આમચી મુંબઈ

મુંબઈની ચોપાટી માટે તુર્કીના રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન લેવાનો કૉન્ટ્રેક્ટ રદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની છ ચોપાટી પર પાણીમાં ડૂબી જનારા લોકોને બચાવવા માટે તુર્કીની કંપનીના ઉત્પાદિત રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન તહેનાત કરવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો હતો, પણ તેની સામે ચોતરફથી વિરોધ થયા બાદ આખરે પાલિકાએ આ કૉન્ટ્રેક્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે. પાલિકા હવે નવેસરથી ટેન્ડર બહાર પાડવાની છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી ત્યારે તુર્કીએ પાકિસ્તાનને મદદ કરી હોવાથી સમગ્ર ભારતમાં તે દેશ સામે બહિષ્કાર કરવામાં આવ્યો હતો તેમ છતાં પાલિકા તુર્કીની કંપની સાથે કૉન્ટ્રેક્ટ કરવાની હતી. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ચોપાટી પર લાઈફગાર્ડ રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન વેચાતા લેવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં. ટેન્ડર પ્રક્રિયામાં તુર્કીની એક કંપની નિયમ મુજબ પાત્રતા ધરાવતી હોવાથી તેને કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. બાદમાં જોકે આ નિર્ણય સામે ભારે વિરોધ થયા બાદ અંતે પાલિકાએ આ કૉન્ટ્રેક્ટ રદ કરી નાખવાનો નિર્ણય લીધો છે.

મુંબઈની ગિરગામ ચોપાટી, દાદર-શિવાજી પાર્ક, જુહુ, વર્સોવા, આક્સા અને ગોરાઈ ચોપાટીઓ આવેલી છે. આ છ ચોપાટી પર હાલ ૧૧૧ લાઈફગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે. ચોપાટી પર મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. ભરતી દરમ્યાન અને ચોમાસામાં તથા ગણેશોત્સવ તહેવાર દરમ્યાન વિસર્જન સમયે દરિયામાં તણાઈ જવાના પ્રકારમાં વધારો નોંધાયો હતો. આ સમયે લોકોને બચાવવાનું કામ લાઈફગાર્ડ કરતા હોય છે.

પાલિકાના અખત્યાર હેઠળ આવતા મુંબઈ ફાયરબ્રિગેડે હવે જોકે રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન લેવાનો નિર્ણય લીધો છે, જે મુંબઈની છ ચોપાટી પર તહેનાત કરવામાં આવશે. પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકી ત્યારે બે કંપની આગળ આવી હતી, તેમાં પસંદ કરવામાં આવેલી કંપની સ્વિઝરલેન્ડની હોઈ બંને બાજુએ વોટર જેટ અને ૧૦,૦૦૦ એમએએચ ક્ષમતાના રિચાર્જેબલ બેટરી ધરાવતા તુર્કી ઉત્પાદિત રોબોટિક વોટર રેસ્કયુ મશીન ખરીદી કરવામાં આવવાના હતા. હવે કૉન્ટ્રેક્ટ રદ થયા બાદ નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવશે.

આ મશીન રિમોટ કંટ્રોલથી ચાલે છે અને તેની વહનક્ષમતા ૨૦૦ કિલોગ્રામ સુધીની છે. દરિયા પ્રતિ કલાકે ૧૮ કિલોમીટરની ઝડપથી રોબટ પહોંચી શકે છે. સાધારણ રીતે ૮૦૦ મીટર અને તેના કરતા પણ વધુ લાંબે આ રોબોટ જઈ શકે છે. તેમ જ એક કલાક સુધી રોબર્ટ કામ કરે છે અને ત્યારબાદ તેને ફરી ચાર્જ કરવો પડે છે.

આ પણ વાંચો….મુંબઈની ચોપાટી પર તુર્કીના રોબોટિક વોટર રેસ્ક્યુ મશીન બેસાડવા સામે વિરોધ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button