નાગૌરી પાન મેથીને GI ટેગ મળવાનો માર્ગ મોકળો થયો, ખેડૂતોમાં આનંદ

ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. દેશના જુદાજુદા વિસ્તારમાં જુદીજુદી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. આવા ઉત્પાદનોને ખાસ ઓળખ મળે તથા તેની ગુણવત્તા અને પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા GI ટેગ આપવામાં આવે છે. GI ટેગ એ જીયોગ્રાફિકલ ઇન્ડિકેશનનું ટૂંકૂં નામ છે. એવી અનેક વસ્તુઓ છે. જેને GI ટેગ આપવામાં આવ્યો છે.
મસાલાઓની વાત કરીએ તો કાશ્મીરી કેસર, નાગા મરચા, કર્બી અંગલોંગ આદું, વાઈગામ હળદર, માલબાર પીપર, હિમાચલ કાલા જીરા સહિતના અનેક મસાલાઓને GI ટેગ આપવામાં આવ્યો છે. આગામી સમયમાં GI ટેગ પ્રાપ્ત કરનારા આ મસાલાઓમાં વધુ એક મસાલાને મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ મસાલાનું નામ છે નાગૌરી પાન મેથી.
ભારત સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય દ્વારા રાજસ્થાનની નાગૌરી પાન મેથીને ભારતીય મસાલા બોર્ડની યાદીમાં સમાવેશ કર્યો છે. રાજસ્થાનના ખેડૂતો ઘણા દિવસોથી નાગૌરી પાન મેથીને ભારતીય મસાલા બોર્ડની યાદીમાં સમાવવાની માંગ કરી રહ્યા હતા. ત્યારે હવે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને કેન્દ્રીય રાજ્યમંત્રીએ ભાગીરથ ચૌધરીએ પોતાની એક પોસ્ટમાં ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી છે.
ભાગીરથ ચૌધરીએ એક પોસ્ટમાં જણાવ્યું કે, નાગૌરી પાન મેથીને ભારત સરકારના મસાલા બોર્ડની યાદીમાં સામેલ કરવામાં આવી છે. જેને લઈને ભારત સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયે ગૈઝેટ નોટિફિકેશ પર જાહેર કરી દીધી છે. નાગૌરના મારા ખેડૂત ભાઈઓને ખુબ ખુબ શુભેચ્છાઓ. હવે અહીં સૂકી મેથી જ નહીં, પરંતુ નાગૌરની વિશ્વ પ્રસિદ્ધ નાગૌરી પાન મેથી મસાલા પાક બની ગઈ છે. કસૂરી નહીં, નાગૌરી પાન મેથી કહો જનાબ.”
નાગૌરના સાંસદ અને રાષ્ટ્રીય જનતાંત્રિક પાર્ટીના નેતા હનુમાન બેનીવાલ પણ કેન્દ્ર સરકાર પાસે આ અંગે માંગ કરી ચૂક્યા છે. જોકે હવે ખેડૂતોની માંગ પૂરી થઈ છે. મસાલા બોર્ડની યાદીમાં સમાવેશ થવાથી હવે નાગૌરી પાન મેથીને સરળતાથી GI ટેગ પણ મળી જશે.
ઉલ્લેખનીય છે કે, GI ટેગ મળ્યા બાદ નાગૌરી પાન મેથીને આંતરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળશે. જેનો તેનું ઉત્પાદન કરતા ખેડૂતોને લાભ મળશે. નાગૌરી પાન મેથીની ખેતી કરતા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. દેશના બજારોની સાથોસાથ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ તેને પ્રાથમિકતા આપવામાં આવશે. જેથી ખેડૂતોને તેનો સારો ભાવ મળશે.
આ પણ વાંચો….રાજ્યમાં કચ્છની એમ્બ્રોડરી, જામનગરી બાંધણી, પાટણના પટોળા સહિત કુલ ૨૮ ઉત્પાદનોને મળ્યો GI ટેગ