ધોનીએ IPLમાં પોતાના ભવિષ્ય અંગે આપ્યું મોટું અપડેટ
કહ્યું- માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે

જાણીતા ભારતીય કેપ્ટન કુલ એમ એસ ધોનીએ પોતાના ઘૂંટણની ઇજા અને 2024માં ચેન્નઇ સુપર કિંગ્સની સાથે ઇન્ડિયન પ્રિમીયર લીગ (આઇપીએલ)માં પોતાની વાપસી પર એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. ઘૂંટણની ઇજાથી ત્રસ્ત ધોનીએ ચેન્નઇ સુપર કિંગ્સને આઇપીએલ-2023માં ટાઇટલ અપાવ્યું હતું અને ટૂર્નામેન્ટ બાદ ઘૂંટણની સર્જરી કરાવી હતી. હવે એમણે ખુલાસો કર્યો છે કે તેમને ઘૂંટણથી કોઇ પરેશાની નથી અને એકાદ મહિનામાં તેઓ સંપૂર્ણપણે ઠીક થઇ જશે.
42 વર્ષીય ધોનીએ 26 ઓક્ટોબરે બેંગલુરુમાં એક કાર્યક્રમમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. ધોનીએ પુષ્ટિ કરી હતી કે તબીબી વ્યાવસાયિકોએ તેમને ખાતરી આપી છે કે તે નવેમ્બર સુધીમાં વધુ સારું અનુભવશે. આઇકોનિક વિકેટકીપર-બેટ્સમેને એ પણ શેર કર્યું કે તેના ઘૂંટણની સર્જરી સફળતાપૂર્વક થઇ છે અને તે હાલમાં પુનર્વસન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. ધોનીએ કહ્યું હતું કે, ‘ઓપરેશનથી તેમનો ઘૂંટણ બચી ગયો છે અને તેઓ રિહેબ પેચમાંથી પસાર થઈ રહ્યા છે. ડૉક્ટરે તેમને કહ્યું છે કે નવેમ્બર સુધીમાં તેઓ ઘણું સારું અનુભવશે, પરંતુ રોજબરોજની દિનચર્યામાં તેમને હાલમાં પણ કોઈ સમસ્યા નથી.’
ધોનીએ વધુમાં કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય ક્યારેય કુશળ ક્રિકેટર તરીકે ઓળખાવાનો ન હતો. તેના બદલે તેમણે એક શિષ્ટ અને ઉત્તમ માનવી તરીકે વારસો છોડવાના મહત્વ પર સતત ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘તમે જાણો છો, શરૂઆતથી જ લોકો મને એક સારા ક્રિકેટર તરીકે યાદ કરે એમાં મને રસ નહોતો. મેં હંમેશા કહ્યું છે અને તમે જાણો છો કે મને એક સારા વ્યક્તિ તરીકે યાદ રાખવામાં આવે એવી જ મારી ઇચ્છા છે અને જો તમે એક સારા વ્યક્તિ બનવા માંગતા હો, તો તે તમારા મૃત્યુ સુધીની નિરંતર પ્રક્રિયા છે.’
ધોનીએ પોતાના ભવિષ્ય અંગેની અટકળો પર વિરામ લગાવતા IPL 2024માં પુનરાગમન કરવાનું વચન આપ્યું હતું. ધોનીએ મે મહિનામાં CSKએ ગુજરાત ટાઇટન્સને હરાવ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કહ્યું પણ હતું કે, ” પરિસ્થિતિવશ હાલના સંજોગોમાં નિવૃત્તિની જાહેરાત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. મારા માટે સૌથી સરળ બાબત એ છે કે આભાર કહી દઉં અને નિવૃત્ત થઇ જાંઉ, પરંતુ CSKના ચાહકો તરફથી મને એટલો પ્રેમ મળ્યો છે કે તેમના માટે (મને જોવા માટે) મારે વધુ એક સિઝન રમવાની ભેટ આપવી પડશે.