મિડલ વૈતરણા પર હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થશે
આગામી ૧૫ દિવસમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી મળવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મિડલ વૈતરણા પર હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાની મુંબઈ મહાનગરપાલિકાની લાંબા સમયથી રાહ જોવાતી યોજના આખરે આગળ વધી રહી છે. પાલિકાને આગામી ૧૫ દિવસમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી બીજા તબક્કાની મંજૂરી મળવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટનો હેતુ ૨૬.૫ મેગાવોટ હાઈબ્રિડ વીજળી ઉત્પન્ન કરવાની છે, જે લગભગ આગામી અઢી વર્ષમાં વીજ ઉત્પાદન શરૂ થવાની સંભાવના છે. એક વખત આ પ્રોજેક્ટ ચાલુ થઈ જશે તો પાલિકાને વાર્ષિક લગભગ નવ કરોડ રૂપિયાની બચત થવાની અપેક્ષા છે.
મિડલ વૈતરણા ડેમ મુંબઈને દરરોજ ૪૫૫ મિલ્યન લિટર પાણી પૂરું પાડે છે, જે શહેરના કુલ પાણી પુરવઠાના લગભગ ૧૧ ટકા જેટલું છે. આ જળાશયની પાણીની કુલ સંગ્રહ કરવાની ક્ષમતા ૧.૯૩ લાખ મિલ્યન લિટરની છે. પાલિકાએ વૈતરણા સોલાર હાઈડ્રો પાવર જેન્કો કંપની સાથે આ સ્થળે સોલાર એન્ડ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર જનરેશનની સ્થાપના કરવા માટે વીજ ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાલિકાને મિનિસ્ટ્રી ઓફ એનવાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ટ ક્લાઈમેટ ચેન્જ તરફથી પર્યાવરણી મંજૂરી મળી ગઈ છે. અમે હાલમાં પ્રોજેક્ટ માટે ૪.૯૦ હેકટર જમીન ટ્રાન્સફર કરવા માટે રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ, જે આગામી ૧૫ દિવસમાં મળવાની અમને અપેક્ષા છે. મંજૂરી મળ્યા પછી ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ સ્થાપવાનું કામ શરૂ કરશું.
હાલમાં પાલિકા કુલ ૨૬.૫ મેગાવોટ હાઈબ્રિડ પાવરનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. પ્રોજેક્ટ સાઈટ પર ૧૦ મેગાવોટના બે જનરેટરનો ઉપયોગ કરીને ૨૦ મેગાવોટનું ઉત્પાદન કરાશે. જ્યારે સોલાર પાવર પ્રોજેક્ટ ૬.૫ મેગાવોટર વીજળી ઉત્પન્ન કરશે. હાલમાં ફક્ત ૬.૫ મેગાવોટ સોલાર પાવર ઉત્પન્ન થશે. ભવિષ્યમાં અત્યાધુનિક ટેક્નોલોજી ઉપલબ્ધ થશે ત્યારે વીજ ઉત્પાદનની ક્ષમતા વધારવાની યોજના બનાવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટ પાણીની સપાટી પર ૮.૫ હેકટર વિસ્તારને આવરી લેતી ફ્લોટિંગ સોલાર ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. તે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર મોડલ પર આધારિત છે. સર્વિસ પ્રોવાઈડરની પ્રોજેક્ટ ચાલુ થવાના ૨૫ વર્ષ સુધી પ્રોજેક્ટની જાળવણી અને સમારકામની જવાબદારી રહેશે.
આ પ્રોજેક્ટના માધ્યમથી ઉત્પન્ન થનારી વીજળી પ્રતિ યુનિટ ૪.૭૨ના દરે ખરીદવામાં આવશે. તે મહારાષ્ટ્ર રાજ્ય વીજળી ટ્રાન્સમિશન કંપની દ્વારા સ્ટેટ ગ્રીડમાં ટ્રાન્સમિટ કરવામાં આવશે. વધુમાં મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડ્રિસ્ટ્રીબ્યુશન કંપની સાથે વીજળી ખરીદી માટે કરાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી પાલિકાને વાર્ષિક લગભગ નવ કરોડ રૂપિયાની બચત થવાની અપેક્ષા છે. ખાસ કરીને પાલિકાના પિસે-પાંજરાપુરમાં આવેલા જળશુદ્ધિકરણ કેન્દ્રને તેનો ફાયદો થશે.
આ પણ વાંચો….ઝેપ્ટોના સ્ટોરમાંથી એક્સપાયરી ડેટવાળો સામાન મળતા મુંબઈનું લાઈસન્સ રદ