હેં… ખરેખર?! માતાહારીને ફાયરિંગ સ્કવોડે વીંધી નાખી, મસ્તક થયું ગાયબ…

-પ્રફુલ શાહ
વેદના, તકલીફ અને જોખમભર્યા જીવન બાદ સૌએ માતાહારીથી ઓળખી એ ઝેલ્લે ઉર્ફે માર્ગારેટા ગેરત્રુઇડ મેકલોઇડની ઉંમર, જવાની અને જોશ અસ્તાચલ ભણી હતા, પણ નસીબ જોરમાં હતા. યુવાન રશિયન કેપ્ટન વાદિમ માસ્લોવ સાથે પ્રેમમાં પડયા બાદ એના સંપર્ક ઉચ્ચ વર્ગમાં થવા માંડયા હતા.
યુરોપના ધનવાનો, ઉદ્યોગપતિઓ, ધનપતિઓ, રાજકારણીઓ અને ઉચ્ચ લશ્કરી અધિકારીઓ સાથે માતાહારીની ઊઠ બેસ શરૂ થઇ. એ લોકોની મહેફિલમાં મહત્ત્વ મળવા માંડયું હતું. પહેલું વિશ્ર્વ યુદ્ધ શરૂ થવા અગાઉ એ ડાન્સર અને સ્ટ્રીપર તરીકે લોકપ્રિય થઇ ચૂકી હતી. જોકે તે પોતાને એકઝોટિક ડાન્સર ગણાવતી હતી. એના શૉમાં કેટલાંય દેશના સેનાધિપતિઓ, રાજાઓ અને રાજકુમારો આવતા હતા.
માતાહારીના લેટેસ્ટ આશિક વાદિમ માસ્લોવને 1916ના શિયાળામાં પોતાની સેના સાથે વેસ્ટર્ન ફ્રન્ટ પર જવાનું થયું. એ સ્થળ એટલે પહેલા વિશ્ર્વ યુદ્ધની મુખ્ય રણભૂમિ જે જર્મનીના કબજામાં હતી. ફ્રાંસ અને બેલ્જિયમના ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રસરેલા વેસ્ટર્ન ફ્રન્ટમાં પહેલું વિશ્વ યુદ્ધ નિર્ણાયક બન્યું હતું. અહીં 46 હજાર સૈનિકોના જીવ ગયા હતા અને અસંખ્ય ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોમાં સામેલ હતો વાદિમ માસ્લોવ. તે ડાબી આંખ ગુમાવી બેઠો હતો. આથી માતાહારીએ લશ્કરી મોરચા નજીકની હૉસ્પિટલમાં સારવાર મેળવતા વાદિમને મળવા જવાની મંજૂરી માગી.
અહીંથી માતાહારીના જીવનમાં નવો અણધાર્યો વળાંક આવ્યો. અહીં ફ્રાન્સની ગુપ્તચર સંસ્થા ડેઇકિસમ બ્યુરો (Deuxieme Bureau) તરફથી શરત મુકાઇ કે તું ફ્રાંસવતી જાસૂસી કરવા તૈયાર થાય તો જ માસ્લોવને મળવા દઇએ. ગુપ્તચર સંસ્થા બધા સામે આવી શરત ન મૂકે, પરંતુ તેમની પાસે માહિતી હતી કે ઝેલ્લે એટલે કે માતાહારી વેસ્ટર્ન ફ્રન્ટના સિનિયર જનરલ અને ક્રાઉન પ્રિન્સ વિલ્હેમ સમક્ષ ડાન્સ કર્યો હતો. બ્યુરોનું માનવું હતું કે આ મહિલા પોતાની રીતે વિલ્હેમને રિઝવીને ગુપ્ત લશ્કરી માહિતી કઢાવી શકે. હકીકતમાં ક્રાઉન પ્રિન્સ વિલ્હેમને જર્મન મીડિયાએ યોદ્ધો ચિતરાવ્યો હતો. હકીકતમાં એ મોટો ઐય્યાશ હતો. જે પાર્ટીબાજી, દારૂની મહેફિલ અને મહિલાઓમાં રચ્યોપચ્યો રહેતો હતો.
આ બધાથી અજાણ ફ્રાંસની ગુપ્તચર સંસ્થાએ ઝેલ્લે-માતાહારીને વિલ્હેમ પાસેથી ગુપ્ત માહિતી ઓકાવવા માટે દશ લાખ ફ્રાન્ક (ફ્રાંસનુ ચલણ)ની ઓફર કરી. ઝેલ્લે માની ગઇ. હવે સવાલ એ હતો કે વિલ્હેમ સુધી પહોંચવું કઇ રીતે? એને યાદ આવ્યો જયોર્જીસ લેડુકસ, જે વિલ્હેમ સુધી લઇ જઇ શકે એમ હતો. એટલે 1916ના નવેમ્બરમાં તે સ્પેનથી નીકળી, ત્યારે બ્રિટનના ફાલમાઉથ બંદરે તેની ધરપકડ થઇ. તેને લંડન જઇને પૂછપરછ કરાઇ. અહીં પોતે ફ્રાંસની ગુપ્તચર સંસ્થા માટે જાસૂસી કરતી હોવાની માતાહારીએ કબૂલાત કર્યાનો બ્રિટને દાવો કર્યો હતો.
આ પણ વાંચો….હેં… ખરેખર?! : 40 વર્ષમાં 27 પ્રસૂતિમાં 69 બાળકને જન્મ
આ ચુંગાલમાંથી નીકળીને માતાહારી 1917ના જાન્યુઆરીમાં માડ્રીડ પહોંચી. અહીં છે તે જર્મન લશ્કરી મેજર આર્નોલ્ડ કેલ્લેને મળીને પ્રિન્સ વિલ્હેમ સાથે મુલાકાત ગોઠવવાની તજવીજમાં લાગી ગઇ. અહીં ઝેલ્લે રમત રમી ગઇ. તેણે ફ્રાંસની કેટલીક ગુપ્ત લશ્કરી માહિતી જર્મનીને આપી દીધી. જોકે આ પગલું જર્મનીનો વિશ્વાસ જીતવા લીધું હતું કે પૈસાની લાલચમાં એ કયારેય સ્પષ્ટ ન થયું. 1917ના જાન્યુઆરીમાં મેજર કેલ્લે બર્લિનને રેડિયો પર મેસેજ ટ્રાન્સમિટ કર્યો કે એજન્ટ H-21ની મદદરૂપ પ્રવૃતિનું વર્ણન કર્યું, પરંતુ ફ્રાંસની ગુપ્તચર સંસ્થાએ આ રેડિયો મેસેજ ઇન્ટર સેપ્ટ કર્યો એટલે કે આંતરી લીધો. આ સાથે સ્પષ્ટ થઇ ગયું કે H-21 એટલે માતાહારી જ.
આનાથી જર્મન લશ્કરની ગુપ્તચર પાંખના વડા જનરલ વોલ્ટર નિકોલાઇ ખૂબ ક્રોધે ભરાયા કે માતાહારીએ પોતાને કોઇ ઉપયોગી માહિતી આપવાને બદલે ઉલ્ટું જ કર્યું. આનાથી ક્રોધે ભરાઇને તેમણે માતાહારીને જર્મન જાસૂસ તરીકે ફ્રાંસમાં ઉઘાડી પાડી દીધી. 1916ના ડિસેમ્બરમાં ફ્રાંસે એક વ્યૂહનાં ભાગરૂપે માતાહારીને છ બેલ્જિયમ એજન્ટના નામ જાણી લેવા દીધા. આમાંથી પાંચ પર બનાવટી ખોટી માહિતી આપવાના આરોપ હતા. પાંચ જર્મની માટે જાસૂસી કરતા હતા. છઠ્ઠો જાસૂસ ડબલ એજન્ટ હતો જે જર્મની અને ફ્રાંસ બન્ને માટે કાર્યરત હતો. માતાહારીના પેરિસ છોડી ગયા બાદ ફ્રાંસે ડબલ એજન્ટને પતાવી નાખ્યો. આનાથી ફ્રાંસને ખાતરી થઇ ગઇ કે આ છ એ છના નામ માતાહારીએ જ આપ્યા હોવા જોઇએ.
1917ની 13મી ફેબ્રુઆરીએ પેરિસની હોટેલ રૂમમાંથી માતાહારીની ધરપકડ થઇ. 24મી જુલાઇએ એના પર જર્મન જાસૂસ હોવાનો ખટલો ચલાવાયો અને એમાં ઓછામાં ઓછા 50 હજાર સૈનિકોના મોત માટે એ જવાબદાર હોવાનો આરોપ મુકાયો. ફ્રાંસ અને બ્રિટન દૃઢપણે માનતા હતા કે માતાહારીએ જર્મની માટે જાસૂસી કરી હતી પણ કોઇ પુરાવા આપી ન શકયા.
આ માતાહારીના મામલામાં ખૂબ આરોપ-પ્રત્યારોપ થયા. સાચા-ખોટા દાવા થયા. જાસૂસોની પેચીદી દુનિયામાં પોતાની સગવડ,જરૂરિયાત મુજબ જાસૂસોને નીમાતા, બચાવાતા અને મરાવતા હોય છે. કયારેક ઉચ્ચધિકારીઓના હોદ્દાને આગળ કરાય તો કયારેક દેશની આબરૂ મહત્ત્વની બની જાય. અત્યંત નાટ્યાત્મક ઘટનાક્રમનો અંત આવ્યો 1917ની 15મી ઓકટોબરની પરોઢે. પરોઢના અંધારામાં 12 ફ્રેન્ચ સૈનિકોની ફાયરિંગ સ્કવૉડે માતાહારીને વીંધી નાખી. આ સજા-એ-મોતનો અમલ માતાહારી જોઇ ન શકી કારણકે તેની આંખો પર કાળી પટ્ટી બંધાયેલી હતી.
કોઇ કુટુંબી માતાહારીનું શબ મેળવવા આગળ નહોતું આવ્યું. એટલે શરીરનો તબીબી વિદ્યાર્થીઓ માટે એનો ઉપયોગ કરાયો હતો. માતાહારીનું મસ્તક એમ્બેલિંગ કરીને પેરિસના મ્યુઝિયમ ઑફ એનેટોમીમાં સાચવી રખાયું હતું, પરંતુ ઇ.સ. 2000ની સાલમાં ખબર પડી કે મસ્તક ગાયબ થઇ ચૂકયું હતું.
માતાહારી કોર્ટમાં એક જ રટણ કરતી રહી કે હું માત્ર ડાન્સર છું. એના સિવાય કંઇ નથી. તે યુદ્ધ અને જાસૂસીના ગંદા રાજકારણનું પ્યાદું બની ગઇ કે ખરેખર જાસૂસ હતી? પરંતુ કાલ્પનિક જેમ્સ બૉન્ડની જેમ માતાહારી સૌથી ગ્લેમરસ, માદક અને યુવાન મહિલા જાસૂસ તરીકે અમર થઇ ગઇ. પણ જીવન જોખમમાં મૂકીને અને ક્રૂરતમ્ મોત મેળવીને કોઇક એને ડબલ જાસૂસ કહે છે, તો અમુક ઇતિહાસકારો બલિનો બકરો ગણાવે છે માતાહારીને.
આ પણ વાંચો….હેં… ખરેખર?! જાસૂસ જયોતિ મલ્હોત્રા તો માતાહારી સામે બચ્ચુ છે!