તરોતાઝા

વિશેષ : પરિવારના સાથ સાથે સ્વાદ પિરસતી…

  • ખુશ્બુ મુલાણી ઠક્કર

ઘરના ચૂલા પર રંધાતું રસોઈનું કૌશલ્ય જયારે આત્મવિશ્વાસ સાથે જોડાય છે., ત્યારે એક નવી સફળતાની શરૂઆત થાય છે. આજે ઘણી મહિલાઓ પોતાનો રસોઈનો શોખ એક સફળ ઘરઆધારિત વ્યવસાયમાં પરિવર્તિત કરી રહી છે. જેમાં પ્રેમ અને દરેક વાનગી સાથે એક સપનાનું પુન:નિર્માણ છે. મુંબઈ સમાચારે કેટલીક મહિલાઓ સાથે વાત કરી કે જેઓએ પોતાના શોખ અને પરિવારના સાથ સાથે સફળતા પ્રાપ્ત કરી છે. ચાલો જાણીએ તેમની સફર વિષે.

કાંદિવલીમાં રહેતા 47 વર્ષીય ગાયત્રીબહેન પટેલનું કહેવું છે કે, ‘મને પહેલેથી જ ખાવાનું બનાવવાનો ખૂબ જ શોખ હતો. ઘણી વખત પ્રયત્ન પણ કર્યો કે કંઈ નાના પાયે ચાલુ કરું, પરંતુ ઘરની જવાબદારી અને બાળકોના ઉછેરમાં એટલી વ્યસ્ત હતી કે પોતાને શું કરવું છે તેની પર ક્યારેય ધ્યાન જ નહોતું અપાયું. પાંચ વર્ષ પહેલા જયારે કોવિડનો સમય હતો અને બધા ઘરનું ખાવાનું જ પ્રિફર કરતા હતા ત્યારે મેં વિચાર્યું કે, કૈક શરૂઆત કરવી જોઈએ. તેથી મેં થેપલા અને સૂકો નાસ્તો એટલે કે, ચોખાની ચકરી, મકાઈનો અને પૌઆનો ચીવડો અને ફરસી પુરી બનાવવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં મેં મારા નાસ્તા અને થેપલા આજુ બાજુમાં રહેતા લોકોને અને પરિવારને આપવાનું ચાલુ કર્યું. તેઓને ખૂબ જ ભાવ્યા. અને પછી તો ઓર્ડર વધવા મંડ્યા. મને માઉથ પબ્લિસિટીથી ઘણો ફાયદો થયો. પણ એક વસ્તુ મેં પહેલેથી જ વિચારેલી કે, જે રીતે શરૂઆત કરી છે તે જ રીતે હું આગળ વધીશ. એટલે કે, જે પણ વસ્તુઓ બનાવીએ તેમાં ઘરનો શુદ્ધ માલ અને આપણે જે ખાઈએ તે જ બીજાને આપવાનું. ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં.

હું કંઈ પણ સ્ટોર કરીને નથી રાખતી જે ઓર્ડર આવે તેનું પ્રિ બુકિંગ કરીને જ ઓર્ડર રેડી કરવો એવો મારો આગ્રહ હોય છે. માત્ર અથાણાં હું ચોમાસા પૂરતા સ્ટોર કરું છું. ચોમાસા પછી પાછા દિવાળી વખતે નવા બનાવવાના. મેં જયારે શરૂઆત કરી ત્યારે મને જરા પણ કલ્પના નહતી કે મને એટલો સારો પ્રતિસાદ મળશે. જેમ જેમ ઓર્ડર વધતા ગયા તેમ તેમ મારો કોન્ફિડન્સ પણ વધતો ગયો. શરૂઆતમાં હું 5 થી 10 કિલો જેટલા અથાણાં બનાવતી હવે હું 250 થી 300 કિલો જેટલા અથાણાં બનાવું છું.’

ગાયત્રી બહેન આગળ જણાવતાં કહે છે કે, ‘તમે એક વખત શરૂ કરો અને પછી જયારે સારો પ્રતિસાદ મળે ત્યારે નવું કરવાની અને વધારે વસ્તુઓ બનાવવાની પ્રેરણા થાય. અત્યારે મારી પાસે 22 જાતનાં અથાણાં છે જે બારે માસ મળી રહે છે, ઉનળામાં કરેલી સુકવણીવાળી બટેટાની વેફર, જાળીવાળી, કતરી, સાબુદાણાની વેફર, ખિચિયા પાપડ વગેરે પણ હું બનાવું છું. તેમજ 7 થી 8 સૂકા નાસ્તા, 6 થી 7 ડાયેટ નાસ્તા, 7 થી 8 મીઠાઈ તેમજ થેપલા, પરોઠા, ડાયાબિટીઝ સ્પેશ્યલ નાસ્તા, શિયાળામાં ખવાતા મિક્સ સીડ્સ બોલ્સ અને મુખવાસ પણ બનાવું છું. મારા નાસ્તા ઓલ ઓવર મુંબઈમાં તો જાય જ છે સાથે સાથે વલસાડ, વાપી, દિલ્હી, જયપુર અને અમેરિકા પણ જાય છે.

ગાયત્રી બહેન તેમની વાત પૂરી કરતા જણાવે છે કે, કંઈ પણ નવું ચાલુ કરવા માટે ઉંમરને જોવાની જરૂર નથી. તમે ગમે તે ઉંમરે પોતાના શોખને વ્યવસાયમાં બદલી શકો છો. શર્ત માત્ર એટલી જ કે, તમને ઘરનાનો સપોર્ટ હોવો જોઈએ. પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધી જ શકાય.

અંધેરી ઇસ્ટમાં રહેતા 43 વર્ષીય હેતલ છેડાનું કહેવું છે કે, ‘હું નાની હતી ત્યારથી મને મમ્મીને રસોઈ કરતા જોવી ખૂબ જ ગમતું. હું 10મા ધોરણમાં હતી ત્યારથી જમવાનું બનાવું છું. મારી બોર્ડ એક્ઝામ પછી મેં 25 જણ માટે પહેલી વાર ખાવાનું બનાવ્યું હતું. મેં ક્યારેય પ્રોફેશનલી આગળ વધવાનો વિચાર જ નહોતો કર્યો. હું માત્ર મારા ઘરનાઓ માટે જ નવી નવી રેસિપીઓ બનાવતી, પરંતુ એક વસ્તુ જે સૌથી વધારે ગમતી એ હતું કે કોઈ પણ સિમ્પલ વાનગીને કઈ રીતે વધારે સુંદર રીતે પ્રેઝન્ટ કરવી કે જોતા જ ખાવાનું મન થઈ જાય.

કોવિડના સમયમાં જયારે હું મારા ઘરના માટે અલગ અલગ રેસિપી બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હતી ત્યારે એક કે બે મિત્રોએ મને પૂછ્યું કે તું અમને બનાવીને આપીશ. મિત્રો હતા એટલે મેં ના ન પાડી. અને બસ પછી તો પાછળ વળીને જોયું જ નથી. મિત્રો સાથે મને મારા પરિવારે પણ એટલો જ સપોર્ટ કર્યો.

કોવિડના સમયમાં હું બધું જ બનાવતી. મને સોશિયલ મીડિયાથી ઘણી પબ્લિસિટી મળી અને સાથે ઓર્ડર પણ મળ્યા. જેમ જેમ ઓર્ડર મળતા ગયા તેમ તેમ નવું નવું કરવાની પ્રેરણા થતી ગઈ. લગભગ બે વર્ષ સુધી મેં બધી જ જાતની વાનગીઓ બનાવી. એક દિવસ એવો વિચાર આવ્યો કે, આપણી ગુજરાતી વાનગીઓ કે જે ખૂબ જ અંડર રેટેડ છે તેને કેમ ન લાઇમ લાઇટમાં લાવીએ અને લોકોમાં જાગૃતતા લાવીએ કે ગુજરાતી ફૂડ એટલે માત્ર રોટલી, દાળ, ભાત, શાક નથી. આપણું ગુજરાતી ફૂડ ખૂબ જ બહોળું છે.

હેતલ આગળ જણાવતાં કહે છે કે, હવે હું માત્ર ગુજરાતી વાનગીઓ જ બનાવું છું. કોવિડમાં તો રોજના ઓર્ડર હતા, પરંતુ હવે માત્ર વિક એન્ડ અને મીડ વિકમાં જ ઓર્ડર લઉં છું. વાનગીઓમાં વપરાતો માલ મારા લોકલ વેન્ડર પાસેથી જ લઉં છું. પ્રિ બુકિંગ પર જ કામ કરવાનું. આપણી ગુજરાતી વાનગીઓ એટલી બધી છે કે, હું એવો પ્રયત્ન કરું કે, દરેક અઠવાડિયામાં હું કંઈ જુદું આપી શકું જેમકે, અત્યારની સિઝન પ્રમાણે કેરીનો રસ, પુરી, વાલની દાળ, ફજેતો. તો શિયાળામાં ઊંધિયું, લસણિયો રોટલો, મેથીના મુઠિયાંવાળું શાક, વાલોળ પાપડી અને બાજરીના ગોટા. કે પછી ઉપવાસની થાળી જ કેમ ના હોય. હાંડવાનો લોટ હું મારા ચક્કીવાળા પાસે દળાવું છું. કૈક અલગ કરવા માટે હું મિલેટ હાંડવો અને ઝૂકીની હાંડવો બનાવું છું. મારી સ્પેશ્યલ થાળી અને બ્રન્ચ પેકેટ્સ કોર્પોરેટ કંપની, કીટી પાર્ટી માટે જાય છે. મારા કલાઇન્ટ ઓલ ઓવર મુંબઈમાં છે જેમાં સેલિબ્રિટી પણ આવી ગઈ.

આપણ વાંચો:  આહારથી આરોગ્ય સુધી : કોઈ કારણ વગર કે મતલબ વગર ખાવાની કુટેવો

હેતલ આગળ જણાવતા કહે છે કે, સારી વસ્તુ આપવી, માલમાં કોમ્પ્રોમાઇઝ કરવો નહિં. મારી સફળતા મારા પરિવારના સહયોગ વગર અધૂરી હતી. તેમના સાથ સાથે જ હું આટલું બધું નવું કરી શકી છું. હેતલ તેની વાત પૂરી કરતા જણાવે છે કે, તમને જે ગમે છે તે કરતા રહો. તમારી નક્કી કરેલી દિશામાં આગળ વધતા જ રહો અને તમને જરૂરથી સફળતા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button