
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડ-19 ડેશબોર્ડ મુજબ દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4026 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 65 નવા કેસ ઉમેરાયા છે અને 5 સંક્રમિતોનો મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં બે, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં 1-1 સંક્રમિતોના મૃત્યુ થયા છે.
આ 5 રાજ્યમાં છે સૌથી વધારે એક્ટિવ કેસ
દેશમાં કેરળમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ છે. અહીં કોરોનાના એક્ટિવ કેસ 1416 છે. એક્ટિવ કેસમાં મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં 494 એક્ટિવ કેસ છે. ગુજરાત 397 એક્ટિવ કેસ સાથે ત્રીજા, દિલ્હી 393 એક્ટિવ કેસ સાથે ચોથા, પશ્ચિમ બંગાળ 372 એક્ટિવ કેસ સાથે પાંચમા ક્રમે છે.

ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ
ગુજરાતમાં કોરોનાના કેસને મામલે અમદાવાદ એપિસેન્ટર બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના 270 કેસ નોંધાઈ ચૂક્યા છે. શહેરમાં 197 દર્દીઓ કોરોનાની હાલ સારવાર હેઠળ છે. ઝોન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તરપશ્ચિમમાં સૌથી વધુ 61, પશ્ચિમ ઝોનમાં 53, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 37કેસ નોંધાયા છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના 3 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 44 વર્ષીય, 74 વર્ષીય પુરુષ અને 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. જેમાંથી 8 માસની બાળકી છેલ્લાં ચાર દિવસથી ઓક્સિજન હેઠળ છે.

રાજકોટમાં મંગળવારે કોરોનાના વધુ 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. એક મહિલા અને 7 પુરૂષો સહિત નવા 8 દર્દીઓ સામે આવ્યા છે. જોકે આજે 6 દર્દીઓ સંપૂર્ણપણે કોરોના મુક્ત થયા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ દર્દીનો આંકડો 52 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 12 દર્દી સ્વસ્થ થયા છે. હાલ શહેરમાં 40 દર્દીઓ હોમ આઇસોલેટેડ છે. સુરતમાં પણ 3 કેસ નોંધાયા છે. થાઈલેન્ડથી પરત આવેલી મહિલા પોઝિટિવ આવી છે.
આ પણ વાંચો….મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 65 દર્દીઓ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો 500ને પાર