24 વર્ષ અગાઉના હત્યા કેસમાં બીજો આરોપી યુપીમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિરારમાં રિક્ષા ભાડાના મુદ્દે થયેલા વિવાદમાં ચાકુ હુલાવી પ્રવાસીની કથિત હત્યા કરવાના કેસમાં 24 વર્ષથી ફરાર બીજો આરોપી પણ ઉત્તર પ્રદેશમાં પકડાયો હતો.
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) મદન બલ્લાળે જણાવ્યું હતું કે આરોપી મામુ ઉર્ફે છોટે ઉર્ફે બાબોન ઓમપ્રકાશ દિવાકર (50) ઉત્તર પ્રદેશમાં સંતાયો હોવાની માહિતી મળી હતી. માહિતીને આધારે તેને કાનપુરમાંથી તાબામાં લેવાયો હતો. વધુ કાર્યવાહી માટે આરોપીને વિરાર પોલીસના તાબામાં સોંપાયો હતો.
આપણ વાંચો: ‘રાહુલ મને ગમતો નથી, જીવતો નહીં મુકું’: સાવકા પિતાએ આંગળિયાત પુત્રની કરી હત્યા, પોલીસે ઝડપ્યો
હત્યાની ઘટના 14 ઑક્ટોબર, 2001ના રોજ બની હતી. મોહરમ અલી મોહમ્મદ ઈબ્રાહિમ અલી (56) પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અલીનું મૃત્યુ થયું હતું. રિક્ષા ભાડાને મુદ્દે રિક્ષા ડ્રાઈવર હારુન અલી મુસ્તકિમ અલી સૈયદ (43) સાથે વિવાદ થયો હતો. ઝઘડામાં આરોપીએ ચાકુથી હુમલો કર્યો હતો. આ પ્રકરણે વિરાર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
જોકે ગુનો નોંધાતાં જ આરોપી ફરાર થઈ ગયા હતા. વસઈમાં રહેતો સૈયદ છેક 24 વર્ષ બાદ હાલમાં જ તલાસરી ખાતેથી પકડાયો હતો. પૂછપરછમાં તેણે આપેલી માહિતી પરથી બીજા આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે કોર્ટમાં આરોપનામું પણ દાખલ કર્યું હતું.