીંના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગને લઈને સિક્યુરિટી સ્ટાફ અને કેટલાક કેબ ડ્રાઈવરો વચ્ચે થયેલી ઝપાઝપીનો એક વીડિયો સામે આવ્યો છે. એવું કહેવાય છે કે ખાનગી સિક્યુરિટી સ્ટાફ અને ડ્રાઇવર વચ્ચે પાર્કિંગને લઈને જોરદાર વિવાદ થયો હતો.
આ વિવાદે ઝઘડાનું સ્વરૂપ લઇ લીધું અને તેમની વચ્ચે મારામારી થઈ ગઈ. ત્યાર બાદ ફરજ પરના જવાનોએ દરમિયાનગીરી કરીને મામલો શાંત કર્યો હતો. જોકે, પોલીસ વાયરલ વીડિયોના આધારે આ મામલાની તપાસ કરી રહી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એરપોર્ટ પર ઘણી બધી ટેક્સીઓ પાર્ક કરેલી છે. આ દરમિયાન, સિક્યુરિટીના સ્ટાફ અને ઘણા ડ્રાઇવરો વચ્ચે પાર્કિંગને લઈને વિવાદ થયો હતો, જે બાદ સુરક્ષાકર્મીઓ અને ડ્રાઇવરોએ એકબીજાને મારવાનું શરૂ કર્યું. આ મારપીટમાં એક ડ્રાઇવરના કપડાં પણ ફાટી ગયા હતા.
આ પણ વાંચો – મુંબઈમાં રિક્ષા-ટેક્સી ઈ-મીટર રિ-કેલિબ્રેશન: સમયમર્યાદા ચૂકનારાને દૈનિક દંડ
આ ઘટનાને કારણે પાર્કિંગ એરિયા પાસે થોડા સમય માટે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. વાયરલ વીડિયોમાં ઘટનાસ્થળે હાજર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના જવાનને દરમિયાનગીરી કરતા અને ઝઘડો શાંત કરવાના પ્રયાસ કરતા જોઈ શકાય છે. સ્થાનિક પોલીસ હાલમાં વિવાદનું કારણ જાણવા અને સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટે આ મામલાની તપાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાર્કિંગને લઈને ક્રિસ્ટલ સિક્યુરિટી સ્ટાફ અને કેટલાક ડ્રાઇવરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ મામલાની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.