આઇપીએલની નવી ચૅમ્પિયન આરસીબીની ટીમ પહોંચી બેંગલૂરુઃ સાંજે પાંચ વાગ્યે ઓપન-ટૉપ બસ પરેડ

બેંગલૂરુઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ચૅમ્પિયન બનેલી રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ટીમ અમદાવાદમાં ચૅમ્પિયનપદ મેળવ્યા બાદ 12 કલાકની અંદર અહીં બુધવારે બપોરે પહોંચી હતી જ્યાં વિજેતા ખેલાડીઓનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગાર્ડન સિટી તરીકે ઓળખાતા બેંગલૂરુ (BENGALURU)ના ઍરપોર્ટ પર ટીમ આવી પહોંચી કે તરત જ ત્યાં ઊભેલા સેંકડો ચાહકોએ ચીસો અને બૂમો પાડીને તેમને આવકાર્યા હતા.
આ પણ વાંચો – RCB તરફથી રમી રહેલાં ક્રુણાલ પંડ્યાએ ઉઠાવી ટ્રોફી તો Hardik Pandyaએ આપ્યું આવું રિએક્શન…
સાંજે પાંચ વાગ્યે ઓપન-ટૉપ બસ પરેડ (OPEN TOP BUS PARADE) યોજવાની જાહેરાત કરાઈ હતી.
વિમાની મથકે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે રજત પાટીદાર ઍન્ડ કંપનીને વેલકમ કર્યું હતું. ચૅમ્પિયન ખેલાડીઓને જોવા ઍરપોર્ટની આસપાસના રસ્તાઓ પર અસંખ્ય લોકો કતારમાં ઊભા હતા.
મંગળવારે અમદાવાદમાં પંજાબ કિંગ્સને ફાઇનલમાં ફક્ત છ રનના તફાવતથી હરાવીને પહેલી જ વાર ટાઇટલ જીતનાર આરસીબીના ખેલાડીઓની બસ મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાની વિધાન ભવન ખાતેની ઑફિસ સુધી લઈ જવામાં આવી રહી હતી ત્યારે પણ રસ્તાની બન્ને બાજુએ ઊભેલા ક્રિકેટચાહકોએ ખેલાડીઓને ચિયર-અપ કર્યા હતા અને ખેલાડીઓએ પણ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું.
મુખ્ય પ્રધાનની ઑફિસ ખાતેથી આરસીબી ટીમની બસને સીધી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે લઈ જવાનો કાર્યક્રમ હતો. બેંગલૂરુ ટ્રાફિક પોલીસના એક ટવીટ અનુસાર ટ્રાફિક જૅમ થઈ જવાની તેમ જ વરસાદ પડવાની સંભાવનાને કારણે ઓપન-ટૉપ બસ પરેડની યોજના નહોતી, પરંતુ `એક્સ’ પરના આરસીબીના અકાઉન્ટમાં જાહેરાત કરવામાં આવી હતી કે આજે (બુધવારે) સાંજે પાંચ વાગ્યે ઓપન-ટૉપ બસ પરેડ યોજાશે.