
વડોદરાઃ ગુજરાત ભાજપમાં ફરી એક વખત આંતરિક અસંતોષ સામે આવ્યો હતો. વડોદરામાં 300થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલાં ભાજપના બે આગેવાનોની જાહેરમાં આક્ષેપબાજી કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની હતી.
બરોડા ડેરીના મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર ફરી એક વાર આક્રમક બન્યા હતા. ડેસરની મેરાકૂવા દૂધ મંડળીના પાંચ મૃતક સભાસદોના નામે દૂધ ભરીને રૂ.39 લાખનું પેમેન્ટ થતાં પોલીસ કેસ કરવા માટે માંગણી કરી હતી.તેમણે ડેરીના મોટામાથાઓની સાથે બરોડા સેન્ટ્રલ કો ઓ બેન્કની પણ કૌભાંડમાં સંડોવણીનો આક્ષેપ કર્યો હતો.
બરોડા ડેરીના ચેરમેન દિનુમામાએ પણ દૂધ મંડળીના કહેવાતા કૌભાંડમાં જેટલા પણ માથા હોય તેમને કાલે નહીં પણ આજે જ ખુલ્લા પાડવા પડકાર ફેંક્યોં હતો. તેમણે એમ પણ કહ્યું છે કે,ડેરી એ મનરેગા નથી.અમે કિલો દૂધ લઇ કિલોના રૂપિયા ચૂકવીએ છીએ.ધારાસભ્ય તેમના તાલુકાના કામોમાં પણ ધ્યાન આપે અને ડેરી જેવી સારી સંસ્થાને મદદરૂપ થઇ જિલ્લામાં બંધ પડેલી બીજી સહકારી સંસ્થાઓને સરકારમાં રજૂઆત કરી બેઠી કરે.
આગામી તા.22મીએ વડોદરા જિલ્લામાં 331 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે તેવા સમયે વડોદરા જિલ્લા ભાજપના બે આગેવાનો વચ્ચેનો ખટરાગ જાહેરમાં બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો.
આ પણ વાંચો….વડોદરામાં બેફામ કાર ચાલકે ચાર વાહનોને અડફેટે લીધા, કારમાંથી મળ્યા બિયરના ટિન