નેશનલ

દેશના યુવાનોને અઠવાડિયાના 70 કલાક સુધી કામ કરવાની જરૂરિયાત: નારાયણ મૂર્તિ

ભારતના યુવાવર્ગે દર અઠવાડિયે ઓછામાં ઓછા 10 કલાક કામ કરવું જોઇએ. એટલે કે દરરોજના કલાકોને ગણતરીમાં લેવાય તો દરરોજ 10 કલાક કામ કરવાની યુવાનોએ જરૂરિયાત છે. તેમ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ એક પોડકાસ્ટ દરમિયાન કહ્યું હતું. તેમણે વાતચીત દરમિયાન બીજા વિશ્વયુદ્ધ વખતના સમયનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે યુદ્ધ દરમિયાન જર્મની અને જાપાનના લોકોએ અથાગ મહેનત કરી હતી અને સતત કામ કર્યું હતું. એ જ રીતે ભારતીય યુવાનોને પણ લાંબા કલાકો સુધી કામ કરવાની જરૂર છે. આ પોડકાસ્ટમાં તેમણે ઉત્પાદનક્ષમતા વધારવાનું અને કામમાં વિલંબ ન કરવા પર પણ ભાર મુક્યો હતો.

નારાયણમૂર્તિના આ નિવેદનને પગલે સોશિયલ મીડિયા પર લોકો મિશ્ર પ્રતિભાવ આપી રહ્યા છે. કેટલાક લોકો તેને સમર્થન આપી રહ્યા છે જ્યારે કેટલાક લોકો વખોડી પણ રહ્યા છે. ‘ઓલા’ કંપનીના સીઇઓ ભાવિશ અગ્રવાલે નારાયણમૂર્તિની સલાહનું સમર્થન કરતા ‘એક્સ’ પર કહ્યું હતું કે આપણા દાદા-દાદીની પેઢી આઝાદી માટે લડી. આપણા માતા-પિતાના સમયની પેઢી રોટી-કપડા-મકાન માટે લડ્યા.


ગમે કે ન ગમે, અત્યારની પેઢી જ ભારતને સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. તે માટે દરેક પ્રકારના પ્રયાસ થાય તેવું જરૂરી છે. તેનાથી વધુ મોટો સંતોષ બીજો નથી!


વર્ષ 2020માં પણ નારાયણ મૂર્તિએ એક્સ પર કહ્યું હતું કે મહામારી બાદ આપણી અર્થવ્યવસ્થા પુનર્જીવિત કરવા માટે આગામી 2થી 3 વર્ષો સુધી 60 કલાક કામ કરવું જોઇએ. કેટલાક વર્ષો પહેલા અલીબાબાની સ્થાપના કરનારા જેક મા એ ચીનના ટેકનીકલ ઉદ્યોગ અંગે ‘996’ ના કોન્સેપ્ટનું સમર્થન કરતા બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે લાંબા સમય સુધી કામ કરનારા કર્મચારીઓને ‘આકરી મહેનતનો પુરસ્કાર’ મળશે. આ નિવેદન અઠવાડિયામાં 6 દિવસ સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરવા બાબતે ઇશારો કરે છે. ચીનના મોટાભાગના ઉદ્યોગો, કંપનીઓ તેમજ સ્ટાર્ટ અપ આ જ પ્રકારે કામ કરતા હોય છે.


આમ આ નિવેદન આપનારા નારાયણ મૂર્તિ એકમાત્ર વ્યક્તિ નથી. વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક ઇલોન મસ્કે ગત વર્ષે ઓક્ટોબરમાં ટ્વિટર ખરીદ્યું હતું અને કર્મચારીઓને એક અઠવાડિયામાં 100 કલાકથી પણ વધુ કામ કરવાનું કહ્યું હતું. ‘ધ ગાર્જિયન’ના એક રિપોર્ટ મુજબ નવેમ્બર 2022માં મસ્કે કર્મચારીઓને એક ઇમેલ મોકલ્યો હતો. આ ઇમેલમાં તેમણે કર્મચારીઓને લખ્યું હતું કે તેઓ પોતે પણ ક્યારેક ઓફિસમાં જ ઉંઘી જાય છે અને અપેક્ષા રાખે છે કે કર્મચારીઓ પણ તેવુ કરે.


બોમ્બે શેવિંગ કંપનીના સીઈઓ શાંતનુ દેશપાંડેએ લિંક્ડઈન પોસ્ટમાં કહ્યું હતું કે બિનઅનુભવી તેમજ ક્ષેત્રમાં નવા હોય તેવા લોકોએ દિવસમાં 18 કલાક કામ કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે સારું ખાઓ અને સ્વસ્થ રહો, પરંતુ ઓછામાં ઓછા 4-5 વર્ષ સુધી દિવસમાં 18 કલાક વિતાવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button