આપણું ગુજરાત

કડીમાં નીતિન પટેલનો દબદબો ઘટ્યોઃ લોબિંગ પછી પણ પસંદગીના ઉમેદવારને ન મળી ટિકિટ

કડીઃ ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા હતા. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કડીમાં તેમની પસંદગીના ઉમેદવારને ટિકિટ મળે તે માટે લોબિંગ કર્યું હતું, તેમ છતાં તેમના માનીતાને ટિકિટ ન મળતાં રાજકીય વર્તુળોમાં નીતિન પટેલનો દબદબો ઘટ્યો હોવાની ચર્ચા થઈ રહી છે.

કડી બેઠક પર પેટા ચૂંટણી લડવા માટે ગુજરાતી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયા, ગાયક કલાકાર કાજલ મહેરિયાએ ભાજપ પાસે ટિકિટ માંગી હતી. આ ઉપરાંત 70 દાવેદારોએ બાયોડેટા આપીને ચૂંટણી નીરીક્ષકો સમક્ષ ચૂંટણી લડવા ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, કડીના સ્થાનિક નેતાઓનું કહેવું હતું કે, ઉમેદવાર પસંદગીમાં નીતિન પટેલની મુખ્ય રોલ હશે. આ ઉપરાંત નીતિન પટેલ સહિત તેમના જૂથે માનીતાને ટિકિટ અપાવવા રાજકીય લોબિંગ કર્યુ હતું પણ ગજ વાગ્યો નહોતો.

હાઇ કમાન્ડે જૂના જનસંઘી રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે કડીમાં હવે નીતિન પટેલનો દબદબો ઘટ્યો છે. લોબિંગ કર્યા પછી ય નીતિન પટેલના માદરે વતન કડીમાં કઇં ચાલ્યુ ન હતું. હાઇ કમાન્ડે ખેલ પાડીને નીતિન પટેલ સહિત અન્ય સક્રિય જૂથોની રીતસર બાદબાકી કરી હતી. કડીની પેટા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં ભાજપનું એકેય જૂથનો ગજ વાગ્યો નહોતો. મહત્વનું છેકે, એક સમયે ગુજરાતમાંજેનો પડ્યો બોલ ઝિલાતો હતો તે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો પણ તેમના જ વિસ્તારમાં પનો ટૂંકો પડ્યો હતો.

કડી બેઠકનો ઇતિહાસ

કડી બેઠક વર્ષ 2012માં અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના રમેશ ચાવડા ભાજપના હીતુ કનોડિયાને હરાવી વિજયી બન્યા હતા. વર્ષ 2017માં ભાજપના સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય રમેશ ચાવડાને હરાવ્યા હતા અને વર્ષ 2022માં ભાજપે રિપીટ કરેલ સ્વ. કરશન સોલંકીએ કોંગ્રેસના પ્રવીણ પરમારને હરાવ્યા હતા. વર્ષ 2025ની શરૂઆતમાં સિટિંગ ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે અવસાન થતાં બેઠક ખાલી થઈ હતી. જેના પર હવે પેટા ચૂંટણી યોજાઈ રહી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button