યે મેરા પ્રેમપત્ર પઢકરઃ 41 વર્ષ જૂનો પિતાએ પ્રેમિકાને લખેલો પત્ર દીકરાએ કર્યો વાયરલ

સોશિયલ મીડિયાના આજના જમાનામાં પત્રો ભૂલાઈ ગયા છે. નવી પેઢી તો શું જૂની પેઢી પણ હવે પત્ર વ્યવહાર કરતી નથી. એક સેકન્ડમાં તમારો સંદેશો વિશ્વના કોઈપણ ખૂણામાં પહોંચી જતો હોય ત્યારે પત્ર લખી દિવસો સુધી જવાબની રાહ જોવી ધીરજ હવે કોઈનામાં રહી નથી ત્યારે સોશિયલ મીડિયા પર એક પ્રેમપત્ર વાયરલ થઈ રહ્યો છે. ખરી મજા તો એ છે કે આ પ્રેમપત્ર આજથી 41 વર્ષ પહેલાનો છે અને પ્રેમીએ પ્રેમિકા નહીં, પરંતુ તેનાં પિતાને લખ્યો છે. સૌથી રસપ્રદ તો એ છે કે આ પત્ર પુત્રએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. હાલમાં તેનાં માતા-પિતા 65-70 વર્ષના થઈ ગયા છે, પણ તે સમયે પિતાએ પ્રિયતમાને મેળવવા કેટલા પાપડ વણવા પડ્યા હતા તે સમજી શકાય છે.
પ્રેમી દિલ્હીનો હતો, પરંતુ પ્રેમીકા છત્તીસગઢની હતી, જે તે સમયે મધ્ય પ્રદેશમાં હતું. આંતરજ્ઞાતિય સાથે આંતરરાજ્ય લગ્ન તે સમયે એક બહુ મોટો વિષય હતો. સસરાને મનાવવા યુવકે પહેલા તો સ્થાનિક ભાષા શિખી અને પછી પત્ર લખો.

પત્રમાં તેમણે લખ્યું કે દિલ્હી યુનિવર્સિટીમાં ભણતા સમયે મને તમારી દીકરી સાથે પ્રેમ થયો. હું હાલમાં સરકારી નોકરી કરું છું અને તમારી દીકરી સાથે લગ્ન કરવા માગું છું. અમે બન્ને માતા-પિતાના આશીર્વાદ વિના કંઈ જ કરવા માગતા નથી. હું તમને ખાતરી આપું છું કે તમારી દીકરી પૂરતી સુખસુવિધા અને સન્માન આપીશ. જમાઈનો આ પત્ર સસરાને મનાવવામાં સફળ રહ્યો અને તેમના લગ્ન થયા તેમ દીકરાએ પોસ્ટમાં લખ્યું છે. જ્યારે માતા-પિતાએ આ પત્ર સાચવી રાખ્યા તે પ્રતીત કરાવે છે કે તે સમયે પ્રેમપત્રોમાં પણ કેટલો પ્રેમ છુપાયેલો હતો.
પુત્રએ વાયરલ કરેલો પિતાનો આ પત્ર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. તે સમયે સંદેશાવ્યવહારના સાધન તરીકે પત્રો જ હતા. આ સાથે પ્રેમલગ્ન કરવા અને તે માટે પરિવારની સહમતી લેવી એક એવડો મોટો પડકાર હતો કે ઘણા પ્રેમીઓ આ કારણે પોતાના જીવનસાથીની પસંદગી કરી ન શક્યા. બંધારણે આપેલો આ હક આજના સમયે પણ યુવાનોને જેટલો આસાનીથી મળવો જોઈએ તે મળતો નથી. તેમ છતાં આજના સમયમાં સંતાનોની પસંદનો ઘણો ખ્યાલ મા-બાપ રાખે છે, જે ખૂબ જ આવકારદાયક છે.
આ પણ વાંચો….શું ફ્લાઈટમાં લઈ જઈ શકાય કેરી, શું છે નિયમ? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ…