પનવેલ રેલવે સ્ટેશન બહારથી બાળકીનું અપહરણ: 24 કલાકમાં મહિલા પકડાઈ

થાણે: પનવેલ રેલવે સ્ટેશન બહારથી ત્રણ મહિનાની બાળકીનું કથિત અપહરણ કરનારી મહિલાને પોલીસે 24 કલાકમાં જ પકડી પાડી બાળકીને સહીસલામત તેની માતાને ફરી સોંપી હતી.
પનવેલ શહેર પોલીસે ધરપકડ કરેલી મહિલાની ઓળખ રોશની વિનોદ વાગેશ્રી (35) તરીકે થઈ હતી. પનવેલ રેલવે સ્ટેશન નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતી વાગેશ્રીએ ભીખ મગાવવા માટે બાળકીનું અપહરણ કર્યું હોવાની શક્યતા પોલીસે સેવી હતી.
સિનિયર ઈન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ જણાવ્યું હતું કે બાળકીનું અપહરણ શુક્રવારની બપોરે 3થી 3.30 દરમિયાન પનવેલ રેલવે સ્ટેશન બહારથી થયું હતું. સ્ટેશન બહાર માતા બાળકીને લઈને ઊભી હતી ત્યારે અજાણી મહિલા તેને પોતાની સાથે લઈ ગઈ હતી.
આ પણ વાંચો: આઠ વર્ષની બાળકીનું અપહરણકરનારો આઠ કલાકમાં પકડાયો જાતીય શોષણને ઇરાદે રીઢા આરોપીએ અપહરણ કર્યાની શંકા
બાળકીના અપહરણની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓની પાંચ ટીમ તપાસમાં લાગી હતી. પોલીસે પનવેલ સ્ટેશન નજીકના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી આરોપી મહિલાની ઓળખ મેળવી હતી. મહિલા બાળકીને લઈ પુણે જતી ટ્રેનમાં ચઢી હોવાનું જાણવા મળ્યું હતું.
બાળકીની શોધમાં પોલીસની અલગ અલગ ટીમ કર્જત, લોનાવલા, દૌંડ અને પુણે મોકલવામાં આવી હતી. લોનાવલા રેલવે સ્ટેશનના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં મહિલા પુણે જતી ટ્રેનમાંથી લોનાવલા ઊતરી ગઈ હતી. પછી ફરી નવી મુંબઈ તરફ આવતી ટ્રેનમાં ચઢી હોવાનું ફૂટેજમાં નજરે પડ્યું હતું.
આ પણ વાંચો: ભાંડુપથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ: ગુજરાતી મહિલા સહિત ચારની ધરપકડ
પનવેલ પોલીસે નવી મુંબઈનાં દરેક પોલીસ સ્ટેશનને મહિલા અને બાળકીની તસવીર મોકલી અલર્ટ રહેવા કહ્યું હતું. દરમિયાન શનિવારે કળંબોલી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ પર હતી ત્યારે તેમની નજર કળંબોલી ફાયર સ્ટેશન નજીકથી પસાર થતી મહિલા અને બાળકી પર પડી હતી. તાબામાં લેવાયેલી મહિલાને પનવેલ શહેર પોલીસને સોંપાઈ હતી. (પીટીઆઈ)