આનંદો! દક્ષિણ મુંબઈમાં ૧૦ સ્થળોએ પાર્કિંગ મફત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના કાલાઘોડા વિસ્તારમાં પાર્કિંગ કૌભાંડ બહાર આવ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ ‘એ’ વોર્ડમાં ૨૪ પ્રાઈવેટ પાર્કિંગના કૉન્ટ્રેક્ટ રીન્યુ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. તેથી હવે કોલાબા, ફોર્ટ, નરીમન પોઈન્ટ અને કફ પરેડમાં ૧૦ જગ્યો મફતમાં પાર્કિંગ ઉપલબ્ધ થયું છે. આનાથી દક્ષિણ મુંબઈના નાગરિકોને મોટી રહાત મળી છે. આ વિસ્તારમાં કૉન્ટ્રેક્ટર દ્વારા પાર્કિંગ માટે પાલિકાએ નક્કી કરેલી રકમ કરતા વધુ પૈસા વસૂલ કરવામાં આવતા હોવાની ફરિયાદ સ્થાનિક નાગરિકો કરી રહ્યા હતા.
પાલિકાએ ૧૯મે, ૨૦૨૫ના સ્ટિંગ ઓપરેશન કરીને કાલાઘોડા પાર્કિંગમાં કૉન્ટ્રેક્ટર દ્વારા પાર્કિંગ માટે વાહનચાલકો પાસેથી વધુ પૈસા વસૂલવામાં આવતા હોવાનું તથા નો પાર્કિંગ ઝોનમાં પણ વાહનો પાર્ક કરાવવામાં આવતા હોવાનું પકડી પાડયું હતુંં. ભાજપના કોલાબાના ભૂતપૂર્વ નગરસેવકે આ બાબતે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને માગણી કરી હતી કે ૩૧ મેના રોજ કરાર પૂરો થયા પછી પે એન્ડ પાર્કની સેવા મફતમાં કરવામાં આવે. તેથી પાલિકાએ ઓવરચાર્જિંગને નિયંત્રણમાં રાખવા અને નાગરિકોના વિશ્ર્વાસને પુન:સ્થાપિત કરવા માટે રવિવારથી ૧૦ જગ્યાએ પાર્કિંગને મફત કરી નાખી છે.
ભાજપના નગરસેવક મકરંદ નાર્વેકરે પાલિકાના આ પગલાને આવકારતા કહ્યું હતું કે ‘એ’ વોર્ડ માટે આ તાત્પૂરતી રાહત જરૂરી હતી. નવી પે એન્ટ પાર્ક પોલિસી જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી મફતમાં પાર્કિંગ ચાલુ રાખવું જોઈએ. તેમ જ આ વખતે પાલિકાએ વધુ પારદર્શિતા રાખવી આવશ્યક રહેશે. તેમ જ કોઈ પણ નિર્ણય લેતા પહેલા પોતાની પાર્કિંગ પોલિસીમાં સુધારો કરવો જોઈએ.
આ વિસ્તારમાં મફત પાર્કિંગ મળશે
દક્ષિણ મુંબઈના ફોર્ટ પરિસરમાં હોર્નિમલ સર્કલ, જમનાલાલ બજાજ રોડ, દોરાબજી ટાટા રોડ, ઈરોસ સિનેમા સામેનો ટ્રાફિક આઈલેન્ડ, વાલચંદ હિરાચંદ રોડ, રામજીભાઈ કમાણી રોડ (પશ્ર્ચિમ તરફ), ક્યુરીમ્ભોય રોડ, બદ્રુદ્દીન તૈયબજી રોડ, મુદ્રાના શેટ્ટી લેન, તામરીન્ડ લેન, વી.એન.રોડ, હોર્મજી સ્ટ્રીટ અને નગિનદાસ માસ્ટર લેનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો….આવકવેરા રિટર્ન ફાઇલ કરવું સરળ બન્યું, હવે ITR-1 અને ITR-4 ફોર્મ એક્સેલમાં ઉપલબ્ધ