વિક્રોલી પૂર્વ અને પશ્ચિમને જોડનારા બ્રિજનું કામ પૂર્ણ…
ટ્રાફિક પોલીસની મંજૂરી સાથે જ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આખરે લાંબા સમયથી રાહ જોવાતી હતી તે બહુપ્રતિક્ષિત વિક્રોલી પૂર્વ અને પશ્ચિમને જોડનારો બ્રિજ બાંધકામ ચાલુ થવાના સાત વર્ષ બાદ તૈયાર થઈ ગયો છે. પાલિકાએ પૂલના બાંધકામની ૩૧મે, ૨૦૨૫ની સમયમર્યાદાને પૂરી કરીને હવે લેન માર્કિંગ, ટ્રાફિક આઈલેન્ડ અને સિગ્નલ ઈન્સ્ટોલેશનને ફાઈનલ ટચ આપવામાં આવી રહ્યો છે, જે બે દિવસમાં પૂરું થવાની અપેક્ષા છે. મુંબઈ ટ્રાફિક પોલીસની મંજૂરી મળવાની સાથે જ આ બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.
નવો બાંધવામાં આવેલો પૂલ વિક્રોલી પૂર્વમાં રહેલા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને પશ્ચિમમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ(એલબીએસ) સાથે જોડે છે. વિક્રોલી રેલવે સ્ટેશન પાસે રેલવે પાટા પર બાંધવામાં આવેલા પુલની પહોળાઈ ૧૨ મીટર તો લંબાઈ ૬૧૫ મીટર જેટલી છે, તેમાથી ૫૬૫ મીટરનો પુલનો હિસ્સો પાલિકાએ બાંધ્યો છે. તો બાકીનો ૫૦ મીટર લંબાઈ સુધીનો ભાગ મધ્ય રેલવેએ બાંધ્યો છે. પૂલ પર ચાર લેન અને ફૂટપાથ હશે. રેલવે તરફથી કુલ સાત ગર્ડર બેસાડવામાં આવ્યા હતા, તેના કુલ વજન ૬૫૫ ટન છે. આ પુલ પર પાલિકાએ નાખેલા ગર્ડર લગભગ ૨,૧૪૨ ટન જેટલા વજનના છે. તેમ જ ગર્ડરની લંબાઈ ૨૫થી ૩૦ મીટરની છે.

પુલ માટે ત્રણ તબક્કામાં કુલ ૧૮ ગર્ડર નાખવામાં આવ્યા છે. આ પુલના કુલ ૧૯ પીલરમાંથી પૂર્વમાં ૧૨ તો પશ્ચિમમાં સાત પીલર ઊભા કરવામાં આવ્યા છે. પુલની બંને બાજુએ અપ્રોચ રોડ, રોડ પર કૉંક્રિટ, ડામર, નોઈસ બેરિયર, એન્ટી ક્રેશ બેરિયર્સ જેવા કામ ૩૧ મે, ૨૦૨૫ સુધી પૂરા કરવામાં આવ્યા છે. આ પૂલને કારણે વિક્રોલી પૂર્વ-પશ્ર્ચિમની કનેક્ટિવિટીમાં સુધારો થશે અને પ્રવાસનાં સમયમાં ૩૦ મિનિટની બચત થશે.

નોંધનીય છે કે આ ભારતનો સૌથી લાંબો રેલવે ઓવરબ્રિજ હશે, જેમાં સક્રિય રેલવે ટ્રેક પર ઓપન-વેબ ગર્ડર સિસ્ટમ હશે.
વિક્રોલીમાં આ પુલ બાંધવા માટે ૧૯૯૭ની સાલથી યોજના બનાવવામાં આવી રહી છે પણ હકીકતમાં પુલનું બાંધકામ છેક ૨૦૧૮ની સાલથી શરૂ થયું હતું. શરૂઆતમાં પુલનો અંદાજિત ખર્ચ ૭૦ કરોડ રૂપિયા હતો પણ કામ સતત વિલંબમાં મૂકાવાને કારણે તેનો ખર્ચ વધીને ૧૮૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો.