નેશનલ

હાથમાં લોહી નીતરતું ચાકુ લઈ સગીર પહોંચ્યો પોલીસ સ્ટેશન ને…

થોડા દિવસો પહેલા મિત્રની હત્યા કરી તેની લાશ કારમાં નાખી અમદાવાદમાં એક યુવાન પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો ત્યારે હવે આવી ઘટના દિલ્હીમાં બની છે. નબી કરીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો એક સગીર છોકરો લોહીથી લથપથ ચાકુ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ડ્યુટી ઓફિસરને કહ્યું, સાહેબ, થોડા સમય પહેલા મેં એક હત્યા કરી છે. સ્તબ્ધ થયેલી પોલીસને તેણે ઘટના સ્થળ પણ જણાવ્યું. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને કેસની તપાસ શરૂ કરી હતી.

નબી કરીમ પોલીસ સ્ટેશન નજીક પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને રાત્રે 1.30 વાગ્યે મુલતાની ધાંડાની ગલીમાંથી લોહીથી લથબથ લાશ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતકનું નામ અમિત છે અને તે ઉત્તર પ્રદેશના દેવરિયાનો રહેવાસી છે. તેની સામે પોલીસ સ્ટેશનમાં પણ અનેક ગુના નોંધાયેલા છે. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા આવેલા સગીરે અમિતની ચાકુના ઘા મારીને હત્યા કરી નાખી હતી.

પોલીસે સગીરના લોહીના ડાઘવાળા કપડાં અને ચાકુ કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યું હતું. આ ગુનામાં સગીર સાથે આકાશ ઉર્ફે કાકુ નામનો યુવક પણ સંડોવાયેલો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે, જે ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક અમિત સામે ઘણા કેસ નોંધાયેલા છે.

તે થોડા દિવસ પહેલા જ હત્યાના પ્રયાસના કેસમાં ઓબ્ઝર્વેશન હોમમાંથી બહાર આવ્યો હતો. પૂછપરછમાં સગીર અને મૃતક અમિત વચ્ચે જૂની અદાવત હોવાનું બહાર આવ્યું હતું. બે દિવસ પહેલા અમિતે સગીરના પૈસા પડાવી લીધા હતા અને તેનું અપમાન પણ કર્યું હતું. ત્યારથી તે બદલો લેવા પર તલપાપડ હતો. ઘટનાની રાત્રે, અમિતને જોતાની સાથે જ સગીરે તેના પર ચાકુ વડે હુમલો કર્યો અને પછી પોલીસ સ્ટેશનમાં આવી સરેન્ડર કરી દીધું. પોલીસે સગીર વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button