નેશનલ

યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલને સમન્સઃ રાજભવનમાં હંગામો

ઉત્તર પ્રદેશના બદાયું તહસીલના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ)એ કાનૂની પ્રક્રિયાઓને અવગણવા મુદ્દે રાજ્યપાલના નામે સમન્સ જારી કરીને તેમને હાજર થવાનો આદેશ આપ્યો છે. ઓર્ડરની કોપી ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. રાજ્યપાલ આનંદી બેન પટેલ તરફથી તેમના સચિવ દ્વારા ડીએમને પત્ર મોકલીને ચેતવણી આપવામાં આવી હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.

આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 361 મુજબ બંધારણીય હોદ્દો ધરાવનાર વ્યક્તિ વિરુદ્ધ કોઈ સમન્સ કે નોટિસ જારી કરી શકાતી નથી. તેમ છતાં, એસડીએમએ કાયદાકીય પ્રક્રિયાઓને અવગણીને, રાજ્યપાલના નામે સમન્સ જારી કરીને તેમને 18 ઓક્ટોબરે એસડીએમ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો.


બદાયુંના લોડા બહેરી ગામના રહેવાસી ચંદ્રહાસે લેખરાજ, સંબંધિત પીડબ્લ્યુડી અધિકારીઓ અને રાજ્યપાલને પક્ષકાર બનાવીને તહસીલની એસડીએમ ન્યાયિક અદાલતમાં વિરોધ પક્ષ તરીકે કેસ દાખલ કર્યો હતો. એસડીએમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર, ચંદ્રહાસની કાકી કટોરી દેવીની સંપત્તિ તેમના એક સંબંધીએ તેમના નામે રજીસ્ટર કરાવી હતી. આ પછી તેને લેખરાજના નામે વેચવામાં આવી. થોડા દિવસો પછી, બદાયું બાયપાસ પર આવેલા બહેરી ગામ પાસે ઉક્ત જમીનનો કેટલોક ભાગ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવ્યો હતો. તે મિલકત હસ્તગત કર્યા પછી, લેખરાજને સરકાર તરફથી વળતર તરીકે લગભગ 12 લાખ રૂપિયાની રકમ મળી.


આ અંગે માહિતી મળ્યા બાદ કટોરી દેવીના ભત્રીજા ચંદ્રહાસે તહસીલની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર, રાજ્ય સંહિતાની કલમ 144 હેઠળ 07 ઓક્ટોબરના રોજ એસડીએમ ન્યાયિક વિનીત કુમારની કોર્ટમાંથી લેખરાજ અને રાજ્યના રાજ્યપાલને સમન્સ જારી કરવામાં આવ્યું હતું, જે 10 ઓક્ટોબરના રોજ રાજભવન પહોંચ્યું હતું. આ સમન્સમાં રાજ્યપાલને 18 ઓક્ટોબરે એસડીએમ જ્યુડિશિયલ કોર્ટમાં હાજર થવા અને પોતાનો પક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.


જેના પર રાજ્યપાલના વિશેષ સચિવ બદ્રીનાથ સિંહે 16 ઓક્ટોબરે ડીએમને પત્ર લખ્યો હતો. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિ સામે કોઈ સમન્સ કે નોટિસ જારી કરી શકાતી નથી. રાજ્યપાલના સચિવે એસડીએમના સમન્સને બંધારણના અનુચ્છેદ 361નું ઉલ્લંઘન ગણાવીને સખત વાંધો ઉઠાવ્યો હતો. સેક્રેટરીએ દરમિયાનગીરી કરી અને ડીએમ ને નિયમો મુજબ પોતાનો પક્ષ રજૂ કરવા અને નોટિસ જારી કરનાર વ્યક્તિ સામે જરૂરી પગલાં લેવા સૂચના આપી હોવાનું અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.


આ અંગે ડીએમ મનોજ કુમારે કહ્યું કે તેમની ઓફિસને મહામહિમ રાજ્યપાલના સચિવ તરફથી એક પત્ર મળ્યો છે. પત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે એસડીએમ સદર (ન્યાયિક) વિનીત કુમારની કોર્ટમાંથી કલમ 144 સીઆરપીસી હેઠળ રાજ્યપાલને સમન્સ જારી કરવામાં આવ્યું હતું. રાજ્યપાલના વિશેષ સચિવ બદ્રીનાથ સિંહજીએ પત્રમાં જણાવ્યું કે રાજ્યપાલને સમન્સ કે નોટિસ જારી કરી શકાય નહીં. તેથી, સંબંધિત અધિકારીને જણાવવું જોઈએ કે આ કલમ 361નું ઉલ્લંઘન છે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને.


જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે સંબંધિત ન્યાયિક મેજિસ્ટ્રેટ વિનીત કુમારને રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા પત્ર અને ચેતવણી વિશે જાણ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button