નોર્વે ચેસ ટુર્નામેન્ટ: ગુકેશે કાર્લસનને માત આપી, હતાશ કાર્લસને ચેસ બોર્ડ પર હાથ માર્યો

સ્ટાર્વેજર (નોર્વે): નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં રવિવારે ભારતના વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે એક રોમાંચક મેચમાં વિશ્વના નંબર વન ચેસ ખેલાડી નોર્વેના મેગ્નસ કાર્લસનને ચોંકાવી દીધો હતો અને ક્લાસિકલ ચેસમાં તેની સામે પ્રથમ જીત નોંધાવી હતી.
સફેદ મોહરા સાથે રમતા કાર્લસને મોટા ભાગે મેચનો ફાયદો ઉઠાવ્યો અને સતત દબાણ બનાવ્યું હતુ પરંતુ ગુકેશે જરૂર પડ્યે સાવધાનીપૂર્વક રમ્યો અને પછી કાર્લસનને હાર આપી હતી.
આપણ વાંચો: નોર્વે ચેસ ટુર્નામેન્ટ: કાર્લસને ગુકેશને હરાવ્યો, અર્જુન એરિગૈસીનો વિજય
ગુકેશે કહ્યું હતું કે ‘100માંથી 99 વખત હું કદાચ આ ચાલથી હારી ગયો હોત પરંતુ આ એક ભાગ્યશાળી દિવસ છે. હાર પછી નિરાશ કાર્લસન ગુસ્સે જોવા મળ્યો હતો અને તેણે ગુસ્સામાં ચેસ બોર્ડ પર હાથ માર્યો અને ત્યાંથી દોડીને જતો રહ્યો હતો. તેનાથી વિપરીત ગુકેશે તેના કોચ ગાજેવસ્કી સાથે શાંતિથી જીતની ઉજવણી કરી હતી.
ગુકેશ જેમ જેમ કાર્લસન પર દબાણ વધારતો ગયો તેમ તેમ કાર્લસન ભૂલો કરતો ગયો અને આનાથી ગુકેશને વાપસી કરવાની તક મળી હતી. ગુકેશે મેચમાં પોતાની બધી કુશળતા લગાવી અને જીત નોંધાવી હતી.
આપણ વાંચો: વર્લ્ડ નંબર-વન કાર્લસન ચેસની ગેમમાં એકસાથે 1,43,000 હરીફો સામે લડ્યો અને છેવટે…
મેચ પછી ગુકેશે કહ્યું હતું કે – હું બહુ કંઈ કરી શક્યો નહીં. મારે ફક્ત તેનો મહત્તમ ઉપયોગ કરવાનો હતો. હું એવી ચાલ રમી રહ્યો હતો જે કાર્લસન માટે મુશ્કેલ હતી અને સદભાગ્યે ચાલ સાચી સાબિત થઈ હતી. આ ટુર્નામેન્ટમાંથી મેં એક વાત શીખી છે કે સમયસર ચાલ કરવાનું દબાણ તમને ભૂલો કરવા માટે મજબૂર કરી શકે છે.
નોંધનીય છે કે આ જ ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં બંને વચ્ચે ટક્કર થઈ હતી, જ્યાં કાર્લસને તેના ટ્રેડમાર્ક ચાલથી જીત મેળવી હતી. જોકે, આ વખતે ગુકેશે જીત મેળવી અને છેલ્લી હારનો બદલો લીધો હતો.
નોર્વે ચેસને ચેસ કેલેન્ડર પર પ્રીમિયર ટુર્નામેન્ટમાંની એક માનવામાં આવે છે. છ ખેલાડીઓ ડબલ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં એકબીજા સામે રમે છે. પુરુષો અને મહિલા બંને કેટેગરીમાં મેચો છે. 2025 સીઝન 26 મે થી 6 જૂન સુધી સ્ટાર્વેજરમાં યોજાશે.